
૧. તમારા ભાગ્યવિધાતા તમે જ છો. તમારી જાતને દુઃખી કરનાર તમે જ છો, શુભઅશુભના કરનાર તમે જ છો, તમે જ તમારી આંખો આડા હાથ દઈને બૂમો મારે છો કે અંધારું છે, અંધારું છે. આંખ આડેથી હાથ ખસેડી લો અને પ્રકાશને જુઓ; તમે પોતે જ્યોતિર્મય છો, પ્રથમથી જ તમે સંપૂર્ણ છો.
૨. ઊભા થાઓ, હિંમતવાન બનો, તાકાતવાન થાઓ. બધી જવાબદારી પોતાને શીરે ઓઢી લ્યો અને સમજો કે તમારા નસીબના ઘડનારા તમે પોતે જ છો. જે કાંઈ શક્તિ અને સહાય તમારે જોઈએ તે તમારી પોતાની અંદર જ છે; માટે તમારું ભાવિ તમે પોતે જ ઘડો.
૩. તમે પોતે જ તમારો ઉદ્ધાર કરો. મિત્ર ! બીજું કોઈ તમને મદદ નહીં કરી શકે, કારણ તમે જ તમારા મહાન શત્રુ છો અને તમે જ તમારા મહાન મિત્ર પણ છો.
૪. ઊભો થા અને યુદ્ધ કર. એક પગલું પણ પીછેહઠ ન કરીશ; એ જ મુદ્દો છે… છેલ્લે સુધી લડત ચાલુ રાખ; પરિણામ ગમે તે આવે. તારાઓ ભલે આકાશમાંથી ખરી પડે ! સમગ્ર જગત ભલે આપણી સામે ઊભું થાય ! મૃત્યુ એ માત્ર વેશબદલો છે. એમાં શું ? માટે યુદ્ધ કર ! નામર્દ થવાથી તને કાંઈ મળશે નહિ… પીછેહઠ કરવાથી કોઈ કમનસીબી તું ટાળી નહિ શકે… સામી છાતીએ લડીને મરો… ઊઠ! જાગ ! ઊભો થા અને યુદ્ધ કર !
આ પુસ્તક ઓનલાઇન ખરીદો



