
જ્યાં સુધી હું ‘તમે’ એમ કહું ત્યાં સુધી ઈશ્વર આપણો રક્ષક છે તેમ કહેવાનો મને અધિકાર છે. જ્યારે હું બીજાને જોઉં ત્યારે મારે બધાં પરિણામો સ્વીકારવાં જોઈએ અને અમારી વચ્ચે જે રહે છે તે બીજાને એટલે કે આદર્શને મૂકવો જોઈએ, તે ત્રિકોણની ટોચ છે. વરાળનો પહેલાં બરફ થાય છે, પછી પાણી થાય છે, પછી ગંગા બને છે; પણ જ્યારે તે વરાળરૂપે હોય છે ત્યારે ત્યાં ગંગા નથી અને જ્યારે ત્યાં પાણી હોય છે ત્યારે તેમાં વરાળનો આપણે ખ્યાલ કરતા નથી. સર્જન કે પરિવર્તનનો વિચાર ઇચ્છાશક્તિ સાથે અવિભાજ્યપણે જોડાયેલો છે. જ્યાં સુધી આપણે આ જગતને ગતિમાં જોયા કરીએ ત્યાં સુધી આપણે તેની પાછળ ઇચ્છાશક્તિની કલ્પના કરવી પડે છે. ઇંદ્રિયોની સંપૂર્ણ ભ્રમણાને તો પદાર્થવિજ્ઞાન સિદ્ધ કરી બતાવે છે; આપણે જે રીતે જોઈએ છીએ, સાંભળીએ છીએ, અનુભવીએ છીએ, સૂંઘીએ છીએ કે સ્વાદ લઈએ છીએ તેવી રીતનું ખરી રીતે કંઈ જ નથી. અમુક પ્રકારનાં આંદોલનો અમુક પ્રકારનાં પરિણામો ઉત્પન્ન કરે છે અને તે આપણી ઇંદ્રિયોને અસર કરે છે; આપણે માત્ર સાપેક્ષ સત્યને જ જાણીએ છીએ.
સત્ય માટેનો સંસ્કૃત શબ્દ ‘હોવું’ (सत्) છે. આપણા અત્યારના દૃષ્ટિબિંદુથી આ જગત આપણને ઇચ્છાશક્તિ અને ચેતનારૂપે દેખાય છે. જેમ આપણે આપણા માટે એક તત્ત્વ છીએ, તેમ જ વ્યક્તિરૂપ ઈશ્વર તેને પોતાને માટે એક તત્ત્વ છે, એથી વિશેષ બીજું કંઈ નહીં. આપણે જેમ એક આકારરૂપે દેખાઈએ છીએ, તેમ ઈશ્વર પણ એક આકારરૂપે દેખી શકાય. મનુષ્યો તરીકે આપણો એક ઈશ્વર હોવો જોઈએ, પણ ઈશ્વર તરીકે આપણને કોઈ ઈશ્વરની જરૂર નથી. આટલા માટે જ શ્રીરામકૃષ્ણ પોતાની આજુબાજુની બીજી કોઈ પણ ચીજ કરતાં વધારે સત્યરૂપે, પોતાની સાથે જ હોય એવી નિરંતર દિવ્ય માતાજીનાં દર્શન કરતા; પણ સમાધિમાં આત્મા સિવાય બધું જ લોપ થઈ જતું. વ્યક્તિરૂપ ઈશ્વર નજીક અને નજીક આવતો જાય છે અને અંતે તે ઓગળી જાય છે અને પછી નથી રહેતો વ્યક્તિરૂપ ઈશ્વર કે નથી રહેતો ‘હું’; બધું આત્મામાં સમાઈ જાય છે.
ચેતના એક બંધન છે. યોજનાવાદમાંથી નીકળતી દલીલ એવો દાવો કરે છે કે બુદ્ધિ આકારની પહેલાં આવે છે; પણ બુદ્ધિ જો કોઈ પણ વસ્તુનું કારણ હોય તો તે પોતે પણ એક કાર્ય છે. તે માયા છે. ઈશ્વર આપણને સર્જે છે અને આપણે ઈશ્વરને સર્જીએ છીએ અને આનું નામ માયા. મન શરીરને ઉત્પન્ન કરે છે અને શરીર મનને ઉત્પન્ન કરે છે, ઇંડામાંથી પક્ષી નીકળે છે અને પક્ષીમાંથી પાછું ઇંડું થાય છે, વૃક્ષમાંથી બીજ થાય છે અને બીજમાંથી વૃક્ષ થાય છે; એ વર્તુળ તૂટતું જ નથી. જગત સર્વાંશે ભિન્નત્વવાળું નથી કે નથી સંપૂર્ણપણે એકજાતીય. માનવ સ્વતંત્ર છે; તેણે બંને પક્ષથી પર જવું જોઈએ. બંને પોતપોતાની જગ્યાએ સાચાં છે, પણ સત્યને પહોંચવા માટે – ‘સત્’ને પહોંચવા માટે આપણે અસ્તિત્વ, ઇચ્છાશક્તિ, ચેતના; કરવું, જવું, જાણવું વગેરે વિષે અત્યારે આપણે જે જે જાણીએ છીએ તે બધાથી – પર જવું જોઈએ. જીવ (વ્યક્તિરૂપ આત્મા)ને કોઈ સાચું વ્યક્તિત્વ નથી અને તે એક મિશ્રણ હોવાથી તેનો આખરે વિનાશ થશે. જેનું આગળ પૃથક્કરણ થઈ શકે નહીં તે ‘કેવળ’ છે અને તે જ સત્ય છે, મુક્તિ છે, અમૃતત્વ છે, આનંદ છે. આ ભ્રમાત્મક વ્યક્તિત્વને જાળવી રાખવાના બધા પ્રયાસો ખરેખર દુર્ગુણો જ છે; તે વ્યક્તિત્વનો નાશ કરવાના બધા પ્રયાસો સદ્ગુણો છે. વિશ્વમાંની દરેક વસ્તુ આ વ્યક્તિત્વને સમજણપૂર્વક કે સમજણ વિના તોડી નાખવાનો પ્રયાસ કરી રહી છે. સઘળો નીતિધર્મ ભિન્નત્વ કે મિથ્યા વ્યક્તિત્વનો નાશ કરવા માટે જ રચાયેલો છે, કારણ કે સઘળાં પાપનું તે કારણ છે. પહેલાં નીતિનું અસ્તિત્વ હોય છે, પછી ધર્મ તેને નિયમબદ્ધ સ્વરૂપ આપે છે; રૂઢિઓ પહેલી આવે છે અને પછી તેને સમજાવવા માટે પુરાણો રચાયાં છે. ઘટનાઓ જ્યારે બને છે ત્યારે તે તર્ક કરતાં કોઈ ઊંચા નિયમથી આવે છે; તર્ક તો તેમને સમજવાના પ્રયાસ વખતે પાછળથી આવે છે. તર્ક એ ચાલકશક્તિ નથી, એ તો પાછળથી ‘વાગોળવાનું’ છે. તર્ક એ માનવપ્રાણીનાં કર્મોનો ઇતિહાસકાર છે.
* * *
બુદ્ધ મહાન વેદાંતી હતા, (કારણ કે બૌદ્ધ ધર્મ ખરી રીતે તો વેદાંતની એક શાખા જ છે.) અને આચાર્ય શંકરને ઘણીય વાર ‘પ્રચ્છન્ન બૌદ્ધ’ કહેવામાં આવે છે. ભગવાન બુદ્ધે પૃથક્કરણ કર્યું, આચાર્ય શંકરે તેમાંથી એકીકરણ કર્યું. બુદ્ધ કદી કોઈને નમ્યા ન હતા – નહીં વેદોને, ન વર્ણને, ન પુરોહિતોને કે ન રૂઢિને; તર્ક જેટલી હદ સુધી તેમને લઈ ગયો ત્યાં સુધી તેમણે નિર્ભય રીતે તર્ક કર્યો. સત્ય માટેની આવી નિર્ભય અન્વેષણા અને પ્રત્યેક પ્રાણી માટેનો આવો પ્રેમ જગતે કદી જોયાં નથી. બુદ્ધ ધાર્મિક જગતના (જયોર્જ) વોશિંગ્ટન હતા. જેમ વોશિંગ્ટને અમેરિકન લોકોને માટે કર્યંુ તેમ તેમણે સિંહાસન મેળવ્યું પણ માત્ર જગતને આપવા માટે. તેમણે પોતા માટે કશી જ ઇચ્છા રાખી ન હતી.
આ પુસ્તક ઓનલાઇન ખરીદો



