
નિષ્ઠા (અમુક આદર્શ પ્રત્યેની ભક્તિ) એ સાક્ષાત્કારનો આરંભ છે. ‘બધાં પુષ્પોમાંથી મધ ચૂસો; સૌ સાથે હળીમળીને મૈત્રીભાવ રાખો; સૌને માન આપો; બધાને કહોઃ ‘હા, ભાઈ! હા ભાઈ!’ પણ તમારા પોતાના માર્ગમાં દૃઢ રહો.’ એથીયે એક ઉચ્ચ સ્થિતિ છેઃ સામાની ભૂમિકાનો સ્વીકાર કરવાની. જો હું સર્વ છું તો હું મારા ભાઈ પ્રત્યે સાચી અને સક્રિય સહાનુભૂતિ દર્શાવીને તેની દૃષ્ટિથી શા માટે ન જોઈ શકું? જ્યારે હું નિર્બળ હોઉં, ત્યારે મારે એક જ માર્ગ (નિષ્ઠા)ને વળગી રહેવું એ ઠીક છે; પણ જ્યારે હું સશક્ત હોઉં ત્યારે હું બીજા દરેક સાથે સમાન લાગણી અનુભવી શકું અને તેના વિચારો સાથે સહાનુભૂતિ દાખવી શકું.
જૂનો વિચાર આવો હતોઃ ‘બીજી બધી ભાવનાઓને ભોગે એક જ ભાવનાને વિકસાવો.’ આધુનિક માર્ગ છેઃ ‘સહુ સાથે સુમેળપૂર્વક વિકાસ સાધો.’ એક ત્રીજો માર્ગ છેઃ ‘જાતનો વિકાસ કરીને તેને કાબૂમાં રાખવાનો,’ અને પછી તેને તમારી ઇચ્છા પ્રમાણે લગાડવાનો; આથી પરિણામ ઝડપથી આવશે. સાચામાં સાચી રીતે તમારો વિકાસ આ રીતે છે. એકાગ્રતા શીખો અને ગમે તે દિશાએ તેનો ઉપયોગ કરો. તેમાં તમને કશું નુકસાન નથી. જે આખું મેળવે છે, તેને તેના ભાગો પણ મળે જ. અદ્વૈતવાદમાં દ્વૈતવાદનો સમાવેશ થઈ જ જાય છે.
‘મેં પ્રથમ તેને જોયો અને તેણે મને જોયો.’ ‘મારી આંખમાંથી તેની તરફ અને તેની આંખમાંથી મારી તરફ એક નજરનો ચમકારો ગયો.’
આમ થતાં થતાં અંતે બંને આત્મા એવા એકરૂપ બની ગયા કે ખરેખર તેઓ એક જ થઈ ગયા…
* * *
સમાધિ બે પ્રકારની છેઃ એકમાં હું મારા પોતા પર ચિત્તને એકાગ્ર કરું છું, બીજીમાં હું (અમુક વસ્તુ પર) મન એકાગ્ર કરું છું અને એ એકાગ્રતાને પરિણામે ધ્યાતા અને ધ્યેયનું ઐક્ય થાય છે.
પ્રત્યેક વિગત સાથે સંપૂર્ણપણે સહાનુભૂતિ દર્શાવવાની અને તાબડતોબ સર્વોચ્ચ અદ્વૈતવાદની ભૂમિકાએ કૂદકો મારી પહોંચી જવાની શક્તિ તમારામાં હોવી જોઈએ. પૂર્ણત્વ પામ્યા પછી તમે રાજીખુશીથી મર્યાદિત બનો છો. દરેક કર્મમાં બધી શક્તિ લગાડી દો. થોડા સમયને માટે દ્વૈતવાદી બનવાની અને અદ્વૈતને ભૂલી જવાની અને છતાંય ઇચ્છામાં આવે ત્યારે તેને પાછો સ્વીકારી લેવાની શક્તિ પણ કેળવો.
* * *
કારણ અને કાર્ય એ બધુંય માયા છે; અને આપણો એટલો વિકાસ થશે કે આપણે જે જોઈએ છીએ તે બધું જ જેમ બાળકની પરિકથાઓ અસંબદ્ધ લાગે છે તેમ અસંબદ્ધ લાગશે. સાચી રીતે જોતાં તો કાર્ય-કારણ જેવી કોઈ વસ્તુ જ નથી અને આપણને પણ તે સમજાશે. ત્યાર પછી જો તમારાથી બને તો તમારી બુદ્ધિને એટલી કક્ષાએ ઉતારી લાવો કે જ્યાં કોઈ પણ રૂપકથા તમારા મનમાં સંબદ્ધતાના સવાલ સિવાય જ પસાર થઈ શકે. કલ્પનાસૃષ્ટિ તથા સુંદર કાવ્ય માટે અંતરમાં પ્રેમ વિકસાવો અને પછી બધાં પુરાણોનો કાવ્ય તરીકેનો આનંદ માણો; ઇતિહાસ અને તર્કના વિચારો લઈને પુરાણો પાસે ન જાઓ. પુરાણને એક પ્રવાહ તરીકે તમારા અંતરમાં વહેવા દો. મીણબત્તીને કોણે પકડી છે એ પૂછ્યા વગર મીણબત્તીને તમારી નજર સામે ફરવા દો, એટલે તમને વર્તુળ દેખાશે; તેમ જ પુરાણનો એટલે સત્યનો સાર તમારા મનમાં રહી જશે.
સઘળા પુરાણના લખનારાઓએ તેમણે જે જોયું અને સાંભળ્યું તે વિશે પ્રતીકરૂપે આલેખ્યું; તેઓએ આંખને વળગે તેવાં ચિત્રો દોર્યાં. અંદરના વિષયને જુદો કાઢી લઈને ચિત્રનો એ રીતે નાશ કરવાનો પ્રયત્ન ન કરો. જેમ છે તેમ જ તેમને સ્વીકારો અને તેમની તમારા ઉપર અસર થવા દો. તેમની અસર ઉપરથી જ તેમનું મૂલ્યાંકન કરો અને તેમાંથી સારું હોય તે ગ્રહણ કરો.
* * *
જે કોઈ તમારી પ્રાર્થનાનો ઉત્તર વાળે છે તે તમારી પોતાની ઇચ્છાશક્તિ જ છે. માત્ર દરેક મનને તે જુદા ધાર્મિક વિચારોના વેશમાં દેખાય છે. આપણે તેને ભલે બુદ્ધ, ઈશુ, કૃષ્ણ, જેહોવા, અલ્લાહ, અગ્નિ વગેરે કહીએ; પણ તે માત્ર એક જ આત્મા, ‘अहम्’ છે.
* * *
વિચારો વિકસે છે, પણ જે કાલ્પનિક કથાઓ તેમને રજૂ કરે છે તેમાં કશું ઐતિહાસિક સત્ય નથી. મોઝીઝનાં દર્શનો આપણાં દર્શનો કરતાં વધારે ખોટાં હોવાનો વધુ સંભવ છે, કારણ કે આપણી પાસે વધારે જ્ઞાન છે એટલે ભ્રમણાથી છેતરાવાનો સંભવ ઘણો ઓછો છે.
જ્યાં સુધી આપણો પોતાનો ગ્રંથ ઊઘડે નહીં ત્યાં સુધી અન્ય ગ્રંથો નકામા છે. ત્યાર પછી જેટલા પ્રમાણમાં આપણા ગ્રંથને અનુરૂપ થતા હોય તેટલા પ્રમાણમાં બીજા બધા ગ્રંથો સાચા છે. બળવાન હોય તે બળને સમજી શકે. સિંહની શક્તિ હાથી સમજી શકે, ઉંદર નહીં. જ્યાં સુધી આપણે ઈશુની સમાન ન થઈએ ત્યાં સુધી આપણે ઈશુને કેમ કરીને સમજી શકીએ? બે રોટલાથી પાંચ હજારને ખવડાવવા કે પાંચ રોટલાથી બે માણસને ખવડાવવા તે બધું સ્વપ્નાનો ખ્યાલ છે; બેમાંથી એકેય સાચું નથી અને બેમાંથી એકેય બીજાને કંઈ અસર કરતું નથી. ભવ્યતા જ ભવ્યતાની કદર કરે; ઈશ્વર જ ઈશ્વરને સમજે. સ્વપ્ન એ સ્વપ્નદ્રષ્ટા પોતે જ છે; તેનો બીજો કોઈ આધાર જ નથી. સ્વપ્ન એક અને તેનો દ્રષ્ટા બીજો તેમ નથી. સંગીતમાં ઓતપ્રોત થઈ રહેલા મુખ્ય સ્વર છેઃ ‘सोऽहम्, सोऽहम्’ હું તે છું, હું તે છું.’ બીજા બધા સ્વરો માત્ર વિવિધતાઓ છે અને ખરા વિષયને અસર કરતા નથી. આપણે જ જીવંત ગ્રંથો છીએ અને ગ્રંથો તો માત્ર આપણે બોલ્યા છીએ તે શબ્દો જ છે. સર્વ કંઈ જીવંત ઈશ્વર છે, જીવંત ઈશુ છે, તેવા રૂપે તે સર્વ જુઓ. મનુષ્યને વાંચો; તે જીવંત કાવ્ય છે. જે થઈ ગયા છે તે બધા બુદ્ધો, ઈશુઓ અને બાઇબલોને પ્રકાશિત કરનાર જ્યોતિ આપણે જ છીએ. તે જ્યોતિ વિના તો આપણે મરેલા હોત, જીવંત નહીં.
તમારા પોતાના આત્મા ઉપર નિર્ભર રહો. મૃતદેહ કશાનો પ્રતિકાર કરતો નથી; આપણે આપણાં શરીરોને મૃત બનાવીએ અને તેની સાથે ઐક્ય અનુભવવાનું બંધ કરી દઈએ.
આ પુસ્તક ઓનલાઇન ખરીદો



