(શ્રીરામકૃષ્ણ દેવ)

શ્રીરામકૃષ્ણ એક એવા અત્યંત રૂઢિચુસ્ત બ્રાહ્મણના પુત્ર હતા કે જે બ્રાહ્મણોની એક વિશિષ્ટ જ્ઞાતિ સિવાયની અન્ય કોઈ વ્યક્તિ પાસેથી દાન ન લેતા; તેનાથી કંઈ ધંધો ન કરી શકાય કે મંદિરમાં પૂજારી પણ ન થવાય; દક્ષિણા લઈને કર્મકાંડ ન કરી શકાય કે કોઈની નોકરી પણ ના થાય; તે ‘આકાશવૃત્તિ’ પર જ રહેતા હતા અને દાન મળે તે પણ કોઈ ‘પતિત’ બ્રાહ્મણનું તો ન જ લેતા. હિંદુ ધર્મ ઉપર મંદિરોની કોઈ જ સત્તા ચાલતી નથી; જો તે બધાંનો નાશ કરવામાં આવે તો પણ ધર્મને લેશમાત્ર હાનિ ન પહોંચે. માણસે ઘર બંધાવવું હોય તો તે ‘ઈશ્વર અને અતિથિ’ માટે બંધાય; પોતા માટે ઘર બાંધવું તે સ્વાર્થી લેખાય. આથી તે ઈશ્વરના નિવાસ માટે મંદિરો ઊભાં કરે છે.

પોતાના કુટુંબની અત્યંત ગરીબ હાલતને કારણે કિશોર અવસ્થામાં જ શ્રીરામકૃષ્ણને કાલીમાતાના મંદિરમાં પૂજારી થવું પડ્યું. તેને જ પ્રકૃતિ કે કાલી કહે છે અને પુરુષ – આકાર ઉપર પગ દબાવીને ઊભેલી એ સ્ત્રી આકારરૂપે છે. એટલે કે જ્યાં સુધી માયા આવરણ ન ઊંચકે ત્યાં સુધી આપણને કંઈ જ્ઞાન ન થાય. બ્રહ્મ લિંગભેદરહિત, અજ્ઞાત અને અજ્ઞેય છે; પણ જ્ઞેયભાવ પ્રાપ્ત કરવા માટે તે માયાનું આવરણ સ્વીકારે છે, વિશ્વની જનની બને છે અને આમ, સૃષ્ટિ ઉત્પન્ન કરે છે. નીચે સૂતેલું સ્વરૂપ (શિવ અથવા ઈશ્વર) શવ (નિષ્પ્રાણ કે મૃત) બનેલું છે કારણ કે તે માયાથી આચ્છાદિત છે. જ્ઞાની કહે છેઃ ‘હું ઈશ્વરને બળજબરીથી આવરણરહિત કરીશ’ (અદ્વૈતવાદ); પણ દ્વૈતવાદી કહે છેઃ ‘હું માને પ્રાર્થના કરીને, જેની ચાવી તેની એકલીની પાસે છે તે દ્વારને ઉઘાડીને, ઈશ્વરને હું આવરણ રહિત કરીશ.’

કાલીમાતાની નિત્યપૂજાએ ધીરે ધીરે તે યુવાન પૂજારીના હૃદયમાં એવી ઉત્કટ ભક્તિ જાગ્રત કરી કે મંદિરમાં પદ્ધતિસરની પૂજા કરવાનું તેમનાથી બન્યું નહિ; તેથી તેમણે પોતાનું કાર્ય છોડી દીધું અને મંદિરના વિસ્તારમાં એક નાની ઝાડીમાં જઈને ત્યાં તે નિરંતર ધ્યાન કરવા લાગ્યા. આ ઝાડી ગંગાને કિનારે હતી અને એક દિવસે ગંગાના જોરદાર પ્રવાહમાં તેમની પાસે આવશ્યક સાધનો ખેંચાઈ આવ્યાં, જેમાંથી તેમણે પોતા માટે એક નાનો વાડો બનાવ્યો. આ જગામાં તે રહેતા, રડતા અને પ્રાર્થના કર્યા કરતા; દિવ્ય માતાજી સિવાય પોતાના દેહની કે બીજી કોઈ ચીજની પરવા તેમને ન હતી. તેમનો એક સગો દિવસમાં એક વાર તેમને ખાવાનું આપતો અને તેમની દેખભાળ રાખતો. તે પછી એક સંન્યાસિની એટલે એક સ્ત્રીતપસ્વિની તેમને ‘મા’ને પ્રાપ્ત કરવામાં મદદ કરવા આવી. જે જે ગુરુઓની તેમને જરૂર હતી તે તેમની પાસે આપમેળે આવ્યા. દરેક સંપ્રદાયમાંથી કોઈક પવિત્ર સંત તેમની પાસે આવતા અને તેમને ઉપદેશ આપવા તત્પર થતા. એ બધાને તે આતુરતાથી સાંભળતા. પણ તે ઉપાસના માત્ર માની કરતા; તેમને માટે સર્વ કાંઈ ‘મા’ જ હતું.

શ્રીરામકૃષ્ણ કદી પણ કોઈની વિરુદ્ધમાં કટુ શબ્દ બોલતા નહીં. તેઓ એવી સુંદર સહિષ્ણુતા ધરાવતા હતા કે દરેક સંપ્રદાય એમ માનતા કે તે પોતાના છે. સર્વ તરફ તે પ્રેમ રાખતા; તેમને મન બધા ધર્મો સત્ય હતા. તેમની પાસે દરેકને માટે સ્થાન હતું. તેઓ મુક્ત હતા પણ પ્રેમમય રીતે મુક્ત હતા, ‘ગર્જનાભરી’ રીતે નહિ. નરમ પ્રકૃતિ સર્જન કરે છે, ગર્જનશીલ પ્રકૃતિ ફેલાવો કરે છે. સંત પોલ પ્રકાશ ફેલાવનાર ગર્જનશીલ પ્રકૃતિના હતા. (ઘણાંએ કહ્યું છે કે સ્વામી વિવેકાનંદ પોતે શ્રીરામકૃષ્ણના સંત પોલ જેવા હતા.)

સંત પોલનો યુગ વીતી ગયો છે. ચાલુ સમય માટે આપણે નવા દીવાઓ બનવું પડશે. એક આપમેળે સુમેળ સાધતી સંસ્થા આપણા સમયની મહાન આવશ્યકતા છે. આપણને જ્યારે તે મળી શકશે ત્યારે તે દુનિયાનો છેવટનો ધર્મ હશે. ચક્ર તો ચાલવું જ જોઈએ; એટલે આપણે તેને મદદ કરવી જોઈએ, હરકત નહીં. ધાર્મિક વિચારના તરંગો ઊઠે છે અને શમી જાય છે; તેના ‘સર્વોચ્ચ શિખર’ ઉપર તે કાળનો ‘પયગમ્બર’ ઊભો હોય છે. શ્રીરામકૃષ્ણ આજનો રચનાત્મક ધર્મ – નહિ કે વિનાશાત્મક – શીખવવા આવ્યા. હકીકતો જાણવા માટે તેમને ફરીથી પ્રકૃતિ માતા પાસે જવું પડ્યું; તેમાંથી વૈજ્ઞાનિક ધર્મ મેળવ્યો. આ ધર્મ કદીય કહેતો નથી કે ‘માની લો;’ તે કહે છે કે ‘જાતે જુઓ;’ ‘હું જોઉં છું અને તમે પણ જોઈ શકો.’ તે જ સાધનોનો ઉપયોગ કરો એટલે તમને પણ તે જ દર્શન થશે. ઈશ્વર દરકેને પ્રાપ્ત થશે; સંવાદિતાએ સૌ પહોંચી શકશે. શ્રીરામકૃષ્ણદેવનો ઉપદેશ ‘હિંદુત્વનો સાર’ છે; એ તેમની પોતાની ખાસ વિશિષ્ટતા નથી; એવો દાવો તેમણે કદી કર્યો પણ નથી. તેમને કદી નામ કે યશની પરવા ન હતી.

ચાલીસ વર્ષની ઉંમરે તેમણે ઉપદેશ આપવો શરૂ કર્યો; પણ તેમ કરવાને તેઓ પોતે સામે જતા નહીં. જે લોકોને તેમના ઉપદેશની જરૂર હોય તેઓ તેમની પાસે આવે, તેની તેમણે રાહ જોઈ. હિંદુ રિવાજ મુજબ નાની વયમાં જ તેમનાં માતાપિતાએ એક પાંચ વર્ષની બાળકી સાથે તેમનાં લગ્ન કર્યાં હતાં; દૂરના ગામમાં તે પોતાનાં માબાપ પાસે રહેતી. જે મહાન સાધનાઓમાંથી તેનો યુવાન પતિ પસાર થતો હતો તેનો તેને ખ્યાલ પણ ન હતો. જ્યારે તે ઉંમરલાયક થઈ ત્યારે પતિ તો આધ્યાત્મિક સાધનામાં મગ્ન બની ગયેલ હતા. જે દક્ષિણેશ્વરના મંદિરમાં તેઓ રહેતા હતા ત્યાં તે પગે ચાલીને પહોંચી. એમને જોતાંવેંત જ તે ઓળખી ગઈ કે પોતાનો પતિ શું છે, કારણ કે તે પોતે જ એક મહાન પવિત્ર અને શુદ્ધ આત્મા હતો. તેની માત્ર ઇચ્છા તેમના કાર્યમાં મદદ કરવાની હતી; તેમને ગૃહસ્થ (સંસારી)ની કક્ષાએ નીચે લાવવાની તેણે કદીય ઇચ્છા ન કરી.

ભારતમાં એક મહાન અવતાર તરીકે શ્રીરામકૃષ્ણદેવ પુજાય છે. તેમનો જન્મદિવસ એક મહાન ધાર્મિક ઉત્સવ તરીકે ઊજવવામાં આવે છે.

* * *

સર્વવ્યાપક વિષ્ણુના પ્રતીક તરીકે એક વિચિત્ર ગોળ પાષાણ છે. રોજ સવારે પૂજારી આવીને તે પ્રતિમાને નૈવેદ્ય ધરાવે છે, તેની આગળ ધૂપ કરે છે, તેને શયન કરાવે છે અને એ રીતની પૂજા કરવા માટે ઈશ્વરની માફી માગે છે, કારણ કે માત્ર પ્રતિમા દ્વારા કે કોઈ ભૌતિક વસ્તુ દ્વારા જ તેનો વિચાર કરી શકે છે. મૂર્તિને તે સ્નાન કરાવે છે, વસ્ત્ર પહેરાવે છે અને તેને જીવંત બનાવવા પોતાના દિવ્ય આત્માની તેમાં પ્રતિષ્ઠા કરે છે.

* * *

એક એવો સંપ્રદાય છે, જે એમ કહે છે કે ‘શુભ અને સુંદરની જ ઉપાસના કરવી તે નિર્બળતા છેઃ જે ભયંકર અને અશુભ હોય તેને પણ આપણે ચાહવા જોઈએ અને તેની ઉપાસના કરવી જોઈએ.’ આ પંથ આખા તિબેટમાં પ્રચલિત છે; ત્યાં લગ્નપ્રથા નથી. ભારતમાં તેઓ ખુલ્લી રીતે રહી શકે નહીં, પરંતુ ગુપ્ત સંસ્થાઓ સ્થાપે છે. કોઈ પણ વિવેકી માણસ તેનો સભ્ય નહીં થાય, સિવાય કે ‘છૂપી રીતે.’તિબેટમાં ત્રણ વખત સામ્યવાદ સ્થાપવાના પ્રયાસ કરવામાં આવ્યા અને ત્રણે વખત તે નિષ્ફળ ગયા. તેઓ તપનો ઉપયોગ કરે છે અને અલૌકિક શક્તિની બાબતમાં તો ઘણી રીતે સફળ થયા છે.

તપનો અક્ષરશઃ અર્થ થાય છે ‘બાળવું’. ઉચ્ચ સ્વભાવને ‘તપાવવો’ તે એક પ્રકારનું તપ છે. કવચિત્ તે આખો દિવસ, સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી સતત ૐનો જાપ કરવાના વ્રતરૂપે હોય છે. આ કર્મોથી એક ચોક્કસ પ્રકારની શક્તિ ઉત્પન્ન થાય છે કે જેને તમે આધ્યાત્મિક કે ભૌતિક, ધારો તે પ્રકારમાં ફેરવી શકો. સમગ્ર હિંદુ ધર્મમાં તપનો આ ભાવ ઓતપ્રોત થઈ રહ્યો છે. હિંદુઓ એમ પણ કહે છે કે સૃષ્ટિ ઉત્પન્ન કરવા માટે ઈશ્વરે તપ કર્યું. સઘળું કરવા માટે તે એક પ્રકારનું માનસિક સાધન છે. ‘ત્રણ લોકમાંની હરેક વસ્તુ તપથી મેળવી શકાય.’…

* * *

જે સંપ્રદાયો વિશે પોતાને સહાનુભૂતિ નથી હોતી તેમની બાબતમાં માહિતી આપનારા લોકો જાણ્યે કે અજાણ્યે બંને રીતે ખોટું બોલનારા હોય છે. એક સંપ્રદાયમાં માનનારો અન્ય મતોમાં ભાગ્યે જ સત્ય દેખી શકે.

* * *

એક મહાન ભક્ત (હનુમાન)ને પૂછવામાં આવ્યું કે અમુક દિવસે કઈ તિથિ છે? તો તેણે કહ્યુંઃ ‘ઈશ્વર જ મારી સનાતન તિથિ છે; બીજી કોઈ તિથિની મને પરવા નથી.’

આ પુસ્તક ઓનલાઇન ખરીદો

About the author : eshop

Leave A Comment

Related posts

Popular products

Product categories