
તિબેટની પેઠે જ્યાં બહુપતિત્વ છે ત્યાં સ્ત્રીઓ પુરુષો કરતાં વધારે મજબૂત હોય છે. જ્યારે અંગ્રેજો તે પ્રદેશમાં જાય છે ત્યારે આ સ્ત્રીઓ મોટા કદના માણસોને પણ ઉઠાવીને પર્વત ઉપર ચડી જાય છે.
મલબારમાં જો કે બહુપતિત્વ નથી, છતાં સ્ત્રીઓ બધામાં આગળ પડતી છે. સર્વ જગ્યાએ અસાધારણ ચોખ્ખાઈ દેખાઈ આવે છે અને વિદ્યા માટે ઉત્સાહ પણ અતિશય છે. જ્યારે હું તે દેશમાં હતો ત્યારે હું એવી ઘણી સ્ત્રીઓને મળ્યો કે જેમને સંસ્કૃત સારું બોલતાં આવડતું હતું. જ્યારે ભારતના બાકીના ભાગોમાં લાખમાંથી એક સ્ત્રીને પણ સંસ્કૃત બોલતાં ભાગ્યે જ આવડતું હોય છે. માલિકી ઉન્નત બનાવે છે, ગુલામી અધમ બનાવે છે. પોર્ટુગીઝોથી કે મુસલમાન લોકોથી મલબાર કદી જિતાયું જ નથી.
દ્રવિડો મધ્ય એશિયામાંથી આર્યોથી પહેલી આવનાર અનાર્ય જાતિ હતી; દક્ષિણ ભારતના દ્રવિડો વધારેમાં વધારે સંસ્કારી હતા, તેમનામાં સ્ત્રીઓનું સ્થાન પુરુષો કરતાં વધારે ઉચ્ચ હતું. પછીથી તેમનામાં વિભાગો પડ્યા; કેટલાક ઈજિપ્ત ગયા, કેટલાક બેબિલોનમાં ગયા અને બાકીના ભારતમાં રહ્યા.
આ પુસ્તક ઓનલાઇન ખરીદો



