કોઈ કોઈ વાર આપણે એક વસ્તુની આજુબાજુની પરિસ્થિતિને બતાવીને તેનું સૂચન કરીએ છીએ. જ્યારે આપણે ‘સચ્ચિદાનંદ’ (સત્, ચિત્, આનંદ) એમ બોલીએ છીએ, ત્યારે માત્ર એક અવર્ણનીય પર-વસ્તુના કિનારાઓને આપણે સૂચિત કરીએ છીએ. તેને વિશે આપણે ‘છે’ એમ પણ કહી નથી શકતા, કારણ તે પણ સાપેક્ષ છે. તેના વિશે કોઈ પણ કલ્પના, કોઈ પણ વિચાર વ્યર્થ છે. नेति नेति (આ નહિ, આ નહિ) તેટલું જ માત્ર તેને વિશે કહી શકાય; કારણ કે વિચાર કરવો એ પણ એક મર્યાદા બાંધવાનું છે અને તેથી ગુમાવવા જેવું છે.

ઇંદ્રિયો તમને દિવસ અને રાત છેતર્યા જ કરે છે. વેદાંતે યુગો પહેલાં તે શોધી કાઢ્યું હતું; આધુનિક વિજ્ઞાન તે જ હકીકત હજી હમણાં શોધી કાઢે છે. ચિત્રને તો માત્ર લંબાઈ-પહોળાઈ જ હોય છે; પણ ચિત્રકાર તેમાં કૃત્રિમ રીતે ઊંડાઈનો આભાસ ઊભો કરીને પ્રકૃતિના છળની નકલ કરે છે. કોઈ બે માણસ એક જ દુનિયા જોતા નથી. સર્વોચ્ચ જ્ઞાન બતાવશે કે ગતિ છે જ નહિ, કોઈ વસ્તુમાં ફેરફાર છે જ નહિ; એનો વિચાર પોતે જ માયા છે. કુદરતને સમગ્રપણે નિહાળો, એટલે કે ગતિનો અભ્યાસ કરો. મન અને શરીર આપણો ખરો આત્મા નથી; બંને પ્રકૃતિની અંદરનાં છે, પણ ક્રમે ક્રમે અંતે આપણે એ ભ્રમણા જાણી શકીએ. પછી મન અને વાણીથી પર થયા એટલે તેઓ જે કલ્પે છે તે બધુંય અદૃશ્ય થાય છે. જ્યારે તમે જગતને જાણવા અને જોવાનું સર્વાંશે બંધ કરો છો, ત્યારે તમે આત્માને મેળવો છો. સાપેક્ષ જ્ઞાનથી પર થવાની જ આપણને જરૂર છે. અનંત મન કે અનંત જ્ઞાન એવું કંઈ છે જ નહિ, કારણ કે મન અને જ્ઞાન બંને સીમિત – સાન્ત છે. અત્યારે આપણે એક આવરણમાંથી જોઈએ છીએ; ત્યાર પછી આપણે क्ष કે જે આપણા બધા જ્ઞાનનું સત્ય છે, તેને પામીએ છીએ.

જો આપણે એક પૂંઠામાં પડેલા બારીક છિદ્રમાંથી એક ચિત્ર જોઈએ તો આપણને ચિત્રનો તદ્દન ખોટો ખ્યાલ આવે; છતાંય આપણે જે જોઈએ છીએ તે તો પેલું ચિત્ર જ છે. જેમ જેમ આપણે છિદ્ર મોટું બનાવીએ, તેમ તેમ આપણને ચિત્રનો વધુને વધુ સ્પષ્ટ ખ્યાલ આવે છે. સત્ય વસ્તુમાંથી આપણે નામ અને રૂપનાં આપણાં ભૂલભર્યાં સંવેદનોને અનુરૂપ જુદાં જુદાં દૃશ્યો ઉત્પન્ન કરીએ છીએ. જ્યારે આપણે પૂંઠું ફેંકી દઈએ ત્યારે આપણે તે જ ચિત્ર જોઈએ, પરંતુ તે જેમ છે તેમ જોઈએ છીએ. આપણે ગમે તેટલાં લક્ષણો અને ગમે તેટલી ભૂલો ચિત્રમાં લાગુ કરીએ, છતાં તેથી ચિત્ર પોતે બદલાતું નથી. એમ થવાનું કારણ એ કે આત્મા જ સર્વ કંઈનું સત્ છે; જે બધું આપણે જોઈએ છીએ તે છે તો આત્મા, પણ તે આપણે જેમ નામ અને રૂપ તરીકે જોઈએ છીએ તેમ નહિ; એ બધાં આપણા આવરણમાં કે માયામાં છે.

તેઓ દૂરબીનના કાચ માંહેના ડાઘા જેવાં છે, છતાંય સૂર્યનો પ્રકાશ આપણને તે ડાઘા બતાવે છે. આપણે બ્રહ્મરૂપી સત્યની પાર્શ્વભૂમિ સિવાય ભ્રમણાને જોઈ પણ ન શકીએ. સ્વામી વિવેકાનંદ તે કાચ ઉપર એક ડાઘો છે; હું સત્ય, અવિકારી આત્મા છું અને કેવળ એ સત્ય જ મને, સ્વામી વિવેકાનંદને બતાવે છે. દરેક ભ્રમણાનું હાર્દ આત્મા છે; પણ સૂર્ય કદીય કાચ ઉપરના ડાઘા સાથે એક નથી ગણી શકાતો; તે માત્ર આપણને તે ડાઘાને બતાવે છે. આપણાં સારાં કે ખરાબ જેવાં હોય તેવાં કર્મો ‘ડાઘા’ને વધારે છે કે ઘટાડે છે, પણ આપણા માંહેના ઈશ્વરને તે ડાઘા જરા પણ અસર કરતા નથી. મન પરથી આવા ડાઘો સંપૂર્ણ રીતે સાફ કરો, એટલે આપણે જોશું કે ‘હું અને મારા પિતા એક છીએ.’

આપણે પહેલાં અનુભવ કરીએ છીએ અને પછી તર્ક કરીએ છીએ. આ અનુભવ એક હકીકત તરીકે આપણી પાસે હોવો જોઈએ; તે અનુભવને, તે સાક્ષાત્કારને ધર્મ કહેવામાં આવે છે. માણસે ભલેને સંપ્રદાય, પેગંબર કે પુસ્તક વિશે કદી ન સાંભળ્યું હોય, તેને સાક્ષાત્કાર થવા દો; તેને વધારે કશાની જરૂર નથી. મનને શુદ્ધ કરો, ધર્મનું સારસર્વસ્વ આ છે અને જ્યાં સુધી આપણે અંતરમાંથી ડાઘા ન કાઢીએ ત્યાં સુધી સત્ને તે જેમ છે તેમ જોઈ ન શકીએ. બાળક સૂર્ય જોતું નથી; હજુ સૂર્યનું માપ તેના પોતાનામાં આવ્યું નથી. તમારામાં રહેલી ક્ષતિઓને દૂર કરો. એટલે તમને બહાર ક્ષતિઓ દેખાશે નહિ. એક બાળક લૂંટફાટ થતી જુએ છે, તેને માટે તેનો કંઈ અર્થ નથી. એકવાર તમે કોઈ સમસ્યા ચિત્રમાં છુપાયેલી વસ્તુને ઓળખી લો, પછી તમે સદાય તે વધારે ને વધારે જોશો. તેવી રીતે એક વખત તમે મુક્ત અને નિષ્પાપ થયા એટલે તમે આખી દુનિયામાં સ્વતંત્રતા અને પવિત્રતા જ જોશો. જે ક્ષણે હૃદયની સર્વ ગ્રંથિઓ છેદાય છે, તે જ ક્ષણે બધી વક્રતાઓ સીધી થઈ જાય છે અને આ જગત એક સ્વપ્નની પેઠે અદૃશ્ય થઈ જાય છે. અને જ્યારે આપણે જાગીએ છીએ ત્યારે આપણને જ આશ્ચર્ય થાય છે કે આવું કચરા જેવું સ્વપ્ન આપણને આવ્યું જ કેમ કરીને!

‘જેને પ્રાપ્ત કર્યાથી ડુંગર સમી આપત્તિ પણ જીવને વિચલિત કરવા શક્તિમાન થતી નથી.’

જ્ઞાનની કુહાડીથી ચક્રો તોડી નાખો એટલે આત્મા મુક્ત બને છે, પછી ભલે પૂર્વનું ગતિબળ મન અને શરીરના ચક્રને ચલાવ્યે રાખે. ચક્ર હવે સીધું જ જઈ શકે અને ભલું જ કરી શકે. જો તે શરીર કંઈ પણ ખરાબ કામ કરે તો જાણો કે તે માણસ જીવન્મુક્ત નથી; જો તે તેવો દાવો કરતો હોય તો તે અસત્ય બોલે છે. પણ જ્યારે ચક્રોની ગતિ સારી અને સીધી હોય (મનને શુદ્ધ કર્યાથી) ત્યારે જ કુહાડી મારી શકાય. બધાં સત્કર્મો ભ્રમ ઉપર જાણ્યેઅજાણ્યે પ્રહારો કરે જ છે. કોઈ બીજાને પાપી કહેવો તે તો સૌથી ખરાબ કામ કર્યા જેવું છે. ભલે અજ્ઞાનથી કરાયેલું હોય પણ સત્કર્મ સારું જ પરિણામ લાવે છે અને બંધન તોડવામાં સહાયક બને છે.

સૂર્યને કાચ ઉપરના ડાઘા સાથે એક ગણી લેવો તે જ મુખ્ય ભૂલ છે. સૂર્યરૂપી ‘હું’ને કોઈ પણ વસ્તુથી સદા નિરાળો જાણો અને ડાઘા સાફ કરવામાં લાગી જાઓ. મનુષ્ય સૃષ્ટિ ઉપરનું સર્વશ્રેષ્ઠ પ્રાણી છે. જો કોઈ મોટામાં મોટી ઉપાસના હોય તો તે મનુષ્યને કૃષ્ણ, બુદ્ધ, ઈશુ તરીકે પૂજવો તે. જેની તમને ઇચ્છા હોય છે તે તમે ઉત્પન્ન કરો છો. ઇચ્છાનો ત્યાગ કરો…

* * *

આ દુનિયાને જ સ્વર્ગ તરીકે સમજીને દેવો અને પિતૃઓ બધા અહીં જ છે, જુએ છે. સૌ કોઈ એક જ क्ष ને પોતાની મનોભૂમિકા પ્રમાણે નિહાળે છે. क्ष (પરમાત્મા)નું ઉત્તમ દર્શન તો આ પૃથ્વી ઉપર જ મળી શકે છે. સ્વર્ગે જવાની ઇચ્છા કદી ન કરો; તે ખરાબમાં ખરાબ ભ્રમણા છે. અહીં પણ અતિશય પૈસો તથા ભયંકર ગરીબાઈ એ બંને બંધન છે અને ધર્મને માર્ગે જતાં આપણને રોકે છે. આપણને ત્રણ દુર્લભ વસ્તુઓ મળી છે. પહેલું તો છે મનુષ્યત્વ, માનવશરીર. (માનવ-મન ઈશ્વરનું સૌથી નજીકનું પ્રતિબિંબ છે; આપણે ઈશ્વરની પોતાની પ્રતિમાઓ છીએ.) બીજું છે મુમુક્ષુત્વ, મુક્ત થવાની ઇચ્છા. ત્રીજું મહાપુરુષ સંશ્રય, એટલે જેણે ભ્રમણાનો સાગર પાર કર્યો છે તેવા મહાપુરુષની ગુરુરૂપે સહાય. જ્યારે તમને આ ત્રણે મળે ત્યારે તેને ‘દેવાનુગ્રહ’ – ઈશ્વરની કૃપા માનો; તમે જરૂર મુક્ત થવાના.

જે તમે કેવળ બુદ્ધિથી જ ગ્રહણ કરી શકો તે નવી દલીલ આવતાં ખોટું ઠરાવાઈ જાય; પણ જેનો તમે અનુભવ કરો તે હંમેશને માટે તમારું જ છે. ધર્મની માત્ર વાતો જ કરવી તેમાં કાંઈ વળતું નથી. વસ્તુમાત્રની પાછળ – માણસ, પ્રાણી, આહાર, કામકાજ વગેરે બધાની પાછળ – ઈશ્વરને જુઓ, એવી ટેવ પાડો.

ઈન્ગરસોલે એક વખતે મને કહેલુંઃ ‘હું આ દુનિયાનો શક્ય હોય તેટલો લાભ ઉઠાવવામાં – નારંગીનો બધો રસ નિચોવી લેવામાં માનું છું, કારણ કે જેને વિશે આપણને ખાતરી છે એ માત્ર આ દુનિયા જ છે.’ મેં જવાબ આપ્યોઃ ‘આ દુનિયારૂપી નારંગીને નિચોવીને રસ કાઢવાનો તમારાથી બીજો વધુ સારો રસ્તો હું જાણું છું અને તેમાંથી મને વિશેષ મળે છે. હું ‘જાણું’ છું કે હું મરી શકું તેમ નથી અને તેથી હું ઉતાવળ કરતો નથી; હું જાણું છું કે ભય નથી, તેથી હું ધીમે ધીમે નિચોવવાનો આનંદ લઉં છું. મારે કશું કર્તવ્ય નથી; બૈરીછોકરાં કે સંપત્તિનું કોઈ બંધન નથી. હું સઘળાં સ્ત્રીપુરુષોને ચાહી શકું છું. દરેકેદરેક નરનારી મારે માટે ઈશ્વર છે. મનુષ્યને ઈશ્વર તરીકે ચાહવાનો આનંદ કેવો હોય તેનો તો વિચાર કરો! તમારી નારંગી આ પ્રમાણે નિચોવી જુઓ અને તેમાંથી દશ હજાર ગણો વધુ રસ મેળવો. એકેએક ટીપું મેળવી લો.

જે ઇચ્છાશક્તિ છે એવું લાગે છે તે પાછળ રહેલો આત્મા છે, તે જ ખરેખર મુક્તિ છે.

કોઈ પણ માણસનો ન્યાય તેની ક્ષતિઓ પરથી કરવો ના ઘટે. માણસમાં જે મહાન ગુણો હોય તે તેની અંગત વિશિષ્ટતાઓ છે; જે તેની ક્ષતિઓ છે તે માનવજાતની સામાન્ય નબળાઈઓ છે. તેના ચારિત્ર્યનું મૂલ્યાંકન કરવામાં તેને લેખામાં ન લેવી જોઈએ.

આ પુસ્તક ઓનલાઇન ખરીદો

About the author : eshop

Leave A Comment

Related posts

Popular products

Product categories