
(આજે વ્યાસનાં વેદાંતસૂત્રો પરના શાંકરભાષ્યનો વિષય હતો.)
ॐ तत्सत्
આચાર્ય શંકરના મત પ્રમાણે જગતના અનુભવનાં બે અંગો છે. એક હું (अस्मत्प्रत्यय) અને બીજું તું (युक्ष्मत्प्रत्यय)ઃ બેઉ પ્રકાશ અને અંધકાર જેટલાં પરસ્પર વિરોધી છે, તેથી એ કહેવાની જરૂર જ નથી કે બેમાંથી એક પણ બીજામાંથી નીકળી ન શકે. જ્ઞાતા (विषयी) ઉપર જ્ઞેય (विषय) નો અધ્યાસ થયેલો છે; જ્ઞાતા (विषयी) જ એકમાત્ર સત્તા છે, બીજું એટલે કે જ્ઞેય (विषय) તો માત્ર આભાસ છે. એથી ઊલટો સિદ્ધાંત ટકી શકે તેવો નથી. જડ પદાર્થ અને બાહ્ય જગત એ અમુક અવસ્થામાં રહેલો આત્મા જ છે; વસ્તુતઃ તો જે છે તે એક જ છે.
આપણું સમગ્ર જગત સત્ય અને અસત્યના સંયોગથી ઉત્પન્ન થાય છે. બળોના સમાન્તર ચતુષ્કોણ કર્ણરેખા પર થતી દડાની ગતિની પેઠે આપણી ઉપર કાર્ય કરી રહેલાં વિવિધ બળોનું પરિણામ એ સંસાર. જગત ઈશ્વર છે અને સાચું છે, પણ તે જગત આપણે જે જોઈએ છીએ તે નહીં; એ તો આપણે છીપમાં રૂપું જોઈએ છીએ પણ તે ત્યાં નથી હોતું, તેના જેવું છે. આને અધ્યાસ કહેવામાં આવે છે. જેવી રીતે આપણે એક દૃશ્ય જોયું હોય તેને સ્મૃતિમાં લાવીએ છીએ, તેમ સાચી વસ્તુ ઉપર આધારિત સાપેક્ષ અસ્તિત્વ, તેનું નામ અધ્યાસ. થોડા કાળ માટે તે આપણા માટે અસ્તિત્વ ધરાવે છે પણ તે અસ્તિત્વ સાચું નથી. અગર જેમ કેટલાક લોકો કહે છે તેમ ઉષ્ણતા એ પાણીનો ગુણ નથી છતાં આપણે પાણીમાં ઉષ્ણતા કલ્પીએ છીએ તેમ. તેથી અધ્યાસ એટલે કોઈ વસ્તુ કે જ્યાં તે નથી ત્યાં તેનું દેખાવું, ‘જે વસ્તુ છે નહીં છતાં તે જ છે તેમ સ્વીકારી લેવું.’ (अतस्मिंस्तद्ग्रहणम्) આપણે સત્યને જોઈએ છીએ ખરા પણ જે માધ્યમ મારફત આપણે તેને જોઈએ છીએ તેનાથી તે વિકૃત થયેલું દેખાય છે.
જ્ઞેય બનાવ્યા સિવાય તમે પોતાને જોઈ શકો જ નહીં. જ્યારે આપણે એક ચીજને બીજી તરીકે સ્વીકારી લેવાની ભૂલ કરીએ છીએ ત્યારે આપણે જે ચીજ આપણી પાસે છે તેને જ સાચી લેખી લઈએ છીએ, જે અદૃષ્ટ છે તેને કદાપિ સાચી લેખતા નથી. આ રીતે આપણે જ્ઞેય પદાર્થને જ્ઞાતા ગણી લેવાની ભૂલ કરીએ છીએ. આત્મા કદીય જ્ઞેયપદાર્થ બનતો નથી. મન એ આંતર ઇંદ્રિય છે, બહારની ઇંદ્રિયો તેનાં સાધનો છે. જ્ઞાતામાં જ્ઞેયત્વ ઉત્પન્ન કરવાની થોડી શી શક્તિ છે તેથી તે ‘હું છું’ એમ જાણી શકે છે; પરંતુ જ્ઞાતા પોતે પોતાનો જ જ્ઞેય છે, મન કે ઇંદ્રિયોનો કદી નહીં. તો પણ તમે એક વિચારનો બીજા વિચાર પર અધ્યારોપ કરી શકો. જેમ કે આપણે કહીએ છીએ કે ‘આકાશ ભૂરું છે.’ અહીં આકાશ પોતે માત્ર એક વિચાર જ છે. વિદ્યા અને અવિદ્યા બંને છે; પણ આત્માને અવિદ્યાથી કંઈ અસર થતી નથી. સાપેક્ષ જ્ઞાન સારું છે, કારણ કે તે નિરપેક્ષ જ્ઞાન તરફ લઈ જાય છે. પરંતુ ઇંદ્રિયોનું જ્ઞાન કે મનનું જ્ઞાન અગર વેદોનું જ્ઞાન પણ સાચું નથી, કારણ કે તે બધાંય સાપેક્ષ જ્ઞાનના ક્ષેત્રમાં રહેલાં છે. ‘હું શરીર છું’ તે ભ્રમણાનો પ્રથમ ત્યાગ કરો; ત્યાર પછી જ આપણે ખરું જ્ઞાન માગી શકીએ. મનુષ્યનું જ્ઞાન એ પશુજ્ઞાનની માત્ર વધુ ઊંચી માત્રા જ છે.
* * *
વેદોનો એક ભાગ કર્મકાંડ, વિધિઓ અને વિધાનો વિશેનો છે. બીજો ભાગ બ્રહ્મજ્ઞાન વિશેનો છે અને તે ધર્મની ચર્ચા કરે છે. આ ભાગમાં વેદ આત્મા વિશે ઉપદેશ આપે છે અને એમ કરે છે માટે વેદોનું જ્ઞાન સત્ય જ્ઞાનની નજીક છે. નિર્વિશેષ બ્રહ્મનું જ્ઞાન કોઈ ગ્રંથ ઉપર કે કોઈ વસ્તુ ઉપર આધાર રાખતું નથી; તે પોતામાં જ સ્વતઃસિદ્ધ છે. ગમે તેટલો ગ્રંથોનો અભ્યાસ કરો તો પણ આ જ્ઞાન મળે નહીં. તે સિદ્ધાંત નથી, સાક્ષાત્કાર છે. અરીસા ઉપરથી રજ દૂર કરો, તમારા પોતાના મનને પવિત્ર બનાવો, તો એક ચમકારામાં તમને જ્ઞાન થાય કે હું બ્રહ્મ છું.
અસ્તિત્વ એક ઈશ્વરનું જ છે. નથી જન્મ કે નથી મૃત્યુ, નથી દર્દ કે નથી દુઃખ, નથી ઘાત કે નથી વિકાર, નથી શુભ કે નથી અશુભ; સર્વ કંઈ બ્રહ્મ છે. આપણે ‘રજ્જુને સર્પ માની લઈએ છીએ.’ ભૂલ આપણી છે… જ્યારે આપણે ઈશ્વર પર પ્રેમ રાખીએ અને તે આપણા પ્રેમનું પ્રતિબિંબ પાડે, માત્ર ત્યારે જ આપણે પારકાનું ભલું કરી શકીએ. ખૂની પણ ઈશ્વર પોતે જ છે; માત્ર ‘ખૂનીનો વેશ’ તેના ઉપર અધ્યાસરૂપે છે. તેનો હાથ પકડીને તેને સત્ય કહો.
આત્માને કોઈ જ્ઞાતિ નથી; તેને કોઈ જ્ઞાતિ છે એમ માનવું એ જ ભ્રમ છે; તે જ પ્રમાણે આત્માને જીવન અને મૃત્યુ છે અથવા આત્મામાં કોઈ પણ ગતિ છે કે ગુણ છે તેમ માનવું, એ પણ ભ્રમ છે. આત્મા કદી પરિવર્તન પામતો નથી, નથી તે કદી જતો કે નથી કદી આવતો. તે પોતાની બધી અભિવ્યક્તિઓનો સનાતન સાક્ષી છે, પણ આપણે તેને તેની અભિવ્યક્તિરૂપે માની લઈએ છીએ. એ અનાદિ અને અનંત એવો એક સનાતન ભ્રમ સર્વદા ચાલી રહ્યો છે. તો પણ વેદોએ આપણી કક્ષા ઉપર ઊતરી આવવું જ જોઈએ, કારણ કે જો તેઓ સર્વોચ્ચ સત્યને સર્વોચ્ચ રીતે કહી બતાવે તો આપણને તે સમજાય જ નહીં.
સ્વર્ગ એ ઇચ્છામાંથી ઉત્પન્ન થતો વહેમ – કલ્પનામાત્ર છે અને ઇચ્છા એક બંધન જ છે – અધોગમન છે. કોઈ પણ વસ્તુને ઈશ્વરભાવ સિવાય બીજે રૂપે જુઓ નહીં. જો આપણે બીજે રૂપે તેને જોઈએ તો આપણે અનિષ્ટને જોઈએ છીએ, કારણ કે આપણે જે જોઈએ છીએ તેના ઉપર એક ભ્રમણાનું આવરણ નાખીએ છીએ અને પછી આપણને અનિષ્ટ દેખાય છે. આ ભ્રમણાઓમાંથી મુક્ત બનો; ધન્ય બનો. મુક્તિ એટલે સર્વ ભ્રમણાઓનું વિસર્જન.
એક અર્થમાં બ્રહ્મને દરેક મનુષ્ય જાણે છે; ‘હું છું’ એમ તે જાણે છે. પણ મનુષ્ય પોતાના ખરા સ્વરૂપને જાણતો નથી. આપણે બધા જાણીએ છીએ, પણ આપણે કઈ રીતે છીએ તે કોઈ જાણતા નથી. નીચલી કોટિના બધા ખુલાસાઓ અધૂરાં સત્યો છે; પણ વેદોનું પુષ્પ, વેદોનો અર્ક તો એ છે કે આપણા દરેકમાં વસતો આત્મા બ્રહ્મ છે. જન્મ, વૃદ્ધિ અને વિનાશમાં – ઉત્પત્તિ, સ્થિતિ અને લયમાં તમામ ઘટનાઓનો સમાવેશ થઈ જાય છે. આપણો આત્માનો સાક્ષાત્કાર વેદોથી પર છે, કારણ કે વેદોનો પણ આધાર તો એ સાક્ષાત્કાર છે. સર્વોચ્ચ વેદાંત સર્વાતીતની ફિલસૂફી છે.
સૃષ્ટિને આદિ છે તેમ કહેવું તે ખુદ તત્ત્વજ્ઞાનના મૂળમાં કુઠાર મારવા જેવું છે.
માયા એ વિશ્વની નિષ્ક્રિય તેમજ સક્રિય બંને પ્રકારની શક્તિ છે. જ્યાં સુધી મહામાયા આપણને મુક્તિ આપે નહીં ત્યાં સુધી આપણે મુક્ત થઈ ન શકીએ.
વિશ્વ આનંદ લેવા માટે આપણું જ છે, પરંતુ કંઈ પણ ઇચ્છો નહીં; ઇચ્છવું તે નિર્બળતા છે. ઇચ્છા આપણને ભિખારી બનાવે છે અને આપણે તો રાજાના પુત્રો છીએ; ભિખારીઓ નથી.
આ પુસ્તક ઓનલાઇન ખરીદો



