
ભારતમાં ફિલસૂફીનો અર્થ જેનાથી આપણે ઈશ્વરને જોઈ શકીએ તેવો ધર્મનો તર્કશુદ્ધ ખુલાસો, એવો લેવાય છે. તેથી ધર્મ અને તત્ત્વજ્ઞાન વચ્ચે શો સંબંધ છે એવો પ્રશ્ન કોઈ પણ હિંદુ કદી પૂછશે નહીં.
એ તત્ત્વજ્ઞાનની પ્રક્રિયાના ત્રણ તબક્કાઓ છેઃ પ્રત્યક્ષ, સામાન્ય અને ભાવમય. જેમાં બધી બાબતો એકમત થાય તેવો સર્વોચ્ચ ભાવ એકત્વ છે. ધર્મમાં પ્રથમ પ્રતીકો અને આકારો આવે છે; પછી આવે છે પુરાણો અને છેલ્લે આવે તત્ત્વજ્ઞાન. પ્રથમનાં બે તો તત્કાલ પૂરતાં હોય છે; તત્ત્વજ્ઞાન તે બધાંનો આધારભૂત પાયો છે અને બીજાં બધાં અંતિમ તત્ત્વને પહોંચવા માટેના પ્રયત્નનાં પગથિયાં છે.
પશ્ચિમના દેશોના ધર્મમાં એવો વિચાર પ્રવર્તે છે કે નવા કરાર (ન્યૂ ટેસ્ટામેન્ટ) અને ક્રાઈસ્ટ સિવાય ધર્મ હોઈ શકે જ નહીં. યહૂદી ધર્મમાં આવી માન્યતા મોઝીઝ અને પેગંબરો પરત્વે અસ્તિત્વ ધરાવે છે, કારણ કે આ ધર્મો માત્ર પુરાણો ઉપર જ આધાર રાખે છે. ખરો ધર્મ, સર્વોચ્ચ ધર્મ, પુરાણોથી ઉચ્ચ સ્થિતિએ જાય છે; પુરાણો ઉપર તે આધાર રાખીને રહી શકે નહીં. આધુનિક વિજ્ઞાને ધર્મના પાયા ખરી રીતે મજબૂત બનાવ્યા છે. સમગ્ર વિશ્વ એક છે તે વૈજ્ઞાનિક રીતે બતાવી શકાય તેવું છે. અધ્યાત્મવાદીઓ જેને ‘સત્’ કહે છે, વૈજ્ઞાનિકો તેને ‘જડ દ્રવ્ય’ કહે છે, પણ બેઉ વચ્ચે કોઈ ખાસ ઝઘડો નથી, કારણે કે બંને એક જ છે. જો કે અણુ અદૃશ્ય અને અકલ્પ્ય છે, તો પણ વિશ્વની સમગ્ર શક્તિ અને શક્યતા તેમાં ભરેલાં છે. વેદાંતીઓ આત્મા વિશે બરાબર આ જ કહે છે. બધા સંપ્રદાયો જુદા જુદા શબ્દોમાં ખરી રીતે એક જ વાત કહે છે.
વેદાંત અને આધુનિક વિજ્ઞાન બંને સ્વયં પ્રગટ થયા કરતું એક કારણ સ્થાપિત કરે છે. બધાં કારણો તેની અંદર રહેલાં છે. દાખલા તરીકે ઘડો બનાવનારો કુંભાર લો. ત્યાં કુંભાર નિમિત્તકારણ છે, માટી ઉપાદાનકારણ છે અને ચાકડો એ સહકારીકારણ છે; પરંતુ આત્મા એ ત્રણે કારણો છે. આત્માકારણ છે અને અભિવ્યક્તિ (કાર્ય) પણ છે. વેદાંતીઓ કહે છેઃ વિશ્વ સાચું નથી, માત્ર ભાસમાન છે. પ્રકૃતિ એટલે અજ્ઞાનમાં થઈને દેખાતો ઈશ્વર. અનેકેશ્વરવાદીઓ કહે છે કે ઈશ્વર જ પ્રકૃતિરૂપ એટલે જગતરૂપ બન્યો છે. અદ્વૈતવાદીઓ ભારપૂર્વક કહે છે કે ઈશ્વર આ વિશ્વરૂપે દેખાય છે પણ તે આ વિશ્વ નથી.
આપણે અનુભવને એક માનસિક પ્રક્રિયા તરીકે – મનની અંદરની એક હકીકત તરીકે તેમજ મગજમાં એક નિશાની તરીકે જ જાણી શકીએ. આપણે મગજને આગળ કે પાછળ ધકેલી ન શકીએ, પણ મનને આગળ – પાછળ લઈ જઈ શકીએ. તે બધા કાળ ઉપર – ભૂત, ભવિષ્ય અને વર્તમાન ઉપર પથરાઈ જઈ શકે છે અને તેથી મનમાંની હકીકતો કાયમ સચવાયેલી રહે છે. મન સર્વવ્યાપી હોવાને લીધે બધી હકીકતોનું સામાન્યીકરણ તેમાં થઈ જ રહેલું હોય છે. (દેશ, કાળ અને નિમિત્તમાં રહેલી સમગ્ર સૃષ્ટિનું અસ્તિત્વ વિચાર, સંવેદન અને ઇચ્છાશક્તિરૂપે પોતાને વ્યક્ત કરતાં મન કે સ્મૃતિની બહાર કદી પણ ન હોવાને કારણે સમગ્ર દેશ, કાળ અને નિમિત્ત મન કે સ્મૃતિમાં હોવાં જ જોઈએ. તેથી મન સર્વવ્યાપી છે. વ્યષ્ટિમન એ સર્વવ્યાપી કે સમષ્ટિમનનો અંશ છે.)
કાન્ટની મહાન સિદ્ધિ એ હતી કે ‘દેશ, કાળ અને નિમિત્ત એ વિચારના પ્રકારો છે.’ પણ વેદાંતે તો યુગો પહેલાં આનો ઉપદેશ આપેલો અને તેને ‘માયા’ નામ આપેલું. શોપનહોઅર માત્ર તર્કનો જ આધાર લે છે અને વેદોને તર્કની ભૂમિકા ઉપર લાવે છે. … આચાર્ય શંકર વેદોની પરાપૂર્વતાને માનતા.
વૃક્ષોમાં રહેલું ‘વૃક્ષત્વ’ એટલે કે ‘વૃક્ષ’ એવો વિચાર શોધી કાઢવો એ છે જ્ઞાન; અને સર્વોચ્ચ જ્ઞાન ‘એક’ જ છે….
વ્યક્તિરૂપી ઈશ્વર તે વિશ્વનું અંતિમ સામાન્યીકરણ છે, માત્ર તે ઝાંખું; અસ્પષ્ટ અને તાત્ત્વિક નથી….
એકતા પોતાને વ્યક્ત કરવાના સ્વભાવવાળી છે; સર્વ કંઈ તેમાંથી બહાર આવે છે….
ભૌતિક વિજ્ઞાન એટલે હકીકતોને શોધી કાઢવી; તત્ત્વજ્ઞાન એ ફૂલોને ગજરામાં બાંધવાનો દોરો છે. દરેકેદરેક અતિગહન વિચાર તાત્ત્વિક છે; ઝાડના મૂળમાં ખાતર નાખવામાં પણ અતિ ગૂઢ વિચારની પ્રક્રિયા રહેલી છે….
ધર્મમાં પ્રત્યક્ષ, વધારે વ્યાપ્ત અને અંતિમ એકતાનો સમાવેશ થાય છે. વિશિષ્ટતાઓને વળગો નહીં; સિદ્ધાંત ઉપર જાઓ, એકત્વ ઉપર જાઓ.
* * *
દાનવો અંધકારમય યંત્રો છે, દેવો પ્રકાશમય યંત્રો છે; પણ બંને યંત્રો જ છે. માનવ એકલો જ ચેતનવંતો છે. યંત્રપણાને તોડીને સમત્વને પ્રાપ્ત કરો. (તમારી અને યંત્રની વચ્ચેનો સંબંધ, કાર્ય કરનાર અને તેના સાધન વચ્ચે હોય તેવો છે તેમ જાણો; તેની સાથે તદ્રૂપ ન બનો.) ત્યાર પછી મનુષ્ય મુક્ત બની શકે. આ એક જ લોક એવો છે કે જ્યાં માનવી મુક્તિને મેળવી શકે.
‘આત્મા જેને પસંદ કરે છે તે સાચું છે.’ પસંદગી સાચી છે પણ તેને અંદરની બાજુએ વાળો. બહારના અને પ્રારબ્ધવાદી સિદ્ધાંત તરીકે તે ભયંકર છે.
આ પુસ્તક ઓનલાઇન ખરીદો



