
(પતંજલિનાં યોગસૂત્રો)
‘યોગ’ એટલે ચિત્ત (મન)નો નિરોધ કરી તેને વૃત્તિઓમાં વહેંચાઈ જતું રોકવાનું શાસ્ત્ર છે. મન એ સંવેદન અને ઊર્મિઓનું, અગર ક્રિયા અને પ્રતિક્રિયાનું મિશ્રણ છે; તેથી તે શાશ્વત ન હોઈ શકે. મનને એક સૂક્ષ્મ શરીર હોઈને તે દ્વારા તે સ્થૂળ શરીર ઉપર ક્રિયા કરે છે. વેદાંત કહે છે કે ખરો આત્મા મનની પાછળ છે. બીજાં બંનેનો તે સ્વીકાર કરે છે, પણ શાશ્વત અંતિમ તત્ત્વ, આખરી પૃથક્કરણ, જેનાથી આગળ પછી કોઈ મિશ્રણ નથી એવા એકમરૂપને તે સ્થાપે છે. જન્મ એ ‘પુનઃ’ સર્જન છે, મૃત્યુ એ ‘વિ’સર્જન છે અને જ્યાં આત્મા મળે તે અંતિમ પૃથક્કરણ છે; એથી આગળ બીજું વિભાજન અશક્ય હોવાથી, અવિનાશી તત્ત્વ આવી જાય છે.
પ્રત્યેક તરંગની પાછળ આખો સાગર રહેલો છે; તેની બધી અભિવ્યક્તિઓ એ તરંગો છે, જેમાં કેટલાક બહુ મોટા અને કેટલાક નાના હોય છે; છતાંય બધા તેમના મૂળસ્વરૂપે સાગર જ છે, આખો સાગર છે; પરંતુ તરંગ તરીકે તે દરેક સાગરનો એક ભાગ છે. જ્યારે તરંગો શાંત થાય છે, ત્યારે બધું એક છે; પતંજલિ કહે છે તેમ ‘દૃશ્ય વિનાનો દ્રષ્ટા’. મન જ્યારે ક્રિયાશીલ હોય છે, ત્યારે આત્મા તેની સાથે સેળભેળ થઈ જાય છે. જૂનાં સ્વરૂપોનું ઝડપી ક્રમમાં પુનરાવર્તન તેનું નામ સ્મૃતિ.
અનાસક્ત બનો. જ્ઞાન એ શક્તિ છે અને એકને મેળવવાથી તમને બીજું મળે છે. જ્ઞાનથી તમે ભૌતિક જગતને દૂર પણ કરી શકો છો. જ્યારે તમે કોઈ પણ પદાર્થમાંથી તેના ગુણોને એક પછી એક મનમાંથી હઠાવી દેતાં દેતાં અંતે બધા દૂર થઈ જાય, ત્યારે તમે તે પદાર્થને પોતાને જ તમારી ચેતનામાંથી ઇચ્છાનુસાર અદૃશ્ય બનાવી શકો.
જેઓ તૈયાર હોય તેઓ ઘણી ઝડપથી આગળ વધે છે અને છ માસમાં યોગીઓ બની શકે છે. ઓછા વિકાસ પામેલાને ઘણાં વર્ષો પણ લાગે; અને શ્રદ્ધાપૂર્વક કર્મ કરવાથી, તથા બીજી બધી બાબતોનો ત્યાગ કરીને કેવળ યોગના અભ્યાસમાં જ લાગી રહેવાથી કોઈ પણ માણસ બાર વર્ષમાં લક્ષ્યને પહોંચી શકે છે. આ બધી માનસિક કસરતો સિવાય ભક્તિ તમને ત્યાં પહોંચાડશે; પણ તે વધુ ધીમો માર્ગ છે.
ઈશ્વર એટલે મન દ્વારા જોવાયેલ અગર ગ્રહણ કરાયેલ આત્મા. તેની સર્વોચ્ચ સંજ્ઞા ૐ છે, તેથી તેનો જપ કરો, તેનું ધ્યાન કરો અને કાયમ તેનાં અદ્ભુત સ્વભાવ અને લક્ષણોનો વિચાર કરો. ૐનો વારંવાર જપ કરવો તે જ એકમાત્ર ખરી ઉપાસના છે. તે કોઈ શબ્દ નથી; તે સ્વયં ઈશ્વર છે.
ધર્મ તમને નવું કંઈ આપતો નથી; તે માત્ર અડચણો દૂર કરે છે અને તમને તમારો આત્મા જોવા દે છે. બીમારી એ પહેલું મોટું વિઘ્ન છે; નીરોગી શરીર શ્રેષ્ઠ સાધન છે. વિષાદ એ ઓળંગાય નહીં તેવી દીવાલ છે. જો તમે એક વખત બ્રહ્મને જાણો, તો ત્યાર પછી તમે કદી પણ વિષાદ નહીં અનુભવો. સંશય, ખંતનો અભાવ, ભૂલભર્યા વિચારો વગેરે બીજાં બધાં વિઘ્નો છે.
* * *
પ્રાણો સૂક્ષ્મ શક્તિઓ છે, સર્વ પ્રકારની ગતિનાં મૂળ છે. બધા મળીને દશ પ્રાણ છેઃ પાંચ અંતર્મુખી અને પાંચ બહિર્મુખી. પ્રાણશક્તિનો એક મોટો પ્રવાહ ઉપરની બાજુએ ચઢે છે અને બીજો નીચેની તરફ જાય છે. પ્રાણાયામ એટલે શ્વાસક્રિયા દ્વારા પ્રાણનું નિયમન. શ્વાસ તે બળતણ છે, પ્રાણ વરાળ છે અને શરીર તે એન્જિન છે. પ્રાણાયામના ત્રણ ભાગ છેઃ પૂરક (શ્વાસને અંદર લેવો), કુંભક (શ્વાસને રોકવો) અને રેચક (શ્વાસને બહાર કાઢવો)…
* * *
ગુરુ એક એવું વાહન છે કે જેના દ્વારા આધ્યાત્મિક શક્તિ તમને આપવામાં આવે છે. ઉપદેશ કોઈ પણ માણસ આપી શકે; પણ અધ્યાત્મ શક્તિ તો શિષ્યમાં ગુરુ દ્વારા જવી જોઈએ,અને તે જ ફળીભૂત થાય. શિષ્યોનો અંદરોઅંદરનો સંબંધ ભાઈ ભાઈ જેવો હોય છે અને ભારતમાં કાયદાથી આ સ્વીકારાયેલો છે. ગુરુ પોતાના પૂર્વગુરુઓ પાસેથી પરંપરા દ્વારા મેળવેલી વિચારશક્તિ એટલે કે મંત્રનો શિષ્યમાં સંચાર કરે છે; ગુરુ સિવાય કંઈ પણ થઈ શકે નહીં. (તેમ ન હોય તો) હકીકતમાં મહાભય ઉત્પન્ન થાય છે. સામાન્યતઃ ગુરુ સિવાયનો કરેલો આવો યોગાભ્યાસ કામોત્તેજક બને છે, જ્યારે ગુરુ હોય તો તેવું ભાગ્યે જ બને છે. પ્રત્યેક ઇષ્ટનો એક મંત્ર હોય છે. ઇષ્ટ એટલે વિશિષ્ટ ઉપાસક માટેનો વિશિષ્ટ આદર્શ; મંત્ર તેને વ્યક્ત કરનારો બહારનો શબ્દ છે. શબ્દ (મંત્ર)નો નિરંતર જપ આદર્શને દૃઢપણે સ્થિર કરવામાં સહાયક છે. ઉપાસનાની આ રીત આખા ભારતમાં તમામ સાધકોમાં પ્રચલિત છે.
આ પુસ્તક ઓનલાઇન ખરીદો



