આભાસ વિના વિચાર કરવો તે અશક્યને શક્ય બનાવવાના જેવું છે. નક્કર દૃષ્ટાંત સિવાય આપણે સસ્તન પ્રાણીનો ખ્યાલ ન કરીએ શકીએ. ઈશ્વરના ખ્યાલ વિશે તે જ પ્રમાણે સમજવું.

જગતમાંના વિચારોના મહાન નિરાકાર તત્ત્વને આપણે ઈશ્વર કહીએ છીએ.

દરેક વિચારને બે અંગ હોય છેઃ વિચારાત્મક અને શબ્દાત્મક; આપણી પાસે એ બંને હોવાં જોઈએ. વિજ્ઞાનવાદીઓ કે જડવાદીઓ, બેમાંથી કોઈ સાચા નથી. આપણે વિચાર અને તેની અભિવ્યક્તિ, બંનેને લેવાં જોઈએ.

સઘળું જ્ઞાન પ્રતિબિંબિત થયેલી વસ્તુનું જ થાય છે, કારણ કે આપણો ચહેરો આપણે માત્ર આરસીમાં જ જોઈ શકીએ. કોઈ પણ પોતાના આત્મા કે ઈશ્વરને જાણી નહીં શકે; પરંતુ આપણે પોતે જ તે આત્મા છીએ, આપણે જ ઈશ્વર છીએ.

જ્યારે ‘તમારાપણું’ના રહે ત્યારે જ તમે નિર્વાણ પામ્યા છો. બુદ્ધે કહ્યુંઃ જ્યારે તમે તમે નથી હોતા, જ્યારે ક્ષુદ્ર અહંભાવનો અભાવ હોય છે, ‘ત્યારે તમે શ્રેષ્ઠ છો, ત્યારે તમે સત્ય છો.’

ઘણા ખરા મનુષ્યોમાં અંદરનો દિવ્ય પ્રકાશ ઢંકાઈ ગયેલો હોય છે. તે લોઢાના પીપમાં રાખેલ દીવા જેવું છે; તેમાંથી પ્રકાશની એક રેખા પણ બહાર અજવાળું ન આપી શકે. ધીમે ધીમે, પવિત્રતા અને નિઃસ્વાર્થભાવથી આપણે ઢાંકી રાખતા એ અંતરાયને તે કાચ જેવો પારદર્શક બને ત્યાં સુધી ઓછો ને ઓછો ગાઢ કરી શકીએ. શ્રીરામકૃષ્ણ લોઢાનું પીપ કાચના પીપમાં ફેરવાઈ ગયા હોય તેવા હતા, જેના કારણે અંદરનો પ્રકાશ જેવો હતો તેવો જ બહાર જોઈ શકાતો. આપણે બધાય તે કાચના પીપ જેવાં બનવાને – તેથી ઊંચાં અને વધુ ઊંચાં પ્રતિબિંબો બનવાને માર્ગે જ છીએ. જ્યાં સુધી ‘પીપ’ છે ત્યાં સુધી આપણે ભૌતિક સાધનો દ્વારા જ વિચાર કરવો પડશે. કોઈ પણ અધીરો માનવી કદી પણ સફળતા મેળવી શકે નહીં.

* * *

મહાન સંતો સિદ્ધાંતના ઉદાહરણ સમા છે. પણ શિષ્યો સંતને જ સિદ્ધાંત બનાવે છે અને પછી તેઓ તે વ્યક્તિ માંહેના સિદ્ધાંતને વીસરી જાય છે.

એક વ્યક્તિરૂપ ઈશ્વર સામેના બુદ્ધના સતત આક્ષેપોને પરિણામે ભારતમાં મૂર્તિપૂજા દાખલ થઈ. વેદોમાં મૂર્તિઓ ન હતી કારણ કે તેઓ ઈશ્વરને સર્વત્ર જોઈ શકતા. પણ સ્રષ્ટા અને સુહૃદ ઈશ્વર ગુમાવવાનો પ્રત્યાઘાત મૂર્તિઓ બનાવવામાં પરિણમ્યો અને બુદ્ધ પોતે જ મૂર્તિ બન્યા. ઈશુની બાબતમાં પણ તે જ પ્રમાણે બન્યું. મૂર્તિઓની કક્ષા ભલે લાકડા અને પાષાણથી માંડીને ઈશુ અને બુદ્ધ સુધીની છે, પણ આપણને પ્રતિમાઓ હોવી જ જોઈએ.

* * *

આવેશભર્યા સુધારાઓ હંમેશાં પ્રગતિનો અવરોધ કરવામાં પરિણમે છે. ‘તમે ખરાબ છો’ તેમ ન કહો; માત્ર એટલું જ કહોઃ ‘તમે સારા તો છો; પણ વધારે સારા બનો.’

પુરોહિતો પ્રત્યેક દેશમાં એક અનિષ્ટરૂપ છે, કારણ કે તેઓ હંમેશાં ઉતારી પાડવાની અને ટીકા કરવાની વૃત્તિ ધરાવે છે; તેઓ એક દોરીને સુધારવા માટે એવી ખેંચે છે કે બીજી બેત્રણ સ્થાનભ્રષ્ટ થઈ જાય છે. પ્રેમ કદીય પણ ઉતારી પાડતો નથી, માત્ર મહત્ત્વાકાંક્ષા તેમ કરે છે. ‘પ્રામાણિક’ ક્રોધ કે ન્યાયી હિંસા જેવી કોઈ વસ્તુ જ નથી.

જો તમે કોઈને સિંહ નહીં થવા દો, તો તે શિયાળ બનશે. સ્ત્રીઓ એક શક્તિ છે; માત્ર હમણાં તે અનિષ્ટરૂપે વિશેષ છે અને પુરુષ સ્ત્રી ઉપર જુલમ કરે એટલે તે અત્યારે શિયાળ છે; પણ જ્યારે તેના ઉપર જુલમ ગુજારવામાં આવશે નહીં ત્યારે તે સિંહ બની જશે.

સામાન્ય રીતે કહીએ તો આધ્યાત્મિક આકાંક્ષા બુદ્ધિની સમતોલ રાખવી જોઈએ; નહીં તો તે માત્ર વેવલાપણામાં ઊતરી જાય…

* * *

અંતિમ તત્ત્વ વિશેની પોતાની ભાવનાઓમાં ભલે બધા ઈશ્વરવાદીઓ જુદો જુદો મત ધરાવે, છતાં તેઓ એટલું સ્વીકારે છે કે પરિવર્તનશીલ જગતની પાછળ પરિવર્તનરહિત એક તત્ત્વ છે. બુદ્ધે આનો ‘તદ્દન’ અસ્વીકાર કર્યો. તેમણે કહ્યુંઃ ‘બ્રહ્મ નથી, આત્મા નથી; જીવ નથી.’

એક ચારિત્ર્યવાન વ્યક્તિ તરીકે બુદ્ધ જગતે કદી જોયા ન હોય તેવી મહાનમાં મહાન વ્યક્તિ હતા; ઈશુનું સ્થાન તેમની પછી આવે. પણ ગીતામાં અપાયેલો શ્રીકૃષ્ણનો ઉપદેશ તો જગતે ભાગ્યે જ જાણ્યો હોય તેવો બધામાં સર્વોત્તમ છે. જેણે તે અદ્ભુત કાવ્ય રચ્યું તે એક એવા વિરલ આત્માઓ માંહેનો હતો કે જેમના જીવને, જગતભરમાં નવજીવનના તરંગો ઉત્પન્ન કર્યા. ગીતા જેણે રચી, તેના જેવું મસ્તિષ્ક માનવજાત ફરીથી કદાપિ નહીં જુએ.

* * *

અશુભ તરીકે કે શુભ તરીકે પ્રગટ થનારી શક્તિ તો માત્ર એક જ છે. દેવ અને દાનવ એ સામસામી દિશાનાં વહેતાં પાણીવાળી એક જ નદી છે.

આ પુસ્તક ઓનલાઇન ખરીદો

About the author : eshop

Leave A Comment

Related posts

Popular products

Product categories