‘અજ્ઞાનીઓ જેની પૂજા કરે છે તે વિષે હું તને ઉપદેશ આપું છું.’

આ એક અને એકમાત્ર ઈશ્વર ‘જ્ઞાતનીયે જ્ઞાત વસ્તુ છે’. એક માત્ર એ તત્ત્વને જ આપણે સર્વત્ર જોઈએ છીએ. સૌ પોતાના આત્માને જાણે છે; ‘હું છું’ તે સૌ કોઈ – પશુઓ સુદ્ધાં જાણે છે. આપણે જે કાંઈ જાણીએ છીએ, તે આત્માનો જ વિસ્તાર છે. બાળકોને આ વસ્તુ શીખવો; તેઓ તેને પકડી શકશે. અજાણપણે પણ દરેક ધર્મે આત્માની ઉપાસના કરી છે, કારણ કે આત્મા સિવાય બીજું કંઈ છે જ નહીં.

અહીં જે જીવનને આપણે જાણીએ છીએ તેને અસભ્ય રીતે વળગી રહેવાની વૃત્તિ એ જ સર્વ અનિષ્ટનું મૂળ છે. આ છળકપટ અને ચોરવૃત્તિને એ જ ઉત્પન્ન કરે છે. પૈસાને તે દેવ બનાવે છે અને તેમાંથી બધા દુર્ગુણો અને ભયો ઉત્પન્ન થાય છે. કોઈ ભૌતિક બાબતને કીંમતી ન ગણો, તેમ તેને વળગી પણ ન રહો. જો તમે કશાને – જીવનને પણ – વળગી નહીં રહો તો પછી કોઈ ભયને અવકાશ નથી. ‘આ દુનિયામાં જે બહુત્વને જુએ છે તે એક મૃત્યુમાંથી બીજા મૃત્યુમાં જાય છે.’ આપણે જ્યારે જોઈએ કે સઘળું એક જ છે, ત્યારે આપણે માટે શારીરિક કે માનસિક, કોઈ મૃત્યુ ન હોઈ શકે. બધાં શરીરો મારાં છે; તેથી તે દૃષ્ટિએ શરીર પણ નિત્ય છે, કારણ કે વૃક્ષ, પ્રાણી, સૂર્ય, ચંદ્ર, વિશ્વ પોતે પણ મારું શરીર છે; અને તો તે મરી કેમ શકે? દરેક મન, દરેક વિચાર, મારો છે; તો પછી મૃત્યુ શી રીતે આવે? આત્મા કદીય જન્મતો નથી અને કદીય મરતો નથી. જ્યારે આપણને આની ખાતરી થાય, ત્યારે સઘળા સંશયો દૂર થાય છે. ‘હું છું, હું જાણું છું, હું ચાહું છું,’ આ બધા અનુભવો વિષે કદીય સંશય ન ઊઠે. ભૂખ જેવી વસ્તુ જ નથી કારણ કે જે બધું ખવાય છે તે મારાથી જ ખવાય છે. જો એકાદ વાળ ખરી પડે તો આપણે મરી ગયા તેમ નથી માનતા; એ જ પ્રમાણે જો એક શરીર પડી જાય તો તે માત્ર એક વાળ ખરી પડવા જેવું છે…

* * *

અતિચેતનાવસ્થા – તુરીયાવસ્થા તે ઈશ્વર છે; તે વાણીથી પર છે, વિચારથી પર છે અને ચેતનાથી પર છે… ત્રણ અવસ્થાઓ છેઃ પશુતા (તમોગુણ), માનવતા (રજોગુણ) અને દિવ્યત્વ (સત્ત્વગુણ). સર્વોચ્ચ સ્થિતિએ જેઓ પહોંચે છે તેઓ કેવળ ‘સત્’ સ્વરૂપ જ છે. ત્યાં કર્તવ્ય ભાવના મરી પરવારે છે; તેઓ માત્ર પ્રેમ જ કરે છે અને લોહચુંબકની માફક બીજાને પોતા તરફ ખેંચે છે. આ છે મુક્તિ. તમારે નૈતિક કાર્યો કરવાં પડતાં નથી; તમે જે કાંઈ કરો તે બધું નૈતિક છે. બ્રહ્મવિદ્ (બ્રહ્મને જાણનારો) બધા દેવો કરતાં વધુ ઉચ્ચ છે. જ્યારે ભ્રમણા ઉપર વિજય મેળવીને ઈશુએ કહ્યુંઃ ‘ઓ સેતાન! મારી સામેથી હઠીને પાછળ ચાલ્યો જા.’ ત્યારે ફિરસ્તાએ આવીને તેની પૂજા કરી. બ્રહ્મવિદ્ને કોઈ મદદ ન કરી શકે; વિશ્વ આખું તેની આગળ નમે છે. તેની પ્રત્યેક ઇચ્છા પૂર્ણ થઈ છે; તેનો આત્મા બીજાઓને પવિત્ર બનાવે છે. માટે સર્વોચ્ચ સ્થિતિએ પહોંચવું હોય તો બ્રહ્મવિદ્નું અર્ચન કરો. જ્યારે આપણને ત્રણ મહાન ‘ઈશ્વરી બક્ષિસ’ મળે – મનુષ્યત્વ, મુમુક્ષુત્વ અને માર્ગદર્શન કરાવનાર મહાપુરુષનો સમાગમ – ત્યાર પછી મોક્ષ આપણે માટે ચોક્કસ છે, મુક્તિ આપણી જ છે.

* * *

સદાને માટે દેહવિલય તેનું નામ નિર્વાણ. તે અભાવસૂચક બાજુ છે અને કહે છેઃ ‘હું આ નથી, આ નથી કે પેલું નથી.’ વેદાંત આગળ પગલું ભરે છે અને તે ભાવાત્મક બાજુ પર – મુક્તિ કે મોક્ષ પર – ભાર મૂકે છે. ‘હું કેવળ સત્ છું, કેવળ જ્ઞાન છું, કેવળ આનંદ છું; હું તે છું.’ આ છે વેદાંત, પૂર્ણત્વરૂપી કમાનનો ડાટો – તેનો શિલાકોણ.

ઉત્તર દિશાના બૌદ્ધ ધર્મના મોટા ભાગના અનુયાયીઓ મુક્તિમાં માને છે અને તે રીતે તેઓ વેદાંતીઓ છે. માત્ર લંકાવાસી બૌદ્ધ જ નિર્વાણને વિનાશ તરીકે સ્વીકારે છે.

કોઈ પણ માન્યતા કે માન્યતાનો અભાવ ‘હું’ નો નાશ ન કરી શકે. જે શ્રદ્ધાની સાથે આવે અને અશ્રદ્ધાની સાથે ચાલ્યું જાય તે ભ્રમણા છે. આત્માને કંઈ પણ શીખવતું નથી. ‘હું મારા પોતાના આત્માને જ નમન કરું છું.’ ‘સ્વયં-પ્રકાશિત હું મને જ નમન કરું છું, હું જ બ્રહ્મ છું.’ શરીર એક અંધારી કોટડી છે; આપણે જ્યારે તેમાં પ્રવેશ કરીએ ત્યારે તે પ્રકાશિત થાય છે, જીવંત બને છે. રોશનીને કંઈ પણ કદી અસર કરી શકે નહીં; તેનો નાશ કરી શકાય નહીં. તે ઢંકાય ભલે, પણ તેનો નાશ કદી ન કરી શકાય.

* * *

અત્યારના કાળમાં ઈશ્વરમાં ‘માતા’ તરીકે – અનંત શક્તિ તરીકે ઉપાસના કરવી જોઈએ. આથી પવિત્રતા આવશે અને અહીં અમેરિકામાં જબરદસ્ત શક્તિ આવશે. અહીં કોઈ પુરોહિતનો વર્ગ આપણને દાબી દેવા માટે નથી, તેમ જ ગરીબ દેશની પેઠે કોઈ દુઃખી પણ નથી. અનેક યુગોથી સ્ત્રી જાતિ સદા સહન કરતી આવી છે; તેથી તેનામાં અખૂટ ધીરજ અને ખંત આવ્યાં છે. એક ભાવનાને તે વળગી રહી શકે છે. આને લીધે જ તે દરેક દેશમાં વહેમ ભરેલા ધર્મોનો અને પુરોહિતોનો આધાર બની છે અને આથી જ તે મુક્ત બનશે. આપણે વેદાંતી બનવાનું છે અને આ ભવ્ય વિચારને જીવનમાં ઉતારવાનો છે. જનતાને તે મળવો જોઈએ અને માત્ર સ્વતંત્ર અમેરિકામાં જ આ થઈ શકે તેમ છે. ભારતમાં બુદ્ધ, શંકર અને બીજી એવી વ્યક્તિઓએ આ વિચારોને રજૂ કર્યા પણ જનતા તેને પકડી રાખી ન શકી. નવા યુગમાં જનતા વેદાંતમય જીવન જીવે તે જોવું જોઈએ; અને તે સ્ત્રીઓ દ્વારા આવવું જોઈશે.

‘કાળજીપૂર્વક તમારા અંતઃકરણના ઊંડામાં ઊંડા ભાગમાં પ્રિય અને સુંદર ‘માતા’ને રાખો.’

‘જીભ સિવાય બધું ફેંકી દો; માત્ર જીભને ‘મા’ ‘મા’ પોકારવા રાખી મૂકો!’

‘કોઈ દુષ્ટ સલાહકારોને અંદર પેસવા ન દો. મારા હૃદય! તું અને હું માત્ર ‘મા’ને દેખીએ.’

‘જે કંઈ જીવંત છે તે સર્વથી તું પર છે! મારા જીવનના ચંદ્ર! મારા આત્માના આત્મા!’

આ પુસ્તક ઓનલાઇન ખરીદો

About the author : eshop

Leave A Comment

Related posts

Popular products

Product categories