માતૃપ્રેમ સિવાય કોઈ જાતની સૃષ્ટિ ચાલુ રહે નહીં. કોઈ પણ વસ્તુ સર્વાંશે આધિભૌતિક નથી કે સર્વાંશે આધ્યાત્મિક પણ નથી; પ્રત્યેક એકબીજાની અપેક્ષા કરે છે અને તેનો ખુલાસો આપે છે. આ દૃશ્ય જગતને કોઈક પાર્શ્વ ભૂમિકા છે, તેવું તો બધા ઈશ્વરવાદીઓ સ્વીકારે છે; માત્ર તે પાશ્વભૂમિકાના સ્વરૂપ કે લક્ષણની બાબતમાં મતભેદ છે. જડવાદીઓ ભૂમિકાના સ્વરૂપ વિશે કહે છે કે એવી કોઈ પાર્શ્વભૂમિકા જ નથી.

બધા ધર્મોમાં ઇંદ્રિયાતીત અવસ્થા તો સરખી જ છે. હિંદુઓ, ખ્રિસ્તીઓ, મુસલમાનો, બૌદ્ધો અને જેઓ કોઈ પણ સંપ્રદાયમાં ન હોય તેવા લોકો પણ જ્યારે દેહભાનથી પર જાય છે, ત્યારે તેમને તે એક જ અનુભવ થાય છે…

* * *

ઈશુના અવસાન પછી લગભગ પચ્ચીસ વર્ષે સંત થોમસ દ્વારા ભારતમાં જગતમાંના શુદ્ધ ખ્રિસ્તીઓની સ્થાપના થઈ. એ સમયે અેંગ્લો – સેકસન (ઇંગ્લેન્ડના આદિવાસીઓ) પ્રજા તો હજુ જંગલી દશામાં હતી, શરીર ઉપર ચિતરામણ કાઢતી અને ગુફાઓમાં રહેતી. એક કાળે ભારતમાં ત્રીસ લાખ ખ્રિસ્તીઓ હતા, હવે માત્ર દસ લાખ છે.

ખ્રિસ્તી ધર્મનો પ્રચાર હંમેશાં તલવારના જોરે કરવામાં આવ્યો છે. ઈશુ જેવા સૌમ્ય આત્માના શિષ્યો આટલા બધાનાં લોહી રેડે તે કેવું અજબ છે! ત્રણ ધર્મો પ્રચારક છેઃ બૌદ્ધ, ઇસ્લામ અને ખ્રિસ્તી. હિંદુ ધર્મ, યહૂદી ધર્મ અને જરથોસ્તી ધર્મ, એ ત્રણ પ્રાચીન ધર્મો ધર્મપરિવર્તન કરાવવામાં કદી ધ્યાન આપતા નહોતા. બૌદ્ધોએ કોઈનું લોહી રેડ્યા વિના માત્ર નમ્રતા દ્વારા દુનિયાના પોણા ભાગને એક વખતે બૌદ્ધ ધર્મનો અનુયાયી બનાવ્યો હતો.

બૌદ્ધો વધુમાં વધુ તર્કશુદ્ધ અજ્ઞેયવાદી હતા. શૂન્યવાદ અને કેવળવાદની વચ્ચે તમે સાચી રીતે ક્યાંય ભેદ પાડી શકો નહિ. બૌદ્ધો પોતાના સિદ્ધાંતને અંતિમ તર્કશુદ્ધ નિર્ણયે લઈ જતાં બૌદ્ધિક દૃષ્ટિએ સર્વવિનાશક બન્યા. અદ્વૈતવાદીઓ પણ પોતાના સિદ્ધાંતને તર્કશુદ્ધ નિર્ણયે લઈ ગયા અને જેમાંથી સઘળી દૃશ્ય ઘટનાઓ પ્રગટ થાય છે તે એક અખંડ, ઘન, નિર્વિશેષ તત્ત્વે પહોંચ્યા. બૌદ્ધો તેમજ અદ્વૈતવાદીઓ બંનેના સિદ્ધાંતોમાં એકત્વ અને એકત્વનો અભાવ બંને ભાવનાઓ એકસાથે જ રહેલી છે; તેમાંથી એક ભાવના ખોટી હોવી જોઈએ, બીજી સાચી હોવી જોઈએ. શૂન્યવાદીઓ એકત્વના અભાવમાં સત્યને મૂકે છે, વાસ્તવવાદીઓ એકત્વમાં સત્યને મૂકે છે. સમગ્ર જગતને આવરી લેનારું યુદ્ધ આ છે; આ જ ‘ગજગ્રાહ’ છે.

વાસ્તવવાદી પૂછે છેઃ ‘શૂન્યવાદીને એકત્વનો કંઈ પણ વિચાર કેવી રીતે આવે છે?’ ચક્કર ચક્કર ફેરવાતું ઊંબાડિયું એક વર્તુળ જેવું કેમ દેખાય છે? ગતિહીન બિંદુ જ ગતિનો ખુલાસો આપી શકે. કોઈ પાર્શ્વભૂમિકા છે તેવી ભ્રમણાની ઉત્પત્તિ શૂન્યવાદી કદી જ ન સમજાવી શકે; તેમ જ એક નિર્વિશેષ તત્ત્વ અનેક કેમ કરીને થાય છે તે આદર્શવાદી નહીં સમજાવી શકે. તેનો એક માત્ર ખુલાસો ઇંદ્રિયાતીત ક્ષેત્ર પરથી જ આવવો જોઈએ. આપણે ઇંદ્રિયાતીત સ્થિતિએ, સંપૂર્ણપણે ઇંદ્રિયાનુભવની પેલે પારની અવસ્થાએ પહોંચવું જોઈએ. એથી આગળનું સાધન એ આધ્યાત્મિક શક્તિ જ છે, જેને આદર્શવાદી એકલો જ ઉપયોગમાં લઈ શકે. તે નિર્વિશેષ – તત્ત્વનો અનુભવ લઈ શકે. માનવી વિવેકાનંદ પોતાને નિર્વિશેષ – તત્ત્વમાં તદ્રૂપ બનાવી શકે અને વળી પાછો માનવભાનમાં આવી શકે; એટલે તેના માટે આ સમસ્યા ઉકેલાઈ જાય છે અને ગૌણ રીતે બીજાઓ માટે પણ ઉકેલાઈ જાય છે, કારણ કે તે બીજાઓને માર્ગ બતાવી શકે છે. આમ જ્યાં તત્ત્વજ્ઞાનનો અંત આવે છે ત્યાં ધર્મની શરૂઆત થાય છે. જે અત્યારે આપણે માટે ઇંદ્રિયાતીત અવસ્થા છે તે સ્થાન ‘વિશ્વનું કલ્યાણ’ લેશે અને હવે પછી આવતા યુગોમાં સૌને માટે ઇંદ્રિયજ્ઞાનની ભૂમિકા બનશે. માટે ધર્મ એ દુનિયાને માટેનું સર્વોચ્ચ કાર્ય છે; અને મનુષ્યને અજાણપણે પણ આનો અનુભવ થયો છે તેથી યુગે યુગે તે આ ધર્મના વિચારને વળગી રહ્યો છે.

દૂધ આપનારી આ મહાન ગાયે-ધર્મે લાતો પણ પુષ્કળ મારી છે, પણ તેની પરવા ન રાખો કેમ કે તે દૂધ ઘણું આપે છે. જે ગાય ઝાઝું દૂધ આપે તેની લાતને દૂધવાળો સહી લે છે. ધર્મ એ મહાનમાં મહાન જન્મેલું બાળક છે; એ ‘સાક્ષાત્કારનો મહાન ચંદ્ર’ છે. આપણે તેનું પોષણ કરીએ, તેના વિકાસમાં મદદ કરીએ, એટલે તે વિરાટ બનશે. ઇચ્છા-રાજા અને જ્ઞાન-રાજા વચ્ચે યુદ્ધ થયું; અને જ્યાં જ્ઞાન-રાજા પરાજિત થવાની અણી ઉપર આવ્યો ત્યાં તો ઉપનિષદ-રાણી સાથે તેનું સમાધાન થઈ ગયું અને તેમને એક બાળક અવતર્યું; તેનું નામ આત્મસાક્ષાત્કાર. તેણે તેને માટે વિજય અપાવ્યો. (વેદાંતી સંસ્કૃત રૂપક ‘પ્રબોધચન્દ્રોદય’માંથી.)

માણસ સ્ત્રીના પ્રેમમાં પડે છે ત્યારે બને છે તેમ પ્રેમ ઇચ્છાશક્તિના સમસ્ત બળને વિના શ્રમે એકાગ્ર કરે છે.

ભક્તિમાર્ગ સહજ સરલ અને આનંદદાયી છે. તત્ત્વજ્ઞાન એ પર્વતમાંથી નીકળેલા ઝરણાને બળજબરીથી તેના મૂળ ઉપર પાછું લઈ જવાના પ્રયાસ જેવું છે. તે ઝડપી રીત છે, પણ બહુ જ કઠિન છે. તત્ત્વજ્ઞાન કહે છેઃ ‘દરેક બાબતમાં સંયમ કરો.’ ભક્તિ કહે છેઃ ‘સઘળું પ્રવાહમાં વહેવા દો; શાશ્વત શરણાગતિ સ્વીકારી લો.’ તે માર્ગ વધારે લાંબો છે પરંતુ વધુ સહેલો અને વધુ સુખકર છે.

‘હું સર્વકાળ તારો છું. હવેથી હું જે કંઈ કરું તે તું જ કરે છે. હું કે મારું હવે કંઈ જ નથી.’

‘હે પ્રિય! મારી પાસે આપવા માટે કંઈ ધન નથી, અભ્યાસ કરવા માટે બુદ્ધિ નથી, યોગાભ્યાસ માટે સમય નથી, એટલે ઓ મધુર! હું તને મારી જાત જ અર્પણ કરું છું, મારું તન અને મન તને આપી દઉં છું.’

ગમે તેટલું અજ્ઞાન કે ખોટા વિચારો પણ આત્મા અને ઈશ્વર વચ્ચે અંતરાય લાવી શકે નહીં. ઈશ્વર ન હોય તો પણ પ્રેમને મક્કમ રીતે વળગી રહો. શ્વાનની માફક સડેલું માંસ શોધવા કરતાં ઈશ્વરની શોધમાં મરવું વધારે સારું છે. સર્વોચ્ચ આદર્શ પસંદ કરો અને તેને માટે તમારું જીવન આપી દો. ‘મૃત્યુ એટલું બધું ચોક્કસ છે, એથી એક મહાન હેતુ માટે જીવન આપી દેવું તે ઉત્તમમાં ઉત્તમ છે.’

પ્રેમ તકલીફ વિના તત્ત્વજ્ઞાનને પ્રાપ્ત કરાવશે; પછી જ્ઞાનની પાછળ પરાભક્તિ આવશે.

જ્ઞાન વિવેચનાત્મક હોય છે અને દરેક બાબતમાં ઘણો ઊહાપોહ કરે છે. પણ પ્રેમ કહે છેઃ ‘ઈશ્વર મને તેનું ખરું સ્વરૂપ બતાવશે.’ અને એમ કહીને એ બધું સ્વીકારે છે.

(રાબિયા)

પડી માંદગીને બિછાને રાબિયા,
મહા સંત બે છે પધાર્યા જ તાંહાં;
ખરા પાક મલ્લિક, હશ્શન્ન શાણા,
મુસલ્માનમાં બેય બહુ છે વખાણા.
‘હશે બંદગી,’ કહે હસન ‘જેની પાક’,
‘સહે તે ખુદા કેરી ખફગીની ધાક;’
લડાવી અક્કલ ને કહે ગૂઢ મલ્લિક
અનુભવ તણી વાત પોતાની ઠીકઠીક.
‘કરે પ્યાર માલિકતણી મરજીને જે,
‘સજામાંય પણ મોજને માણશે તે;’
સુણી બેય રાબિયા દેખતી છે,
ખુદી વાસને બેયના બોલ નીચે;
પુકારી ઊઠે, ‘સાંઈ ઓ બેય મોટા,
થઈ સંત શાં આ કહો વેણ ખોટાં?
નિહાળે જે બંદો ખુદાનો દીદાર,
ખુદાકેરી ખફગી સ્મરે ના લગાર.’

– ઈરાની કાવ્ય

આ પુસ્તક ઓનલાઇન ખરીદો

About the author : eshop

Leave A Comment

Related posts

Popular products

Product categories