(પતંજલિનાં યોગસૂત્રો)

‘પોતાથી કાર્યો કરાય કે બીજા દ્વારા કરાવાય અથવા તેમને અનુમોદન અપાય, એ ત્રણેની આપણા પર પડનારી અસર લગભગ સરખી જ હોય છે.’

સંપૂર્ણ બ્રહ્મચર્ય આપણને મોટી બૌદ્ધિક અને આધ્યાત્મિક શક્તિ આપે છે. બ્રહ્મચારીએ ઇંદ્રિયભોગની બાબતમાં વિચાર, વાણી અને વર્તન દ્વારા પવિત્ર રહેવું જોઈએ. શરીર માટેની કાળજી છોડો; શરીરના અસ્તિત્વનો ખ્યાલ પણ બને ત્યાં સુધી ટાળો.

આસન સ્થિર અને સુખકર હોવું જોઈએ; સતત અભ્યાસ અને મનનું અનંત સાથેનું તાદાત્મ્ય એ સિદ્ધ કરે છે.

એક જ વિષયનું સતત ચિંતન તેનું નામ ધ્યાન.

સ્થિર પાણીમાં જ્યારે એક પથરો નાખવામાં આવે ત્યારે તેમાં ઘણાં વર્તુળો પેદા થાય છે; તે દરેક જુદું જુદું હોય છે, પણ બધાં પરસ્પર એકબીજા પર ક્રિયા કરતાં હોય છે. તે જ પ્રમાણે આપણા મન વિશે છે. માત્ર આપણે આ ક્રિયાથી અજાણ હોઈએ છીએ, જ્યારે યોગી તે ક્રિયાનો જ્ઞાતા હોય છે. આપણે જાળ માંહેના કરોળિયા જેવા છીએ; યોગાભ્યાસ કરોળિયાની પેઠે તે જાળાના ગમે તે તાર પર થઈને ચાલ્યા જવાની શક્તિ આપશે. જેઓ યોગીઓ નથી તેઓ જે સ્થળે પોતે હોય તે જ સ્થળે બદ્ધ થઈ રહેલા હોય છે.

* * *

બીજાને નુકસાન કરવાથી બંધન ઉત્પન્ન થાય છે અને સત્યને તે છુપાવે છે. ગુણો અભાવાત્મક હોય તેટલું બસ નથી; આપણે માયાને જીતવાની છે; ત્યાર પછી તે આપણી પાછળ પાછળ આવશે. વસ્તુઓ જ્યારે આપણને બંધનકર્તા થતી અટકે ત્યારે જ આપણે તેમને લાયક થઈએ છીએ. ખરેખરી અને સાચી રીતે બંધન તૂટે છે, ત્યારે જ બધી ચીજો આપણી પાસે આવે છે. જેઓને કંઈ પણ જોઈતું નથી, તેઓ જ માત્ર પ્રકૃતિના સ્વામીઓ છે.

જે આત્માએ ખરેખર પોતાનું બંધન તોડ્યું છે તેને શરણે જાઓ તો તે પોતાની કૃપાથી યોગ્ય સમયે તમને બંધનમુક્ત કરશે. તેથીયે ઊંચું ઈશ્વરને શરણે જવું એ છે, પણ તે સૌથી વધુ મુશ્કેલ છે; આખા સૈકામાં માત્ર એકાદ વખત જ એવી કોઈ વ્યક્તિ મળી આવે કે જેણે ખરેખર તેમ કર્યું હોય. મન ઉપર કોઈ અસર થવા દો નહીં, કંઈ પણ જાણો નહીં, કંઈ કરો નહીં, કંઈ રાખો નહીં; બધું ઈશ્વરને સોંપી દો. માત્ર એટલું જ કહોઃ ‘હે ઈશ્વર! તારી ઇચ્છા મુજબ થાઓ.’ આ બંધન એ આપણું માત્ર સ્વપ્ન જ છે; જાગ્રત થાઓ અને તેને ફગાવી દો. માત્ર ઈશ્વરનું શરણ લો, જેથી આપણે માયાના રણને પસાર કરી જઈએ. ‘તારી પકડ છોડી દે; રે બહાદુર સંન્યાસી! બોલ, ॐ तत्सत्।’

દાન કરવાની તક મળે તો આપણું સદ્ભાગ્ય છે; એ રીતે જ આપણો વિકાસ થાય છે. ગરીબ માણસને દુઃખ પડે છે એટલા માટે કે તેને દાન આપવાથી દાન આપનારને મદદ થાય; દાન આપનારે નીચા નમીને દાન લેનારનો આભાર માનવો જોઈએ અને દાન લેનારે ટટ્ટાર ઊભા રહીને દાન આપનારને દાન દેવાની પરવાનગી આપવી જોઈએ. દરેકની પાછળ રહેલા ઈશ્વરને જુઓ અને તે દાન ઈશ્વરને આપો. જ્યારે આપણી નજરે અનિષ્ટ આવતું અટકી જાય ત્યારે આપણે માટે સંસારનો અંત આવે જ, કારણ કે સંસારનો એકમાત્ર હેતુ આપણને તે ભૂલમાંથી મુક્ત કરવાનો છે. કંઈ પણ અપૂર્ણ છે એ વિચાર જ અપૂર્ણતાને ઉત્પન્ન કરે છે. માત્ર તાકાતના અને પૂર્ણતાના વિચારો તેમાંથી બચાવી શકે. બને તેટલું ભલું કરો; તેમાં કેટલુંક અશુભ જરૂર હશે પણ અંગત પરિણામનો વિચાર રાખ્યા સિવાય બધું કરો અને પરિણામ બધું ઈશ્વરને સોંપો; એમ કરવાથી શુભ કે અશુભ તમને અસર નહીં કરે.

કર્મ કરવું તે ધર્મ નથી; પણ સાચી રીતે કરેલું કર્મ મુક્તિ તરફ લઈ જાય છે. ખરી રીતે તો દયા માત્ર અંધકાર છે, કારણ કે દયા કોની ખાવી? શું તમે ઈશ્વરની દયા ખાઈ શકો? અને ઈશ્વર સિવાય બીજું કંઈ છે? તમારા વિકાસ માટે નૈતિક શક્તિ વિકસાવવાના સાધન તરીકે આ દુનિયા તમને મળી છે; તે માટે ઈશ્વરનો પાડ માનો; પણ કદીય એમ ન માનશો કે તમે દુનિયાને મદદ કરી શકશો. તમને કોઈ ગાળો આપે તો તેનો આભાર માનો; કારણ કે એ તમારી સામે એક એવું દર્પણ આપે છે જેમાં ગાળો આપવી તે શું છે તે તમે જોઈ શકો છો; ઉપરાંત તે તમને સંયમ શીખવાની એક તક આપે છે. માટે ગાળો દેનારનું ભલું ઇચ્છો અને રાજી થાઓ. વાપર્યા સિવાય શક્તિ ખીલી ન શકે; અરીસા વિના આપણે પોતાને જોઈ શકીએ નહિ.

‘અપવિત્ર કલ્પના અપવિત્ર કર્મ જેટલી જ ખરાબ છે.’ સંયમમાં રાખેલી ઇચ્છા સર્વોચ્ચ પરિણામે લઈ જાય છે. ઇંદ્રિયભોગની શક્તિને આધ્યાત્મિક શક્તિમાં ફેરવી નાખો, પણ તેને પાંગળી ન બનાવો; કારણ કે તેનો અર્થ તો શક્તિને વેડફી નાખવાનો છે. આ શક્તિ જેટલી વધારે તેટલું તેનાથી વિશેષ કામ થાય. પાણીનો જોરદાર પ્રવાહ જળશક્તિ દ્વારા કરવાના ખોદકામ માટેની પ્રચંડ કાર્યશક્તિ પ્રગટ કરી શકે.

આજે આપણને જેની જરૂર છે તે એ કે એક ઈશ્વર છે અને આપણે તેને અહીં અને અત્યારે જ જોઈ શકીએ અને અનુભવી શકીએ છીએ તેમ જાણવું. શિકાગોના એક અધ્યાપક કહે છેઃ ‘આ દુનિયાની કાળજી રાખો; પરલોકની કાળજી ઈશ્વર રાખશે.’ કેવું મૂર્ખાઈભર્યું! આ દુનિયાની કાળજી જો આપણે રાખી શકીએ, તો પછી બીજી દુનિયાની કાળજી રાખવા માટે કોઈ દયાળુ ઈશ્વરની જરૂર શી રહે?

આ પુસ્તક ઓનલાઇન ખરીદો

About the author : eshop

Leave A Comment

Related posts

Popular products

Product categories