આત્મા તરીકે માનવી ખરેખર મુક્ત છે, મનુષ્ય તરીકે તે બદ્ધ છે, કારણ કે તે બધી ભૌતિક પરિસ્થિતિથી બદલાયા કરે છે. મનુષ્ય તરીકે તે માત્ર મુક્તિની ભાવનાવાળું યંત્ર છે; પરંતુ સૃષ્ટિમાં આ માનવશરીર શ્રેષ્ઠ શરીર છે અને માનવમન સર્વોચ્ચ મન છે. જ્યારે મનુષ્ય આત્મ-સ્થિતિએ પહોંચે છે ત્યારે તે પોતાને અનુકૂળ પડે તેવું શરીર ધારણ કરી શકે છે; તે નિયમથી પર છે. આ એક વિધાન છે અને તે પુરવાર કરવું જોઈએ. દરેકે તે પોતાને માટે સિદ્ધ કરવું જોઈએ. આપણે આપણી જાતને સંતોષ આપી શકીએ પણ બીજાને ન આપી શકીએ. રાજયોગ એક જ એવું ધર્મનું વિજ્ઞાન છે કે જે પ્રદર્શિત કરી શકાય; મેં મારા અનુભવથી જે સાબિત કર્યું છે તે જ હું શીખવું છું. તર્કની પૂરેપૂરી પરિપકવતા એ પ્રેરણા છે; પણ પ્રેરણા તર્કની વિરોધી ન હોઈ શકે.

કર્મ હૃદયને પવિત્ર બનાવે છે અને તેથી વિદ્યા (જ્ઞાન) તરફ લઈ જાય છે. બૌદ્ધોએ કહ્યું કે મનુષ્યો અને પ્રાણીઓનું ભલું કરવું એ જ કર્મો છે; બ્રાહ્મણોએ કહ્યું છે કે પૂજા ઉપાસના અને બધાં ક્રિયાકાંડો પણ તેના જેવાં ‘કર્મ’ છે અને ચિત્તને શુદ્ધ કરે છે. આચાર્ય શંકર કહે છે કે ‘બધાં કર્મ – શુભ કે અશુભ જ્ઞાનનાં વિરોધી છે.’ અજ્ઞાન ઉત્પન્ન કરનારાં કર્મો પાપ છે – સીધી રીતે નહીં પણ નિમિત્તરૂપે તેમ છે, કારણ કે તેમનાથી તમોગુણ અને રજોગુણ વધે છે. માત્ર સત્ત્વગુણથી જ જ્ઞાન આવે છે. સત્કર્મો જ્ઞાન ઉપરથી આવરણ ખસેડી લે છે; અને એકલું જ્ઞાન જ આપણને ઈશ્વરદર્શન કરાવી શકે.

જ્ઞાનને કદી ઉત્પન્ન કરી શકાય નહીં; તેના પરનું આવરણ દૂર કરી શકાય અને જે જે મનુષ્ય કોઈક મહાન શોધ કરે છે તે પ્રેરણા પામે છે. જ્યારે તે આધ્યાત્મિક સત્ય શોધી લાવે છે ત્યારે આપણે તેને પયગંબર કહીએ છીએ અને જ્યારે તે શોધ ભૌતિક ક્ષેત્રની હોય છે ત્યારે આપણે તેને વૈજ્ઞાનિક કહીએ છીએ; જો કે સર્વ સત્યનું મૂળ તો એક જ હોય છે, છતાં આપણે વૈજ્ઞાનિક કરતાં પયયંગરને વધારે અગત્યતા આપીએ છીએ.

શંકરાચાર્ય કહે છે કેઃ ‘સર્વ જ્ઞાનનું સારતત્ત્વ બ્રહ્મ છે.’ જ્ઞાતા, જ્ઞેય અને જ્ઞાન તરીકેની સર્વ અભિવ્યક્તિઓ બ્રહ્મમાં કરેલી કલ્પનાઓ છે. રામાનુજાચાર્ય ઈશ્વરમાં જ્ઞાનશક્તિનું લક્ષણ તરીકે આરોપણ કરે છે; ખરા અદ્વૈતવાદીઓ ઈશ્વરમાં કોઈ લક્ષણનું આરોપણ કરતા નથી. આપણે લગાડી શકીએ તેવા કોઈ પણ અર્થમાં અસ્તિત્વ સુદ્ધાં નહીં. રામાનુજ કહે છે કે જાગ્રત જ્ઞાનનું સારતત્ત્વ ઈશ્વર છે. અખંડ ચૈતન્ય જ્યારે ભેદયુક્ત બને છે ત્યારે તે સંસાર બને છે.

દુનિયામાં સૌથી મહાન તાત્ત્વિક ધર્મો માંહેનો એક બૌદ્ધધર્મ બધા લોકોમાં, ભારતની સામાન્ય જનતામાં ફેલાયો. પચ્ચીસસો વર્ષ પહેલાં આવા વિચારોને ગ્રહણ કરવાની શક્તિ ધરાવતા આર્યોમાં કેવી અદ્ભુત સંસ્કૃતિ હશે!

જ્ઞાતિભેદને ન સ્વીકારનારા એકમાત્ર મહાન તત્ત્વજ્ઞાની બુદ્ધ જ હતા; આજે ભારતમાં તેનો કોઈ અનુયાયી રહ્યો નથી. બીજા બધા તત્ત્વચિંતકો સામાજિક પૂર્વગ્રહોને થોડે ઘણે અંશે અનુકૂળ બનતા. ગમે તેટલો ગગનવિહાર તેઓ કરતા હોય, છતાં ગીધપણાનો થોડોક અંશ તો તેમનામાં રહેલો જ હતો. મારા ગુરુ શ્રીરામકૃષ્ણ કહેતા તેમઃ ‘ગીધ આકાશમાં ઊંચે ઊડે છે, પણ તેની દૃષ્ટિ પૃથ્વી ઉપરના સડેલા માંસના ટુકડા ઉપર જ સર્વદા રહે છે.’

* * *

પ્રાચીન હિંદુઓ અદ્ભુત વિદ્વાનો હતા, જાણે કે જીવંત જ્ઞાનકોશ જેવા હતા. તેઓ કહેતાઃ ‘પુસ્તકોમાં રહેલી વિદ્યા એ વિદ્યા નથી અને બીજાના હાથમાં પડેલું ધન તે ધન નથી.’

શંકરાચાર્યને ઘણા લોકો શિવનો અવતાર લેખતા.

આ પુસ્તક ઓનલાઇન ખરીદો

About the author : eshop

Leave A Comment

Related posts

Popular products

Product categories