
(ભગવદ્ગીતા, કર્મયોગ)
કર્મ દ્વારા મુક્તિ મેળવવા માટે તમે કાર્યમાં પ્રવૃત્ત બનો; પણ ઇચ્છા વિના, કોઈ પણ પરિણામ તરફ દૃષ્ટિ રાખ્યા વિના કર્મ કરો. આવાં કર્મથી જ્ઞાન મળે છે, ને જ્ઞાન મુક્તિ લાવે છે. ‘જ્ઞાન’ થયા વિનાનો કર્મનો ત્યાગ દુઃખ લાવે છે. આત્મા માટે કરેલા કર્મથી કોઈ બંધન આવતું નથી. કાર્ય કરવામાં સુખની આશા ન રાખો કે દુઃખનો ભય ન રાખો. મન અને શરીર કર્મ કરે છે, ‘હું’ નહીં. આ બાબત તમે સતત તમારી જાતને સમજાવ્યા કરો અને તેનો અનુભવ કરો. તમે કામ કરો છો તે ન જાણવાનો પ્રયાસ કરો.
જે કંઈ કરો તે બધું યજ્ઞરૂપે કે ઈશ્વરને સમર્પણરૂપે કરો. સંસારમાં રહો ભલે, પણ સંસારના થઈને ન રહો. કમળના પાંદડાની જેમ રહો. કમળનું મૂળ કીચડમાં છે, પણ તે સર્વદા અલિપ્ત રહે છે. લોકો તમને ગમે તે કરે છતાં તમારો પ્રેમ સૌને આપો. અંધ મનુષ્ય રંગ નથી જોઈ શકતો, તે જ પ્રમાણે અનિષ્ટ આપણામાં ન હોય તો આપણે તે કેવી રીતે જોઈ શકીએ? બહાર જે આપણે જોઈએ છીએ તેને આપણી અંદર જે છે તેની સાથે સરખાવીએ છીએ અને તે મુજબ આપણે નિર્ણય આપીએ છીએ. આપણે જો પવિત્ર હોઈએ તો અપવિત્રતા દેખાશે નહીં. સંભવ છે કે તે હોય, પણ તે આપણા માટે નહીં. દરેક પુરુષ, સ્ત્રી કે બાળકમાં ઈશ્વરને જુઓ. તેને ‘અંતર્જ્યોતિ’થી જુઓ; અને તે જોઈશું તો પછી આપણે બીજું કંઈ જોઈ નહીં શકીએ. આ સંસારને ઇચ્છો નહિ, કારણ કે તમે જેની ઇચ્છા રાખો તે તમને મળે. ઇચ્છા માત્ર ઈશ્વરની અને કેવળ ઈશ્વરની જ રાખો. જેમ જેમ સત્તા વધારે તેમ તેમ બંધન વિશેષ અને ભય પણ વિશેષ. કીડી કરતાં આપણે કેટલા બધા વધુ ડરેલા અને દુઃખી છીએ! એ બધામાંથી બહાર નીકળો અને ઈશ્વર પાસે આવો. સ્રષ્ટાનું વિજ્ઞાન શોધો, સૃષ્ટિનું નહીં.
‘કર્તા તથા કાર્ય હું જ છું.’
‘કામ અને ક્રોધના આવેગને જે રોકી શકે, તે મહાન યોગી.’
‘અભ્યાસ અને અનાસક્તિથી જ આપણે મન ઉપર વિજય મેળવી શકીએ.’
* * *
આપણા હિંદુ પૂર્વજો શાંતિથી બેસીને ઈશ્વર અને નીતિધર્મના વિચાર કરતા; આપણને પણ તે જ પ્રમાણે તે જ ધ્યેય માટે બુદ્ધિ આપવામાં આવી છે; પૈસાના લોભની દોડધામમાં આપણે ઈશ્વર અને નીતિધર્મ બેઉને ગુમાવીએ એવો સંભવ છે.
* * *
શરીરમાં પોતાને નીરોગી બનાવવાની અમુક એક શક્તિ રહેલી છે; ઘણી બાબતો – જેવી કે માનસિક અવસ્થાઓ, ઔષધિઓ, આસનો, વગેરે – તેની આ રોગનિવારક શક્તિને જગાડીને કાર્યપ્રવણ બનાવી શકે છે. જ્યાં સુધી આપણે ભૌતિક પરિસ્થિતિઓથી હેરાન થઈએ છીએ ત્યાં સુધી ભૌતિક સાધનોની મદદ આપણને જરૂરની છે. જ્યાં સુધી આપણે જ્ઞાનતંતુઓના બંધનથી મુક્ત ન થઈ શકીએ ત્યાં સુધી આપણે ભૌતિક સાધનોની ઉપેક્ષા કરી ન શકીએ.
અવચેતન મન છે ખરું, પણ તે ચેતનાની નીચે છે અને ચેતના શરીર રચનાનો માત્ર એક ભાગ છે. તત્ત્વજ્ઞાન એ મન વિશેની અટકળ-ક્રિયા છે. ધર્મ ઇંદ્રિયોના સંબંધ ઉપર, અનુભવ ઉપર આધારિત છે, જ્ઞાનની એ એકમાત્ર ભૂમિકા છે. અતિચેતન મનની સાથે જે સંબંધમાં આવે તે જ હકીકત છે. જેમણે ધર્મનો ‘અનુભવ’ કર્યો છે તેઓ ‘આપ્ત’ કહેવાય છે. તેમનો પુરાવો એ છે કે જો તમે તેમની રીતને અનુસરો તો તમે પણ તેનો અનુભવ કરી શકો. દરેક શાસ્ત્રને તેની પોતાની ખાસ પદ્ધતિ અને સાધનોની આવશ્યકતા હોય છે. રસોડાનાં વાસણોની સહાયથી કોઈ ખગોળશાસ્ત્રી તમને શનિની આસપાસનાં વર્તુળો બતાવી ન શકે; તેને દૂરબીનની જ જરૂર રહે. તેવી જ રીતે ધર્મની મહાન હકીકતો જાણવા માટે જે લોકોએ તે જાણી છે, તેમની પદ્ધતિઓને અનુસરવું જોઈએ. શાસ્ત્ર જેટલું મહાન તેટલાં તેનો અભ્યાસ કરવાનાં સાધનો વધારે વિવિધ. આપણે દુનિયામાં આવ્યા તે પહેલાં તેની બહાર નીકળી જવાનાં સાધનો પણ ઈશ્વરે આપ્યાં છે; તેથી આપણે તો માત્ર આ સાધનો શોધી કાઢવાનું જ કામ કરવાનું છે. રીત અંગે ઝઘડો ન રાખો. માત્ર સાક્ષાત્કાર કરવા તરફ નજર રાખો અને તમને અનુકૂળ લાગે તેવી ઉત્તમ રીત પસંદ કરો. તમે કેરી ખાવા માંડો; ટોપલા માટે બીજાઓને ઝઘડવા દો. ઈશુનાં દર્શન કરો, એટલે પછી તમે ખ્રિસ્તી બનશો. બાકીનું બધું વાતોનાં વડાં છે; જેમ ઓછી વાતો કરીએ તેમ સારું.
સંદેશો સંદેશવાહક બનાવે છે; ઈશ્વર મંદિર રચે છે, મંદિર ઈશ્વરને રચી ન શકે.
શ્વેતકેતુના મુખ દ્વારા બ્રહ્મનો મહિમા પ્રકાશી રહ્યો હતો તેમ ‘જ્યાં સુધી તમારા મુખ દ્વારા તે પ્રકાશે નહીં ત્યાં સુધી’ સાધના કરો.
એક અનુમાનની સામે બીજું અનુમાન ઝઘડો ઊભો કરી શકે; પણ જો તમે તમારા પ્રત્યક્ષ અનુભવની વાત કરો તો કોઈ માનવહૃદય તેનો વિરોધ નહિ કરી શકે. સંત પોલનું ધર્મપરિવર્તન તેની ઇચ્છા વિરુદ્ધ સાક્ષાત્કાર દ્વારા થયું હતું.
આ પુસ્તક ઓનલાઇન ખરીદો



