
આપણી અંદરની શક્તિઓને આદર્શ પર સ્થિર કરવા માટેની ઈશુઓ અને બુદ્ધો એ તો એક પરિસ્થિતિ માત્ર છે. ખરું જોતાં તો આપણે જ આપણી પોતાની પ્રાર્થનાઓનો ઉત્તર આપીએ છીએ.
જો ઈશુ કદીય જન્મ્યા ન હોત તો માનવજાતનો ઉદ્ધાર જ થયો ન હોત, એમ માનવું એ તો ઈશ્વરની નિંદા કર્યાનું પાપ છે. માનવસ્વભાવમાં રહેલી દિવ્યતાને આ રીતે ભૂલી જવી તે ભયંકર બાબત છે, કારણ કે તે દિવ્યતા તો બહાર આવવાની જ છે. માનવ – સ્વભાવમાં રહેલી મહત્તાને કદીય ભૂલશો નહિ. ભૂતકાળમાં કદી થયો હોય અને ભવિષ્યમાં કદી થવાનો હોય તેવો ઈશ્વર આપણે જ છીએ. જે અનંત સાગર ‘હું છું’ તેના ઈશુઓ અને બુદ્ધો તો તરંગો માત્ર છે. તમારા પોતાના ઉચ્ચ આત્મા સિવાય બીજા કશાની પાસે નીચા નમો નહિ. તમે પોતે જ દેવાધિદેવ છો. જ્યાં સુધી એમ તમે જાણો નહિ ત્યાં સુધી તમારે માટે કોઈ જાતની મુક્તિ છે નહિ.
આપણાં સઘળાં ગતકર્મો ખરેખર સારાં છે, કારણ કે આપણે અંતે જે થવાના છીએ તે તરફ તે બધાં દોરી જાય છે. કોની પાસે માગવું? હું જ સાચું અસ્તિત્વ છું અને હું છું, તે સિવાયનું બીજું બધું સ્વપ્ન છે. હું જ સમગ્ર સાગર છું; જે નાનકડો તરંગ તમે ઊભો કર્યો છે તેને ‘હું’ કહીને ન સંબોધો; તેને તો તરંગ સિવાય બીજું કંઈ જ સમજો નહિ. સત્યકામે પોતાના અંતરના અવાજને એમ કહેતો સાંભળ્યોઃ ‘તું અનંત છો; સમષ્ટિ ચૈતન્ય તારામાં છે. તારી જાત ઉપર સંયમ રાખ અને તારા સાચા આત્માના અવાજને સાંભળ.’
જેઓ મહાન વિચારોની ધારણા કરે છે અને તે દ્વારા જેઓ જગતને સહાયક બનીને પવિત્ર, શાંત જીવન ગાળે છે, તેમના કરતાં જે મહાન આચાર્યો પ્રચારનું કામ કરે છે તેમણે ઓછા પૂર્ણ થવું પડે છે. આ મહાન શાંત પુરુષો, એક પછી એક ચાલ્યા જઈને, અંતિમ પરિણામરૂપે શક્તિમાન પ્રચારકને ઉત્પન્ન કરે છે.
* * *
જ્ઞાન તો છે જ; માનવી તેને માત્ર શોધી કાઢે છે. વેદો અનંત જ્ઞાન છે કે જેના દ્વારા ઈશ્વરે જગતનું સર્જન કર્યું. તેઓ મહાન તત્ત્વજ્ઞાનની, સર્વોચ્ચ તત્ત્વજ્ઞાનની વાતો કરે છે અને આવો જબરજસ્ત દાવો આગળ ધરે છે…
* * *
નુકસાન કરે કે ન કરે, તો પણ હિંમતપૂર્વક સત્ય જ બોલો; કદીય નિર્બળતાને ન પંપાળો. જો બુદ્ધિશાળી માણસોને સત્ય આકરું લાગે અને તેમને વાળી ઝૂડીને ફેંકી દે, તો તેમને જવા દો; તેઓ જેમ જલદી જાય તેમ જ સારું. છોકરમતભર્યા વિચારો બાળકો અને જંગલીઓ માટે છે; અને આ બાળકો અને જંગલીઓ કંઈ પારણામાં કે જંગલમાં જ છે એમ નથી; કેટલાક તો ઉપદેશક બની બેઠા છે.
આધ્યાત્મિક વિકાસ સાધ્યા પછી કોઈ સંપ્રદાયમાં પડ્યા રહેવું સારું નથી. બહાર આવો અને મુક્તિની ખુલ્લી હવામાં દેહ છોડો.
પ્રગતિ માત્ર સાપેક્ષ દુનિયામાં છે. માનવ-શરીર સર્વોચ્ચ છે અને મનુષ્ય સૌથી મહાન પ્રાણી છે, કારણ કે અહીં અને હમણાં જ આપણે સાપેક્ષ જગતથી સંપૂર્ણ રીતે છુટકારો મેળવી શકીએ છીએ, ખરેખર મુક્તિ મેળવી શકીએ છીએ અને ધ્યેય આ જ છે. આપણે પૂર્ણતા મેળવી શકીએ એટલું જ નહીં, કેટલાકે તો તે મેળવી પણ છે; તેથી ગમે તેવાં સૂક્ષ્મ શરીરો આવે તેનો વાંધો નહીં, પણ તેઓ માત્ર સાપેક્ષ ભૂમિકા ઉપર જ હોય અને આપણે જે કરી શકીએ તેનાથી તેઓ કંઈ જ વિશેષ કરી ન શકે, કારણ મુક્તિ મેળવવી એ જ કરી શકાય તેવું વધારેમાં વધારે મોટું કામ છે.
દેવો કદીય દુષ્ટ કર્મો કરતા નથી, તેથી તેમને સજા થતી નથી અને તેથી તેમના ઉદ્ધારનો પ્રશ્ન પણ કદી ઊભો થતો નથી. પ્રહારો જ આપણને જાગ્રત કરે છે અને સ્વપ્નનો ભ્રમ તોડવામાં પણ તેઓ જ મદદ કરે છે. તેઓ આપણને આ જગતની અપૂર્ણતા દાખવે છે અને મુક્તિ મેળવવાની, સ્વતંત્ર થવાની ઇચ્છા ઊભી કરે છે…
* * *
એક ચીજ જ્યારે અસ્પષ્ટ રીતે દેખાય ત્યારે તેને આપણે એક નામે ઓળખીએ છીએ; જ્યારે તે જ વસ્તુ સ્પષ્ટ રીતે દેખાય ત્યારે તેને બીજે નામે ઓળખીએ છીએ. સ્વભાવની નૈતિક કક્ષા જેટલી ઊંચી તેટલું સંવેદન ઊંચું અને તેટલી ઇચ્છાશક્તિ પ્રબળ.
આ પુસ્તક ઓનલાઇન ખરીદો



