સામાન્ય રીતે કહીએ તો માનવીના ધર્મની શરૂઆત ભયથી થાય છે. ‘ઈશ્વરનો ડર એ જ્ઞાનનો આરંભ છે,’ પણ પાછળથી ઉચ્ચ વિચાર આવે છે ‘પૂર્ણ પ્રેમ ભયને પણ ફગાવી દે છે.’ જ્યાં સુધી આપણને જ્ઞાન નહીં મળે, ઈશ્વર શું છે તે જાણી નહીં શકીએ, ત્યાં સુધી ભયનો અંશ રહેવાનો. ઈશુ માનવ હતા એટલે એમને અપવિત્રતા જોવી પડી અને તેનો તિરસ્કાર કર્યો. પણ ઈશ્વર અનંતગણો ઉચ્ચ હોવાથી તે દુષ્ટતા દેખતો નથી અને તેથી તે ગુસ્સે પણ ન થઈ શકે. કોઈને ઉતારી પાડવું તેમાં કોઈ મહત્તા જ નથી. ડેવિડના હાથ લોહીથી ખરડાયેલા હતા તેથી દેવળ બાંધી શક્યો નહીં. (બાઇબલ; સેમ્યુઅલ; પ્રકરણ ૧૭ને છેડે.)

જેમ જેમ આપણે પ્રેમ, સદ્ગુણ અને પવિત્રતામાં આગળ વધીએ તેમ તેમ આપણે બહાર પ્રેમ, સદ્ગુણ અને પવિત્રતા વધારે જોવા લાગીએ. બીજાઓનો તિરસ્કાર કરવામાં વાસ્તવિક રીતે આપણે આપણો જ તિરસ્કાર કરીએ છીએ. વ્યષ્ટિને વ્યવસ્થિત બનાવો (એ તમારા હાથની વાત છે) એટલે સમષ્ટિ આપોઆપ તમારે માટે અનુકૂળ બનશે. તે જળ સમતોલના વિરોધાભાસી નિયમ જેવું છે કે જેમાં પાણીનું એક ટીપું આખા વિશ્વને સમતુલામાં રાખી શકે. આપણે અંદર જે ન હોઈએ તે બહાર જોઈ ન શકીએ. નાના એન્જિનની સરખામણીમાં જેમ મોટું એન્જિન છે તેમ આપણી સરખામણીમાં વિશ્વ છે. નાના એન્જિનમાં કંઈ પણ ખામીની સૂચના મોટાની અંદર પણ તેવી ખામીની કલ્પના ઊભી કરે છે.

દુનિયામાં વિકાસનું જે જે પગલું ખરેખર લાભદાયી નીવડ્યું છે તે કેવળ પ્રેમથી જ સાધ્ય કરાયું છે. ટીકા કરવાથી કંઈ સારું થતું નથી; હજારો વર્ષો સુધી તેની અજમાયશ કરવામાં આવી છે. તિરસ્કારથી કોઈ કાર્ય સિદ્ધ થતું નથી.

સાચા વેદાંતીએ બધા પ્રત્યે સહાનુભૂતિ રાખવી જોઈએ. અદ્વૈતવાદ કે નિર્વિશેષ એકતા વેદાંતનો આત્મા છે. દ્વૈતવાદીઓ સ્વાભાવિક રીતે જ અસહિષ્ણુ થવાનું, પોતાનો માર્ગ જ એક માત્ર ખરો માર્ગ છે, એવું માનવાનું વલણ ધરાવે છે. ભારતમાંના દ્વૈતવાદી વૈષ્ણવોનો સંપ્રદાય ઘણો અસહિષ્ણુ છે. બીજો એક દ્વૈતવાદી પંથ છે શૈેવોનો. તેમનામાં ઘંટાકર્ણની, એટલે કાને બાંધેલા ઘંટવાળા એક ભક્તની કથા કહેવામાં આવે છે. તે શિવનો એવો ચુસ્ત ભક્ત હતો કે બીજા દેવોનું નામ સાંભળવા પણ માગતો ન હતો; તેથી બીજા ઈશ્વરી નામોચ્ચારવાળો કોઈ પણ શબ્દ સંભળાતો અટકાવવા માટે તેણે પોતાના બંને કાન આગળ ઘંટડીઓ બાંધી હતી. શિવ પ્રત્યેની તેની અનન્ય નિષ્ઠાને કારણે, શિવ અને વિષ્ણુમાં કોઈ ભેદ નથી તે તેને સમજાવવાની શિવને ઇચ્છા થઈ; તેથી તેઓ ઘંટાકર્ણની પાસે અર્ધા વિષ્ણુ અને અર્ધા શિવ એવા સ્વરૂપે પ્રગટ થયા. તે સમયે ભક્ત ઘંટાકર્ણ શિવની ધૂપથી પૂજા કરી રહ્યો હતો. પણ ઘંટાકર્ણની એવી તો ધર્માંધતા હતી કે જ્યારે ધૂપની સુગંધ વિષ્ણુની નાસિકામાં પ્રવેશે છે, એમ તેણે જોયું ત્યારે તેણે ધૂપની મીઠી સુગંધનો ઉપભોગ વિષ્ણુને ન કરવા દેવા માટે વિષ્ણુના નાકમાં આંગળી ખોસી દીધી…

* * *

માંસાહારી પ્રાણી – દાખલા તરીકે સિંહ એક પ્રહાર કરી લે પછી ‘શાંત થાય છે,’ પણ ધૈર્યવાળો બળદ આખો દિવસ ચાલ્યા જ કરે છે અને ચાલતાં ચાલતાં ચરતો જાય છે ને ઊંઘે પણ છે. ‘ચપળ યાન્કી’ ભાતખાઉ ચીની મજૂરની સાથે હરીફાઈ નહીં કરી શકે. જ્યાં સુધી લશ્કરી સત્તાનું પ્રાબલ્ય છે ત્યાં સુધી માંસાહાર પ્રબળ રહેશે. પણ વિજ્ઞાનના વિકાસની સાથે લડાઈ ઓછી થશે અને પછી નિરામિષતા આવશે.

* * *

ઈશ્વરને ચાહવા માટે આપણે પોતે જ બે ભાગમાં વહેંચાઈએ છીએઃ હું પોતે મારા આત્માને ચાહનારો બનું છું. ઈશ્વરે મને સર્જ્યો છે અને મેં ઈશ્વરને સર્જ્યો છે. આપણે ઈશ્વરને આપણી પ્રતિકૃતિ રૂપે ઉત્પન્ન કરીએ છીએ; તેને આપણા અધિપતિ તરીકે સર્જનાર આપણે જ છીએ, ઈશ્વરે આપણને તેના દાસ બનાવ્યા નથી. જ્યારે આપણે જાણીએ છીએ કે આપણે ઈશ્વર સાથે એક છીએ, આપણે અને ઈશ્વર મિત્રો છીએ, ત્યારે સમાનતા અને સ્વાતંત્ર્ય આવે છે. જ્યાં સુધી તમે પોતાને આ સનાતન પુરુષથી એક વાળ જેટલાય જુદા ગણશો ત્યાં સુધી ભય જઈ શકશે નહીં.

એથી દુનિયાનું શું ભલું થશે? તેવો મૂર્ખાઈભર્યો પ્રશ્ન કદીય પૂછશો નહીં. દુનિયાને ચાલે છે તેમ ચાલવા દો. પ્રેમ રાખો, કંઈ માગો નહીં; પ્રેમ રાખો, તેથી વધુ કંઈ ઇચ્છા રાખો નહીં; પ્રેમ રાખો અને બધા ‘વાદો’ને ભૂલી જાઓ. પ્રેમની પ્યાલી પીઓ અને મસ્ત બનો. કહો કે ‘હે પ્રભુ! હું તારો છું, સર્વદા તારો જ છું.’ બીજું બધું ભૂલીને બસ ઝુકાવો. ઈશ્વરનો વિચાર પોતે જ પ્રેમ છે. બિલાડી પોતાનાં બચ્ચાં પર વહાલ કરતી હોય ત્યારે તે જોયા કરો અને પ્રાર્થના કરો. ઈશ્વર ત્યાં પ્રગટ થયો છે; આ અક્ષરશઃ માનો. વારંવાર કહોઃ ‘હું તારો છું, હું તારો છું,’ કારણ કે આપણે જોઈ શકીએ છીએ કે ઈશ્વર સર્વત્ર છે. તેની શોધ કરવા જાઓ નહીં; માત્ર તેને જુઓ જ.

‘વિશ્વજ્યોતિ, વિશ્વાત્મા ઈશ્વર તમને સદા દીર્ઘાયુ કરો!’…

* * *

નિર્વિશેષની ઉપાસના કરી શકાય નહિ, તેથી આપણે પોતપોતાના સ્વભાવ અનુસાર કોઈ પ્રગટ રૂપની ઉપાસના કરવી જોઈએ. જિસસમાં આપણા જેવો સ્વભાવ હતો; તે ક્રાઈસ્ટ બન્યા. તે જ પ્રમાણે આપણે થઈ શકીએ અને થવું ‘જ’ જોઈએ. ઈશુ અને બુદ્ધ તો જે સ્થિતિએ પહોંચવાનું છે તે સ્થિતિનાં નામ છે; જિસસ અને ગૌતમ એ તેને પ્રગટ કરનારા મનુષ્યો હતા. પ્રથમ અને સર્વોચ્ચ અભિવ્યક્તિ એ ‘મા’ છે; પછી આવે ઈશુ અને બુદ્ધ. આપણે આપણું વાતાવરણ ઘડીએ અને બેડીઓ તોડીએ. આત્મા નિર્ભય છે. જ્યારે આપણે આપણી બહાર ઈશ્વરને ભજીએ છીએ ત્યારે તે સારું છે, પણ આપણે શું કરીએ છીએ એ આપણે જાણતા નથી. જ્યારે આત્માને જાણીએ છીએ ત્યારે આપણે તે સમજીએ છીએ. પ્રેમનું સર્વોચ્ચ પ્રાગટય ઐક્યમાં છે.

‘એક એવો સમય હતો, જ્યારે

હું સ્ત્રી હતી અને તે પુરુષ હતો;

છતાં પ્રેમ વિકાસ પામ્યો અને પછી

ન રહ્યો તે અને ન રહી હું!

એક સમયે બે હતાંઃ માત્ર

મને એ ઝાંખી સ્મૃતિ છે કે

પણ વચમાં આવ્યો પ્રેમ

અને તેમને એક બનાવ્યાં.’

– ફારસી સૂફી કાવ્ય.

જ્ઞાન નિત્ય છે અને ઈશ્વરની સાથે સદા વર્તમાન છે. જે માણસ આધ્યાત્મિક નિયમને શોધી કાઢે છે તે દ્રષ્ટા છે અને તે જે શોધે છે તે તેનું દર્શન છે. પરંતુ દર્શન પણ નિત્ય છે; તેને અંતિમ સત્ય તરીકે નક્કી કરી નાખીને આંધળું અનુકરણ કરવાનું નથી. હિંદુઓ તેમના પોતાના જ ધર્મની ટીકા કરવાની હિંમત કરે છે એમ કહીને તેના વિજેતાઓએ ઘણાં વર્ષો સુધી તેમની ટીકા કરી છે. પરંતુ આ વલણ જ તેમને સ્વતંત્ર બનાવે છે. તેમના પરદેશી રાજકર્તાઓએ અજાણપણે તેમનાં બંધનો કાપી નાખ્યાં. પૃથ્વી પરના ધાર્મિકમાં ધાર્મિક લોકો ગણાતા હિંદુઓને ઈશ્વરની પોતે નિંદા કરે છે એવો વિચાર જ આવતો નથી. પવિત્ર વસ્તુઓ વિશે ઠીક લાગે તેમ બોલવું તે પુણ્યકારી છે તેમ તેઓ માને છે; તેમને પેગંબરો, ધર્મગ્રંથો કે દંભી ધાર્મિક આચારો પ્રત્યે કશું કૃત્રિમ માન પણ નથી.

ખ્રિસ્તી (ધર્મ) સંપ્રદાય પોતે ઈશુને અનુરૂપ બનવા મથતો નથી; પણ ઈશુને પોતાને અનુરૂપ બનાવવા માગે છે. તેથી બાઇબલનાં જે લખાણો પોતાના અર્થને અનુકૂળ હતાં તેટલાં સાચવવામાં આવ્યાં. માટે જ ધર્મગ્રંથો ઉપર આધાર રાખી શકાય નહિ અને ગ્રંથપૂજા એ આપણે પગે સાંકળ બાંધનારી ખરાબમાં ખરાબ પ્રકારની પ્રતિમાપૂજા છે. વિજ્ઞાન, ધર્મ, ફિલસૂફી બધાંએ ધર્મગ્રંથને અનુરૂપ થવું જોઈએ! પ્રોટેસ્ટંટ પંથના બાઇબલનો આ ભયંકરમાં ભયંકર જુલમ છે. ખ્રિસ્તી દેશમાં દરેક દરેક માથે લાદેલું એક મોટું દેવળ છે અને તેની ઉપર એક ગ્રંથ છે; અને છતાંય મનુષ્ય જીવે છે અને વિકાસ પામે છે! આ ઉપરથી શું એ સિદ્ધ નથી થતું કે મનુષ્ય ઈશ્વર છે?

મનુષ્ય સૌથી ઉચ્ચ પ્રાણી છે અને આ લોક સૌથી મહાન લોક છે. આપણે ઈશ્વર વિશે માનવથી વધુ ઉચ્ચ ખ્યાલ બાંધી ન શકીએ; તેથી આપણો ઈશ્વર માનવ છે અને માનવ ઈશ્વર છે. જ્યારે આપણે ઊંચે ચઢીએ અને કંઈ વધુ ઉચ્ચ તત્ત્વને મેળવીએ, ત્યારે આપણે મન, શરીર અને કલ્પના, બધાંમાંથી બહાર નીકળી જવું પડે છે અને દુનિયા છોડવી પડે છે; જ્યારે આપણે નિર્વિશેષ તત્ત્વ પ્રત્યે પહોંચીએ છીએ ત્યારે આપણે આ દુનિયાના હોતા નથી. જે એકમાત્ર દુનિયા આપણે કદીયે જાણી શકીએ, તેના શિખરે માનવ ઊભો છે. પ્રાણીઓ વિશે આપણે જે કંઈ જાણીએ છીએ તે માત્ર સરખામણી દ્વારા જાણીએ છીએ. આપણે જે કરીએ અને અનુભવીએ છીએ તે પરથી આપણે તેમના વિશે ખ્યાલો બાંધીએ છીએ.

જ્ઞાનનો કુલ સરવાળો સર્વદા એકસરખો જ છે; માત્ર ક્વચિત્ તે વિશેષ પ્રમાણમાં તો ક્વચિત્ ઓછા પ્રમાણમાં પ્રકટ થાય છે. તેનું એકમાત્ર ઉત્પત્તિસ્થાન અંદર છે અને ત્યાં જ તે સાંપડે છે.

* * *

સઘળી કવિતા, સઘળી ચિત્રકળા અને સઘળું સંગીત, એ શબ્દ દ્વારા, રંગ દ્વારા અને સ્વર દ્વારા વ્યક્ત કરાયેલી ઊર્મિ જ છે.

* * *

જેમને પોતાના પાપનાં ફળ જલદી મળે છે તેઓ ધન્ય છે, કેમ કે તેમનો હિસાબ તેટલો વહેલો પતી જાય છે! જેમની સજામાં વિલંબ થાય તેમના ભોગ લાગ્યા ગણવા, કારણ કે તે તેટલી વધે છે!

જેમણે સમત્વ પ્રાપ્ત કર્યું છે તેઓ બ્રહ્મમાં સ્થિત કહેવાય છે. સર્વ પ્રકારનો ધિક્કાર એ ‘આત્માથી આત્માનો’ નાશ કરવા જેવું છે અને તેથી પ્રેમ એ જીવનનો કાનૂન છે. આ સ્થિતિએ પહોંચવું તેનું નામ પૂર્ણત્વ પ્રાપ્ત કરવું, પરંતુ આપણે જેટલા વધારે પૂર્ણ થઈએ તેટલી આપણી (કહેવાતી) પ્રવૃત્તિ ઓછી થાય. સાત્ત્વિક વૃત્તિવાળા પુરુષો જુએ છે અને જાણે છે કે આ બધું માત્ર બાળકના ખેલ જેવું છે અને તેથી તેઓ કોઈ પ્રકારની ઉપાધિમાં પડતા નથી.

પ્રહાર કરવો તો સહેલો છે પણ હાથને રોકવો, શાંત રહીને કહેવું કે ‘હે ઈશ્વર! હું તારે શરણે છું’ અને ઈશ્વર કરે તેની રાહ જોવી, એ અત્યંત દુષ્કર છે.

આ પુસ્તક ઓનલાઇન ખરીદો

About the author : eshop

Leave A Comment

Related posts

Popular products

Product categories