
રામાનુજાચાર્ય વિશ્વને ચિત્, અચિત્ અને ઈશ્વર – મનુષ્ય, પ્રકૃતિ અને ઈશ્વર – ચેતન, અવચેતન અને અતિચેતન એમ ત્રણ વિભાગમાં વહેંચી નાખે છે. તેની સામે શંકરાચાર્ય કહે છે કે ચિત્ એટલે કે આત્મા તે ઈશ્વર જ છે. ઈશ્વર સત્ય ‘છે’, જ્ઞાન ‘છે’, અનંત ‘છે’ જ; આ ગુણો નથી. ઈશ્વર વિશેનો કોઈ પણ વિચાર એ ગુણ છે; અને તેને વિશે જે કંઈ કહી શકાય તે છે માત્ર ‘ॐ तत्सत्’.
શંકરાચાર્ય આગળ ઉપર પૂછે છે કે અસ્તિત્વને બીજી કોઈ વસ્તુથી અલગ તમે જોઈ શકો છો? બે પદાર્થો વચ્ચેની ભિન્નતા ક્યાં છે? ઇંદ્રિયજ્ઞાનમાં નહીં, નહિતર તો તેમાં બધુંય એક થઈ જાત. આપણે ક્રમસર અનુભવ કરવો પડે છે. એક વસ્તુ જે છે તેનું જ્ઞાન મેળવવામાં આપણને તે વસ્તુ જે નથી એવું પણ કંઈક મળે છે. ભેદો બધા સ્મૃતિમાં રહેલા છે અને ત્યાં જે સંઘરાઈ રહેલું છે તેની સાથે તુલના કરવાથી ભેદોનું જ્ઞાન થાય છે. ભેદ વસ્તુના સ્વભાવમાં નથી, તે મગજમાં રહેલો છે. અખંડ વસ્તુ બહાર છે, ભેદો અંદર (મનમાં) છે. તેથી ‘બહુત્વ’નો ખ્યાલ મનની સૃષ્ટિ છે.
ભેદો અલગ અલગ હોવા છતાં જ્યારે એક જ પદાર્થમાં એકત્રિત થયેલા હોય ત્યારે ગુણો બને છે. ભેદ એ શું છે તે આપણે ચોક્કસ રીતે કહી શકીએ નહીં. વસ્તુઓમાં જે કંઈ આપણે જોઈએ કે અનુભવીએ તે કેવળ અસ્તિત્વ યાને ‘હોવાપણું’ માત્ર છે. બીજું બધું આપણામાં છે. આપણને કોઈ પણ વસ્તુનું એકમાત્ર ખાતરીપૂર્વકનું પ્રમાણ જો કંઈ હોય તો તે સત્તા (અસ્તિત્વ) છે. ભેદમાત્ર ખરી રીતે તો ‘ગૌણ સર્પ’ છે, જેમ દોરડી માંહેનો સર્પ; ત્યાં સર્પની પણ એક અમુક સત્તા તો હતી જ, કારણ કે ભલેને ખોટી રીતે દેખાયું પણ ત્યાં ‘કંઈક’ દેખાયું તો ખરું જ. જ્યારે રજ્જુ – જ્ઞાન બાધિત થાય છે ત્યારે સર્પજ્ઞાન સાચું થાય છે અને જ્યારે સર્પજ્ઞાન બાધિત થાય છે ત્યારે રજ્જુજ્ઞાન સાચું થાય છે. પરંતુ તમે માત્ર એક જ જુઓ છો તેથી અન્ય નથી એમ સિદ્ધ થતું નથી. જગત અંગેનો ખ્યાલ છે ઈશ્વરના વિચારને ઢાંકી દેતું એક આવરણ; તે ખ્યાલને દૂર કરવો જોઈએ, પણ તેનું અસ્તિત્વ તો છે જ.
આચાર્ય શંકર વળી કહે છે કે અનુભવ એ અસ્તિત્વનો અંતિમ પુરાવો છે. અસ્તિત્વ સ્વયંપ્રકાશિત અને સ્વયંજ્ઞાતા છે, કારણ કે ઇંદ્રિયોથી પર જવા માટે આપણને હજી પણ જ્ઞાનની જરૂર છે. જ્ઞાન સર્વ ઇંદ્રિયોથી, સર્વ સાધનોથી સ્વતંત્ર અને અબાધિત છે. જ્ઞાન વગર કોઈ પણ અનુભવ થઈ ન શકે; જ્ઞાનમાં સ્વયંપ્રકાશપણું છે. તે ઓછા પ્રમાણમાં હોય ત્યારે તેને ચેતના કહેવામાં આવે છે. સંવેદનાનું એક પણ કાર્ય અસંવેદન ન હોઈ શકે; ખરેખર તો સંવેદનનો સ્વભાવ જ ચેતના છે. અસ્તિત્વ અને સંવેદન એ એક જ વસ્તુ છે, એક સાથે જોડી દીધેલી બે વસ્તુઓ નથી. જેને કોઈ કારણની જરૂર ન હોય તે અનંત છે, તેથી જ્ઞાન પોતાનું અંતિમ પ્રમાણ હોવાથી તે નિત્ય છે. તે હંમેશાં અધિષ્ઠાન – લક્ષી છે; જ્ઞાન પોતે જ પોતાનો દ્રષ્ટા છે. જ્ઞાન મનમાં નથી પણ જ્ઞાન મનને લાવે છે. જ્ઞાન નિર્વિશેષ છે, એકમાત્ર જ્ઞાતા છે, તેથી જ્ઞાન એ ખરી રીતે આત્મા જ છે. જ્ઞાન પોતે જ જાણે છે, પણ આત્મા જ્ઞાતા ન થઈ શકે, કારણ કે ‘જ્ઞાતા’ જ્ઞાનની ક્રિયાથી જ્ઞાતા બને છે. પણ શંકરાચાર્ય કહે છે, ‘હું એ આત્મા નથી’ કારણ કે ‘હું’ (અહં) ભાન આત્મામાં નથી. આપણે એ આત્માનાં પ્રતિબિંબો માત્ર છીએ અને આત્મા અને બ્રહ્મ એક જ છે.
જ્યારે તમે નિર્વિશેષ (બ્રહ્મ)ની વાત કરો કે તેનો વિચાર કરો ત્યારે તમારે તે સાપેક્ષ ભાષામાં જ કરવી પડે છે, તેથી આ બધી તર્કયુક્ત દલીલો લાગુ પડે છે. યોગમાં સંવેદન અને સાક્ષાત્કાર એક જ છે. રામાનુજાચાર્ય જેના સમર્થક છે તે વિશિષ્ટાદ્વૈત એટલે આંશિક એકતાનું દર્શન અને અદ્વૈત તરફ જવાનું એક પગલું છે. વિશિષ્ટ એટલે જ ભિન્નત્વ. પ્રકૃતિ (પરિવર્તન પામવું) એ જગતનો સ્વભાવ છે, એટલે તેના ઉપર પરિવર્તન આવ્યા કરે છે. પરિવર્તનયુક્ત શબ્દોમાં વ્યક્ત થયેલા પરિવર્તનયુક્ત વિચારો નિર્વિશેષ વસ્તુને કદી સિદ્ધ ન કરી શકે. તમે માત્ર કોઈક એવા તત્ત્વને પામો કે જે અમુક ગુણોરહિત હોય, પણ બ્રહ્મ પોતે નહીં; માત્ર એક શાબ્દિક એકીકરણ, ઊંચામાં ઊંચો, અતિસૂક્ષ્મ ભાવ હોય, પણ સાપેક્ષના અસ્તિત્વનો અભાવ નહીં.
આ પુસ્તક ઓનલાઇન ખરીદો



