આપણે જ્યારે આપણી પોતાની જાતના વિચારોથી મુક્ત હોઈએ, ત્યારે આપણું શ્રેષ્ઠ કામ થાય છે, ત્યારે આપણો મહાનમાં મહાન પ્રભાવ પડે છે. સઘળા મેધાવી મનુષ્યો આ જાણે છે. આપણે તે એકમાત્ર દિવ્ય અભિનેતા (ઈશ્વર) તરફ હૃદય ખોલી નાખીને તેને પાઠ ભજવવા દઈએ; આપણે કંઈ ન કરીએ. શ્રીકૃષ્ણ કહે છેઃ ‘હે અર્જુન! આખા જગતમાં મારે કશું જ કર્તવ્ય નથી.’ (न मे पार्थास्ति कर्तव्यं त्रिषु लोकेषु किंचन। – ભગવદ્ ગીતા, ૩ઃ ૨૨) સંપૂર્ણપણે ઈશ્વરાધીન વૃત્તિ રાખો; સંપૂર્ણપણે ઉદાસીન રહો; ત્યારે જ તમે કંઈ પણ સાચું કાર્ય કરી શકશો. સાચાં બળોને કોઈ પણ આંખોથી દેખી શકાય નહીં; આપણે માત્ર પરિણામો જ જોઈ શકીએ. અહંતાને છોડો, તેને તજો, તેને ભૂલી જાઓ; ઈશ્વરને જ કામ કરવા દો. તે તેનું કામ છે. આપણે કંઈ કરવાનું જ નથી; માત્ર એક બાજુએ રહીને ઈશ્વરને કામ કરવા દેવાનું છે. જેટલા આપણે દૂર જઈશું, તેટલા ઈશ્વર સમીપ આવશે. નાનકડા ‘હું’નો ત્યાગ કરો અને માત્ર વિરાટ ‘અહમ્’ને રહેવા દો.

આપણા વિચારો જેવા આપણને બનાવે છે તેવા આપણે બનીએ છીએ. માટે તમે કેવા વિચાર કરો છો તેની કાળજી રાખો. શબ્દો ગૌણ છે. વિચારો જીવે છે, તે દૂર દૂર પ્રવાસ કરે છે. આપણે જે જે વિચાર કરીએ છીએ તેના ઉપર આપણા ચારિત્ર્યનો રંગ લાગ્યો હોય છે; માટે પવિત્ર અને સંત પુરુષોએ કરેલી મશ્કરી કે આપેલી ગાળોમાં પણ તેમનો પ્રેમ અને પવિત્રતાનો અંશ હશે અને તે તમારું ભલું કરશે.

કોઈ ચીજની ઇચ્છા ન રાખો. ઈશ્વરનું ચિંતન કરો અને કોઈ બદલાની આશા ન રાખો. જે નિષ્કામ હોય તે જ ફળ પામે છે. ભિક્ષાવૃત્તિથી રહેનારા સાધુઓ ઘેર ઘેર ધર્મ લઈ જાય છે; પણ તેઓ તો એમ જ માને છે કે તેઓ પોતે કંઈ કરતા નથી. તેઓ કોઈ માગણી કરતા નથી; તેમનું કામ અજ્ઞાત રીતે જ થયા કરે છે. જો તેઓ કર્તાપણારૂપી જ્ઞાનવૃક્ષનું ફળ ચાખે તો તે અહંકારી બની જાય અને જે કંઈ સારું તેઓ કરી રહ્યા હોય તે ઊડી જાય. જે ઘડીએ આપણે ‘હું’ કહીએ છીએ તે જ ઘડીએ આપણે હંમેશાં છેતરાઈએ છીએ અને આપણે તેને ‘જ્ઞેય’ કહીએ છીએ પણ તે તો ઘાણીના બળદની પેઠે ગોળગોળ ફરવા જેવું છે. ઈશ્વરે પોતાને ઉત્તમમાં ઉત્તમ રીતે છુપાવી રાખ્યો છે. એટલે તેનું કામ પણ ઉત્તમમાં ઉત્તમ છે. જેથી જે પોતાને શ્રેષ્ઠ રીતે છુપાવે છે તે જ શ્રેષ્ઠ રીતે કામ કરી શકે છે. તમારી ‘પોતાની જાત’ ઉપર વિજય મેળવો. એટલે સમગ્ર વિશ્વ તમારું છે.

સત્ત્વગુણ અવસ્થામાં આપણે વસ્તુમાત્રનું સાચું સ્વરૂપ જોઈ શકીએ છીએ, આપણે ઇંદ્રિયો અને તર્કથી પર જઈએ છીએ. આપણને અંદર પૂરી રાખનારી વજ્ર સમી દીવાલ તે અહંભાવ છે. ‘હું આ કરું છું, હું પેલું કરું છું, હું તે કરું છું’ એમ માનીને આપણે બધી વસ્તુઓને આપણી પોતાની સાથે જોડી દઈએ છીએ. આ ક્ષુદ્ર ‘હું’ને છોડો. આપણામાં રહેલી આ શેતાનિયતનો નાશ કરો. ‘હું નહીં પણ તું’ એમ કહો, એવો અનુભવ કરો અને તે પ્રમાણે જીવો. અહંકારે ઊભી કરેલી સૃષ્ટિને આપણે જ્યાં સુધી છોડીએ નહીં ત્યાં સુધી આપણે સ્વર્ગના સામ્રાજ્યમાં પ્રવેશ કરી શકીશું નહીં; કોઈએ પ્રવેશ કર્યો નથી, કોઈ તેમ કરી શકશે નહીં. દુનિયાનો ત્યાગ કરવો એટલે અહંભાવને વિસારે પાડવો, તેને જરા પણ જાણવો નહીં – ‘શરીરમાં’ રહેવું પણ ‘શરીરના’ બનીને નહીં. આ લુચ્ચા અહંકારનો સમૂળગો વિનાશ કરવો જોઈએ. માણસો જ્યારે તમારી નિંદા કરે ત્યારે તેમનું કલ્યાણ ઇચ્છો. તેઓ તમારું કેટલું બધું ભલું કરી રહ્યા છે તેનો ખ્યાલ કરો, તેઓ માત્ર પોતાની જાતને જ નુકસાન પહોંચાડી શકે. જ્યાં માણસો તમારો ધિક્કાર કરતા હોય ત્યાં પહોંચી જાઓ; તમારામાં રહેલા અહંભાવને તેમને હાંકી કાઢવા દો. એમ કરવાથી તમે ઈશ્વરની સમીપ જશો. વાંદરીની માફક જગતરૂપી આપણા ‘બાળક’ને બને તેટલા લાંબા કાળ સુધી આપણે કોટે વળગાડીએ છીએ; પણ છેવટે જ્યારે તેને આપણા પગ નીચે (સલામતી હોય ત્યાં સુધી વાંદરી બચ્ચા પર ખૂબ વહાલ દાખવે છે, પણ જ્યારે ભય આવી પડે ત્યારે પોતાનો જીવ બચાવવા તે પોતાના બચ્ચાને સુધ્ધાં પગ નીચે દાબીને ઉપર બેસતાં અચકાતી નથી.) દાબી દઈને તેની ઉપર બેસી જવાની આપણને ફરજ પડે છે, ત્યારે જ આપણે ઈશ્વરની સમીપ પહોંચવા તૈયાર લેખાઈએ. સત્યને માટે જુલમ સહન કરવો કલ્યાણકારક છે. જો આપણને વાંચતાં ન આવડે તો ધન્ય છીએ કારણ કે આપણી પાસે ઈશ્વરથી દૂર લઈ જનાર તેટલું ઓછું હશે.

ભોગવિલાસ હજાર ફેણવાળો નાગ છે; તેને આપણે પગ તળે કચડી નાખવો જોઈએ. આપણે ત્યાગ કરીએ છીએ અને આગળ જઈએ છીએ. પણ પછી કંઈ ન મળે ત્યારે નિરાશ થઈએ છીએ; પણ તેને વળગી રહો, ‘વળગી જ રહો.’ દુનિયા એક રાક્ષસ જેવી છે. તે એક એવું રાજ્ય છે કે જ્યાં ક્ષુદ્ર અહંકાર રાજા છે; તેને હઠાવી કાઢો અને દૃઢતાપૂર્વક ખડા રહો. કામ, કાંચન અને કીર્તિનો ત્યાગ કરો અને ઈશ્વરને વળગી રહો એટલે છેવટે આપણે સંપૂર્ણ ઉદાસીનવૃત્તિની સ્થિતિએ પહોંચીશું. ઇંદ્રિયોને સંતોષવામાં આનંદ છે, તે ખ્યાલ કેવળ જડવાદી છે; તેમાં સાચા આનંદની ચિનગારી સરખી નથી. તેમાં જે કંઈ આનંદ છે તે માત્ર ખરા આનંદનું પ્રતિબિંબ છે.

કહેવાતા કાર્યકરો કરતાં જેઓ પોતાની જાતને ઈશ્વરને સમર્પણ કરી દે છે તેઓ દુનિયા માટે ઘણું કરે છે. પોતાની જાતને સંપૂર્ણપણે જેણે પવિત્ર બનાવી હોય તેવો એક માણસ ઉપદેશકોની આખી ટોળી કરતાં વધારે કામ કરી જાય છે. ‘પવિત્રતા અને મૌનમાંથી નીકળતા બોલ ખૂબ શક્તિશાળી હોય છે.’

‘કમળ જેવા બનો; એક સ્થળે રહો, તમારી પાંખડીઓ ખીલવો; મધમાખીઓ આપોઆપ જાતે ત્યાં આવશે.’ શ્રી કેશવચંદ્ર સેન અને શ્રીરામકૃષ્ણ વચ્ચે ઘણો તફાવત હતો. શ્રી રામકૃષ્ણ દુનિયામાં કોઈ પાપ કે દુઃખને ઓળખતા ન હતા; તેમને સામનો કરવા યોગ્ય કોઈ અનિષ્ટ દેખાતું ન હતું. શ્રી કેશવચંદ્ર સેન મહાન નૈતિક સુધારક હતા, એક આગેવાન હતા, બ્રાહ્મસમાજના સ્થાપક હતા. બાર વર્ષને અંતે દક્ષિણેશ્વરના નીરવ અવતારે (શ્રીરામકૃષ્ણે) માત્ર ભારતમાં જ નહીં પણ જગત આખામાં ક્રાંતિ આણી હતી. જેઓ માત્ર જીવે છે અને પ્રેમ આપે છે અને પછી પોતાના વ્યક્તિત્વને પાછું ખેંચી લે છે, તેવા પ્રશાંત મહાત્માઓમાં જ શક્તિ હોય છે. તેઓ કદી ‘હું’ અને ‘મારું’ કહેતા નથી; માત્ર નિમિત્ત બનવામાં જ તેઓ પોતાને ધન્ય માને છે. ચિરંજીવ, ઈશ્વર સાથે પૂર્ણ રીતે એકત્વ પામેલા, આદર્શ જીવનવાળા, કંઈ ન માગતા, ઇચ્છાપૂર્વક કંઈ કામ ન કરતા આવા મનુષ્યો જ ઈશુઓ અને બુદ્ધોને બનાવનારા છે. તેઓ જ સાચા સંચાલકો છે, સાચા જીવનમુક્તો છે. તેઓ સંપૂર્ણ નિઃસ્વાર્થી હોય છે; તેમની ક્ષુદ્ર અહંતા સર્વાંશે વિલીન થઈ ગઈ હોય છે; કોઈ મહેચ્છા તેમનામાં હસ્તી ધરાવતી નથી હોતી. તેઓ સંપૂર્ણ રીતે સિદ્વાંતો રૂપે જ હોય છે, વ્યક્તિઓ નહીં.

આ પુસ્તક ઓનલાઇન ખરીદો

About the author : eshop

Leave A Comment

Related posts

Popular products

Product categories