ભારતમાં સાડ છ કરોડ મુસલમાનો છે, જેમાંના કેટલાક સૂફીઓ છે. (ભારતમાં ઈસ્લામ ધર્મ પર હિંદુ ધર્મની અસરથી સૂફી સંપ્રદાયની ઉત્પત્તિ થઈ) સૂફીઓ માનવીને ઈશ્વર સાથે એક ગણાવે છે; તેમના દ્વારા આ વિચાર યુરોપમાં પહોંચ્યો. તેઓ કહે છેઃ ‘હું તે સત્ય છું (અનલહક).’ પણ તેઓનો એક ગુપ્ત તેમજ ખુલ્લો સિદ્ધાંત છે, જેનો મહમદ સાહેબ પોતે સ્વીકાર કરતા ન હતા.

‘હશ્શાશીન’ શબ્દ અંગ્રેજીમાં ‘Assassin’ (એસ્સેસિન) શબ્દ બન્યો, કારણ કે મુસલમાનોનો એક પ્રાચીન સંપ્રદાય પોતાના ધર્મમાં નહીં માનનારાઓનો ઘાત કરતો. (ઈસવી સનના અગિયારમા સૈકામાં સીરિયામાં અસ્તિત્વ ધરાવતા અને પોતાના મુખીની ઇચ્છા પ્રમાણે તેના અનુયાયીઓ વડે ગુપ્ત રીતે સંખ્યાબંધ ખૂન કરવા માટે નામીચા એક લડાયક ધાર્મિક સંપ્રદાયનું નામ છે. ‘હશ્શાશીન’ શબ્દોનો અક્ષરશઃ અર્થ થાય છે હશીશ ખાનાર; એ સંપ્રદાયને એ શબ્દ લગાડવાનું કારણ એ હતું કે ખૂનીઓને તેમના ખૂનના કામમાં જોશ રહે એટલા ખાતર ‘હશ્શ’ નામની ખાસ ઔષધિનો ઉપયોગ કરવાની આદત પાડી હતી.)

ઈશ્વર વિશ્વને ભરી રહ્યો છે તે બતાવનાર પ્રતીક તરીકે મુસલમાની ઉપાસનામાં પાણીનો ઘડો હાજર રાખવો પડે છે.

હિંદુઓ દશ અવતારમાં માને છે; નવ થયા છે અને દશમો હજુ થવાનો છે.

* * *

પોતાના તત્ત્વજ્ઞાનને શાસ્ત્રગ્રંથોમાંના વિચારોનો આધાર છે એ સિદ્ધ કરવા આચાર્ય શંકર કેટલીક વખત તર્કજાળનો ઉપયોગ કરે છે. કોઈ પણ ઉપદેશક કરતાં બુદ્ધ વધારે બહાદુર અને અંતરથી સાચા હતા. તેઓ કહેતાઃ ‘કોઈ ગ્રંથને માનો નહીં. વેદો બધા ધતિંગ છે. જો શાસ્ત્રો મારી સાથે એકમત થાય તો તેટલું તેમને માટે સારું છે. મહાનમાં મહાન ગ્રંથ હું છું. યજ્ઞો અને પ્રાર્થનાઓ નકામાં છે.’ નીતિધર્મની એક સંપૂર્ણ પદ્ધતિ જગતને આપનાર પ્રથમ માનવી બુદ્ધ હતા. તે શુભની ખાતર શુભ હતા અને પ્રેમની ખાતર પ્રેમ કરતા.

શંકર કહે છેઃ ઈશ્વર અંગે તર્ક કરવાના છે કારણ કે વેદો તેમ કહે છે. તર્ક પ્રેરણાને મદદ કરે છે, ગ્રંથો અને સાક્ષાત્કારપૂર્વકનો તર્ક અથવા અનુભવ એ બંને ઈશ્વરની સાબિતીરૂપ છે. તેમના મત પ્રમાણે વેદો એક પ્રકારના વિશ્વજ્ઞાનના અવતાર જેવા છે. ઈશ્વરનું પ્રમાણ એ છે કે તેમણે વેદોને પ્રકટ કર્યા અને વેદોનું પ્રમાણ એ છે કે આવા અદ્ભુત ગ્રંથો બ્રહ્માએ જ આપ્યા હોવા જોઈએ. વેદો સમગ્ર જ્ઞાનની ખાણરૂપ છે; અને માણસ જેમ શ્વાસ બહાર કાઢે છે તેમ વેદો ઈશ્વરમાંથી આવ્યા છેઃ यस्य निःश्वसितं वेदाः। તેથી આપણે જાણીએ છીએ કે ઈશ્વરનું જ્ઞાન અને શક્તિ અનંત છે. તેણે જ જગતનું સર્જન કર્યું હોય કે ન કર્યું હોય, તે ક્ષુલ્લક બાબત છે; પણ વેદોને ઉત્પન્ન કર્યા તે વધારે અગત્યનું છે! જગત ઈશ્વરને વેદો દ્વારા જાણી શક્યું છે; બીજો કોઈ માર્ગ જ નથી.

અને વેદોના સર્વગ્રાહિત્વ વિશેની શંકરની માન્યતા એટલી બધી સર્વમાન્ય બની ગઈ છે કે એક હિંદુ કહેવત થઈ ગઈ છે કે જો કોઈ માણસની ગાય ખોવાઈ જાય તો તે તેને ખોળવા માટે વેદો પાસે પહોંચે!

આચાર્ય શંકર વળી એવો આગ્રહ રાખે છે કે કર્મકાંડનું પાલન એ જ્ઞાન નથી. જેમ ઝાડના ઠૂંઠાને એક માણસ ભૂત માની લે અને બીજો તેને તેના યથાર્થરૂપે જ જુએ, પરંતુ તેનાથી જેમ ઝાડના ઠૂંઠાને કંઈ અસર થતી નથી, તેમ જ નૈતિક ફરજોથી, યજ્ઞથી કે ક્રિયાકાંડથી અથવા આપણે શું વિચારીએ કે ન વિચારીએ તે બધાથી બ્રહ્મજ્ઞાન સ્વતંત્ર છે.

વેદાંતની આવશ્યકતા એટલા માટે છે કે ન તો તર્ક કે ન તો ગ્રંથો આપણને ઈશ્વરદર્શન કરાવી શકે. ઇંદ્રિયાતીત અનુભવથી જ ઈશ્વરનો સાક્ષાત્કાર કરી શકાય છે અને તે કેમ કરવો તે વેદાંત શીખવે છે. તમારે વ્યક્તિરૂપ ઈશ્વરથીયે પર જઈને નિર્વિશેષ બ્રહ્મને પહોંચવું જોઈએ. પ્રત્યેક જીવના અનુભવનો વિષય ઈશ્વર છેઃ અનુભવ કરવા યોગ્ય સર્વ કંઈ તે ઈશ્વર છે. જે ‘હું’ એમ કહે છે તે બ્રહ્મ છે; અને આપણે રાત ને દિવસ તેનો અનુભવ કરીએ છીએ, છતાં આપણે જાણતા નથી કે આપણે તેનો અનુભવ કરીએ છીએ. આ સત્યનું આપણને જ્ઞાન થતાં જ સર્વ દુઃખો ટળી જાય છે; તેથી આપણે સત્યનું જ્ઞાન મેળવવું જોઈએ. ઐક્યને પહોંચો, તો પછી દ્વૈતભાવ આવશે નહીં. જ્ઞાન યજ્ઞો કરવાથી આવતું નથી; માત્ર શોધવાથી, ઉપાસના કરવાથી અને આત્માને ઓળખવાથી આવે છે.

બ્રહ્મવિદ્યા એટલે બ્રહ્મને જાણવું એ સર્વોચ્ચ જ્ઞાન છે; વિજ્ઞાન એ એથી ઊતરતી કોટિનું જ્ઞાન છે. આ મુંડકોપનિષદ એટલે સંન્યાસીઓ માટેના ઉપનિષદનો ઉપદેશ છે. બ્રહ્મવિદ્યાના બે પ્રકાર છેઃ પરા અને અપરા. અપરા વિદ્યા વેદનો એ વિભાગ છે, જે પૂજા અને ક્રિયાકાંડ અને બધા વ્યાવહારિક જ્ઞાનને લગતો છે; તે ગૌણ છે. જેનાથી આપણે પરમ બ્રહ્મને પામીએ, તે આવશ્યક છે. બ્રહ્મ પોતાની પ્રકૃતિમાંથી સર્વનું સર્જન કરે છે; તેને સર્જન કરાવનારું બીજું કંઈ જ નથી. બહાર કંઈ નથી. સઘળી શક્તિ તે જ છે; જે બધું છે તે તે જ છે. જે વ્યક્તિ સઘળા યજ્ઞો પોતાને માટે એટલે કે આત્માને માટે કરે છે, એકમાત્ર તે જ બ્રહ્મને જાણે છે. મૂર્ખાઓ બાહ્ય ઉપાસનાને સર્વોચ્ચ માને છે; મૂર્ખાઓ માને છે કે કર્મથી આપણને ઈશ્વરપ્રાપ્તિ થાય છે. જેઓ સુષુમ્ણા (યોગીઓનો ‘માર્ગ’) દ્વારા જાય, તેઓ જ આત્માને પામે છે. જ્ઞાન મેળવવા માટે ગુરુ પાસે જવું જોઈએ. એકેએક વિભાગની પ્રકૃતિ, સમગ્રની જ હોય છે; બધું આત્મામાંથી આવે છે. ધ્યાન એ તીર છે; ઈશ્વર તરફ અભિમુખ સમગ્ર જીવાત્મા એ ધનુષ્ય છે; તે તીરને તેના લક્ષ્ય આત્મા પ્રત્યે વેગથી મોકલે છે. સાન્તરૂપે આપણે અનંતને કદી વ્યક્ત કરી ન શકીએ; પરંતુ આપણે જ અનંત છીએ. આ જાણીને આપણે કોઈ સાથે વાદમાં ઊતરતા નથી.

ભક્તિ, ધ્યાન અને પવિત્રતા દ્વારા દિવ્ય જ્ઞાન મળે છે. ‘सत्यमेव जयते नाऽनृतम्। सत्येन पन्थाः विततो देवयानः।’ અસત્ય નહીં પણ સત્ય એક જ વિજયી બને છે. સત્યમાં થઈને જ બ્રહ્મનો માર્ગ ગયેલો છે.’ માત્ર ત્યાં જ પ્રેમ અને સત્ય છે.

આ પુસ્તક ઓનલાઇન ખરીદો

About the author : eshop

Leave A Comment

Related posts

Popular products

Product categories