(શંકરાચાર્ય)

‘અપૂર્વ’ યાને અદૃષ્ટ કારણ અથવા સૂક્ષ્મ સંસ્કારોનો સમૂહ આપણને યજ્ઞ અને ભક્તિ તરફ લઈ જાય છે અને તેનાં પ્રત્યક્ષ પરિણામો આપે છે. પરંતુ મુક્તિ પ્રાપ્ત કરવા માટે આપણે પહેલાં બ્રહ્મનું શ્રવણ કરવું જોઈએ, પછી મનન કરવું જોઈએ અને પછી નિદિધ્યાસન કરવું જોઈએ.

કર્મોનું ફળ અને જ્ઞાનનું ફળ એ બે જુદી જુદી વસ્તુઓ છે. ‘કરો’ અને ‘કરો નહીં’ એ સમગ્ર નીતિનો પાયો – પાર્શ્વભૂમિકા છે; પણ તેનો સંબંધ માત્ર શરીર અને મનની સાથે જ છે. સઘળું સુખ અને સઘળું દુઃખ ઇંદ્રિયો સાથે અવિભાજ્ય રીતે સંકળાયેલું છે અને તેનો અનુભવ કરવા માટે શરીર આવશ્યક છે. શરીર જેટલું ઉચ્ચ, તેટલું નીતિનું પ્રમાણ વધારે – છેક બ્રહ્મા સુધી પણ; પરંતુ બધાને શરીર હોય છે. જ્યાં સુધી શરીર છે, ત્યાં સુધી સુખદુઃખનો અનુભવ થાય જ. માત્ર જ્યારે માણસ શરીરનો ત્યાગ કરે ત્યારે તેમાંથી મુક્તિ મેળવે. આત્મા અશરીરી છે એમ આચાર્ય શંકર કહે છે.

કોઈ નિયમ તમને મુક્ત નહીં બનાવી શકે; તમે મુક્ત જ છો. તમારી પાસે મુક્તિ ન હોય તો કોઈ પણ વસ્તુ તમને મુક્તિ આપી નહીં શકે. આત્મા સ્વયંપ્રકાશિત છે. કાર્યકારણ ત્યાં પહોંચતાં નથી અને એ વિદેહાવસ્થા જ મુક્તિ છે. જે કંઈ હતું અથવા છે અથવા થવાનું છે, તે બધાંથી પર બ્રહ્મ છે. મુક્તિ જો કોઈ વસ્તુનું કાર્ય હોત તો તેની કંઈ જ કિંમત ન હોત; તો તે એક મિશ્રણ હોત અને તેથી તેમાં બંધનનાં બીજ રહેત. એ એક જ સાચું તત્ત્વ છે કે જે પ્રાપ્ત કરવાનું નથી, પણ જે આત્માનો સ્વભાવ છે.

છતાં પણ આવરણ હટાવવા, બંધન અને ભ્રમને દૂર કરવા માટે કર્મ અને ભક્તિ આવશ્યક છે. તેઓ આપણને મુક્તિ નથી આપતાં; પણ તેમ છતાંય આપણા પોતાના પ્રયાસ વિના આપણે આંખો ઉઘાડતા નથી અને આપણે શું છીએ તે જોતા નથી. શંકરાચાર્ય વિશેષમાં કહે છે કે અદ્વૈત વેદાંત એ વેદોનો મુગટમણિ છે; પણ વેદોના નીચેના ભાગની પણ જરૂર છે, કારણ કે તેઓ કર્મ અને ભક્તિનો ઉપદેશ આપે છે અને તેમની દ્વારા ઘણા ઈશ્વર પાસે પહોંચે છે. બીજાઓ અદ્વૈત સિવાયની બીજી કોઈ પણ સાધના વિના ઈશ્વરને પામી શકે. કર્મ અને ભક્તિ અદ્વૈત જેવું જ પરિણામ લાવે છે.

ગ્રંથો ઈશ્વર વિશે કંઈ શીખવી શકે નહીં, પણ તેઓ અજ્ઞાનનો નાશ કરી શકે; તેઓનું કાર્ય નિષેધાત્મક છે. ગ્રંથોને વળગી રહેવું અને સાથોસાથ મુક્તિનો માર્ગ ખુલ્લો કરવો, તે આચાર્ય શંકરની મહાન સિદ્ધિ છે. પરંતુ આખરે તો તે એક જાતનું બહુ જ બારીક કાંતવા જેવું છે. પહેલાં મનુષ્યને કંઈ સ્થૂળ સત્ય આપો અને પછી ક્રમે ક્રમે તેને સર્વોચ્ચ ભૂમિકાએ લઈ જાઓ; જુદા જુદા સઘળા ધર્મોનો આ જ પ્રયાસ છે; અને તે તેમના અસ્તિત્વનું કારણ, તેમજ વિકાસની કોઈ એક ભૂમિકાને દરેક ધર્મ શા માટે યોગ્ય છે તે સમજાવે છે. ગ્રંથો જે અજ્ઞાનનો નાશ કરવામાં મદદરૂપ થાય છે તે જ અજ્ઞાનના તેઓ અંશરૂપ છે. તેમનું કર્તવ્ય જ્ઞાન ઉપર આવી ગયેલા અજ્ઞાનને દૂર કરવાનું છે. ‘સત્ય અસત્યને હાંકી કાઢશે.’ તમે મુક્ત છો જ; તમને મુક્ત બનાવી શકાય નહીં. જ્યાં સુધી તમારો કોઈ સંપ્રદાય હોય ત્યાં સુધી તમે ઈશ્વરને નહીં પામો. ‘પોતે જાણે છે એમ જે માને છે, તે કંઈ જ જાણતો નથી.’ જ્ઞાતાને કોણ જાણી શકે? બે સનાતન હકીકતો અસ્તિત્વ ધરાવે છેઃ ઈશ્વર અને જગત; ઈશ્વર પરિવર્તનરહિત છે, જગત પરિવર્તનશીલ છે. જગત સદા કાળ અસ્તિત્વ ધરાવે છે. જ્યાં તમારું મન પરિવર્તનની માત્રાને પકડી શકતું નથી, ત્યાં તમે તેને શાશ્વતતા કહો છો… તમે કાં તો શિલા જુઓ છો અને કાં તો તેના ઉપર કોતરેલું પૂતળું જુઓ છો, પણ બંનેને એકીસાથે જ નહીં જોઈ શકો; છતાં બંને એક જ છે.

* * *

એક ક્ષણને માટે પણ તમે પોતાને પ્રવૃત્તિરહિત બનાવી શકો છો? બધા યોગીઓ કહે છે કે તમે બનાવી શકો….

* * *

‘મોટામાં મોટું પાપ પોતાની જાતને નિર્બળ માનવી એ છે. તમારાથી વિશેષ મહાન કોઈ પણ છે જ નહીં.’ તમે બ્રહ્મ છો તેવો સાક્ષાત્કાર કરો. કોઈપણ વસ્તુને તમે જે આપો તેના કરતાં વધારે શક્તિ તેનામાં નથી. આપણે સૂર્યથી, તારાઓથી અને વિશ્વથી પર છીએ. મનુષ્યના ઈશ્વરત્વનો ઉપદેશ કરો. અનિષ્ટને નકારો; કોઈ અનિષ્ટને ઉત્પન્ન ન કરો. ખડા થઈને બોલો કે હું અધિપતિ છું, સહુનો અધિપતિ છું. આપણે સાંકળ ઘડીએ છીએ અને એકલા આપણે જ તેને તોડી શકીએ.

કોઈ પણ કર્મ તમને મુક્તિ ન આપી શકે. માત્ર જ્ઞાન જ તમને મુક્ત બનાવી શકે; જ્ઞાન અપરિહાર્ય છે. તેનો સ્વીકાર કે ત્યાગ એ મનના હાથની વાત નથી. જ્યારે જ્ઞાન આવે છે ત્યારે મનને તેનો સ્વીકાર કરવો જ પડે છે. તેથી જ્ઞાનનો સ્વીકાર કે અસ્વીકાર એ મનનું કામ નથી; માત્ર જ્ઞાનની અભિવ્યક્તિ મનમાં થાય છે.

કર્મ અગર ભક્તિનું કાર્ય તમને તમારા પોતાના સ્વરૂપ તરફ પાછા લાવવાનું છે. આત્મા શરીર છે એમ માનવું, તે સંપૂર્ણ રીતે એક ભ્રમણા છે; તેથી અહીં આ શરીરમાં રહેવા છતાં આપણે મુક્ત થઈ શકીએ. શરીરને આત્મા સાથે સમાનતા જેવું કંઈ જ નથી. સત્યને અસત્યરૂપે બતાવનાર છે ભ્રમ, ‘સાવ શૂન્ય’ નહીં.

આ પુસ્તક ઓનલાઇન ખરીદો

About the author : eshop

Leave A Comment

Related posts

Popular products

Product categories