
સંવેદન એ જ આપણું ખરું જ્ઞાન કે ધર્મ છે. તેના વિશે યુગો સુધી વાતો કર્યા કરો પણ તેથી કદીય આપણા આત્માનું જ્ઞાન થવાનું નથી. એકલા સિદ્ધાંતો અને નિરીશ્વરવાદ વચ્ચે કોઈ તફાવત નથી, હકીકતમાં નિરીશ્વરવાદી વધારે સાચો માણસ છે. જે પ્રત્યેક પગલું હું પ્રકાશમાં માંડું, તે સદાને માટે મારું જ છે; જ્યારે તમે કોઈ દેશમાં જાઓ અને જાતે જુઓ ત્યારે જ તે તમારો બને છે. આપણે દરેકે પોતે જ પોતા માટે જોવાનું છે. ગુરુઓ તો ‘આહાર લાવી આપે,’ પણ પોષણ મેળવવા માટે તો આપણે પોતે જ તે ખાવો જોઈએ. માત્ર એક તર્કપુરઃસરના નિર્ણયરૂપે દલીલ ઈશ્વરને સિદ્ધ કરી શકે; તે સિવાય કશું નહીં.
આપણી બહાર ઈશ્વરને શોધવો અશક્ય છે. આપણી બહાર જે બધી દિવ્યતા રહેલી છે, તેને આપનાર આપણા પોતાના આત્માઓ જ છે. આપણે જ મહાનમાં મહાન મંદિર છીએ. જ્ઞેયરૂપ આપવું તે આપણે પોતાની અંદર જ જે જોઈએ છીએ તેનું એક ઝાંખું પ્રતીક માત્ર છે.
આપણને ઈશ્વરના દર્શનમાં સહાયક થાય એવું એકમાત્ર સાધન તે મનની શક્તિઓની એકાગ્રતા છે. જો તમે એક આત્માને (તમારા આત્માને) જાણો, તો તમે ભૂતકાળના, વર્તમાનના અને ભવિષ્યના સર્વ આત્માઓને જાણો. ઇચ્છાશક્તિ મનને એકાગ્ર કરે છે અને આ ઇચ્છાશક્તિને તર્ક, પ્રેમ, ભક્તિ, પ્રાણાયામ વગેરે જેવી કેટલીક બાબતો ઉત્તેજિત કરે છે અને તેને કાબૂમાં પણ રાખે છે. એકાગ્ર થયેલું મન આપણા આત્માના દરેક ખૂણાને અજવાળીને બતાવનારો દીપક છે.
કોઈ પણ એક જ પદ્ધતિ સૌને અનુકૂળ ન આવે. બધી જુદી જુદી પદ્ધતિઓ કાંઈ એક પછી એક લેવાનાં આવશ્યક પગલાં નથી. ક્રિયાકાંડો નીચામાં નીચી કક્ષાનાં સ્વરૂપો છે; પછી બાહ્ય ઈશ્વર અને ત્યાર પછી અંદરનો ઈશ્વર આવે છે. કેટલાક કિસ્સાઓમાં ક્રમની જરૂર હોય, પણ ઘણામાં એક જ માર્ગ જરૂરનો હોય છે. દરેકને એમ કહેવું કે ‘જ્ઞાનની અવસ્થાએ તમે પહોંચો તે પહેલાં તમારે કર્મ અને ભક્તિમાંથી પસાર થવાનું છે’ એ મૂર્ખાઈની પરાકાષ્ઠા છે.
જ્યાં સુધી તમે કોઈ વધારે ઉચ્ચ અવસ્થાએ ન પહોંચો ત્યાં સુધી તમે તમારા તર્કને વળગી રહો, તમે વધુ ઉચ્ચ જાણી શકશો તેનું કારણ કે તે તમારા તર્ક સાથે વિસંવાદી નહીં હોય. ચેતન અવસ્થાથી પરની અવસ્થા છે સમાધિ. પણ ઉન્માદીપણાની મૂર્છાઓને સાચી વસ્તુ (સમાધિ) તરીકે ન સ્વીકારો. આ સમાધિનો ખોટી રીતે દાવો કરવો, સહજવૃત્તિને સમાધિ માનવાની ભૂલ કરવી, એ ભયંકર વસ્તુ છે. સમાધિ માટે બહારની કોઈ કસોટી નથી; તે અવસ્થાનો અનુભવ આપણને પોતાને જ થાય છે. ભૂલો સામે આપણને સાવચેત કરનાર રક્ષક નિષેધાત્મક તર્કનો અવાજ છે. ધર્મ સમૂળે તર્કથી પર જાય છે, પરંતુ ત્યાં પહોંચવા માટે તર્ક એક જ ભોમિયો છે. સહજવૃત્તિને બરફની ઉપમા આપી શકાય, તર્કને પાણી સાથે સરખાવી શકાય અને સમાધિને વરાળના સૂક્ષ્મમાં સૂક્ષ્મ સ્વરૂપ જેવી કહી શકાય. એક અવસ્થા બીજીને અનુસરે છે. સર્વત્ર આ સનાતન ક્રમ – અચેતન, ચેતન અને બુદ્ધિ – જડ પદાર્થ, શરીર અને મન – રહેલો જ છે; અને આપણને એમ લાગે છે કે આ સાંકળ, આપણે જે કડીને પહેલા વળગ્યા તે કડીથી શરૂ થઈ છે. બંને બાજુની દલીલો સરખી વજનદાર છે અને બંને સાચી છે. આપણે બંનેથી પર, જ્યાં એ બંનેમાંથી એકે ન હોય એવે સ્થળે, જવું જોઈએ. આ બધા ક્રમ માયા છે.
ધર્મ તર્કથી પર છે, પ્રકૃતિથી પર છે. શ્રદ્ધા એ માન્યતા નથી; તે પરમ તત્ત્વનું ગ્રહણ છે, પ્રકાશ છે. પ્રથમ શ્રવણ કરો; પછી મનન કરો; અને આત્મા વિશે તર્ક જે બધું આપી શકે તે બધુંય શોધી કાઢો. તર્કનાં પૂર તેના ઉપર વહેવા દો; પછી જે બાકી રહે તે સ્વીકારો. જો કંઈ જ ના રહે તો ઈશ્વરનો આભાર માનો કે તમે એક વહેમમાંથી બચી ગયા. જ્યારે તમને ખાતરી થાય કે આત્માને કોઈ લઈ જઈ ‘શકે’ નહીં કે તે સર્વ કસોટીમાંથી પાર ઊતરી શકે છે ત્યારે તેને વળગી રહો અને બધાને તેનો ઉપદેશ આપો. સત્ય પક્ષપાતી ન હોઈ શકે; તે સૌના ભલા માટે છે. છેવટે, પૂર્ણ સ્થિર અને શાંત થઈને તેનું નિદિધ્યાસન કરો, તમારા મનને તેના ઉપર એકાગ્ર કરો, તેની સાથે એક બનો, પછી કશું બોલવાની જરૂર નહીં રહે; મૌન જ સત્યની પ્રતીતિ કરાવશે. વાતોમાં તમારી શક્તિનો વ્યય ન કરો, પણ એકાંતમાં મૌનપૂર્વક ધ્યાન કરો; બહારની દુનિયાની ધમાલને તમારાથી દૂર રાખો, જેથી તે તમને ખલેલ ન પહોંચાડે. જ્યારે તમારું મન સર્વોચ્ચ અવસ્થામાં હશે ત્યારે તમને તેનું ભાન નહીં હોય. મૌન જાળવીને શક્તિ મેળવો અને આધ્યાત્મિક શક્તિના ઉત્પાદક યંત્ર જેવા (ડાયનેમો) બનો. ભિખારી શું આપી શકે? રાજા જ આપી શકે; અને રાજા પણ જ્યારે તેને પોતાને કંઈ જોઈતું ન હોય ત્યારે જ આપી શકે.
તમારી ધનસંપત્તિ ઈશ્વરની છે એમ ગણી તેના એક રક્ષક તરીકેની ભાવના કેળવો. તેના પ્રત્યે આસક્તિ ન રાખો. નામ, કીર્તિ અને પૈસાની પરવા ન કરો; તે એક ભયંકર બંધન છે. મુક્તિના અદ્ભુત વાતાવરણનો અનુભવ લો. તમે મુક્ત છો, મુક્ત છો, મુક્ત છો! ‘અરે, હું ધન્ય છું! હું મુક્તિ છું! હું અનંત છું! મારા આત્મામાં આદિ કે અંત ક્યાંય શોધ્યાં જડતાં નથી. સર્વ કંઈ મારો આત્મા છે.’ આવું નિરંતર રટણ કરો.
આ પુસ્તક ઓનલાઇન ખરીદો



