
જે પૂર્ણ યોગી છે તેવાને માટે યોગાભ્યાસથી આવતી સિદ્ધિઓ અડચણરૂપ નથી, પણ જે હજુ યોગમાં શરૂઆત કરનારો છે, તેને માટે તો તેમના પ્રયોગથી ઊપજતી નવાઈ અને મજા દ્વારા તે નડતરરૂપ બને છે. સિદ્ધિઓ એ યોગના અભ્યાસમાં મળતી સફળતાની નિશાનીઓ છે. વિવિધ સાધનો – જેવાં કે મંત્રજપ, યોગાભ્યાસ, ધ્યાન, ઉપવાસ અથવા વનસ્પતિ અને ઔષધોનાં – ઉપયોગથી પણ તે સિદ્ધિઓ આવી શકે છે. જે યોગીએ પોતાની મેળવેલી સિદ્ધિઓમાંના રસ પર વિજય મેળવ્યો છે અને પોતાના કર્મથી મળતા બધા પુણ્યનો ત્યાગ કર્યો છે તે धर्ममेघ નામની સમાધિની અવસ્થાએ પહોંચે છે અને જેમ વાદળું પાણી વરસાવે તેમ પવિત્રતા વરસાવે છે.
ધ્યાન વિષયોની શ્રેણી ઉપર થાય છે, ધારણા કે એકાગ્રતા એક જ વિષય પર હોય છે.
મન આત્મા વડે જાણી શકાય છે, પણ તે સ્વયં પ્રકાશિત નથી. આત્મા કોઈ પણ વસ્તુનું કારણ ન થઈ શકે. તે કેવી રીતે થઈ શકે? પ્રકૃતિ સાથે પુરુષ પોતાને જોડી કેમ શકે? તે જોડતો જ નથી. તે જોડાય છે એવી ધારણા કેવળ એક ભ્રમ છે…
* * *
કોઈની દયા ખાધા વિના, અગર કોઈ પણ દુઃખ છે તેવો ખ્યાલ લાવ્યા સિવાય મદદ કરતાં શીખો. મિત્ર અને શત્રુ પ્રત્યે સમાન ભાવ રાખતાં શીખો; જ્યારે તમે તેમ કરી શકશો અને તમારામાં કશી પણ ઇચ્છા નહીં રહે ત્યારે તમે લક્ષ્યે પહોંચી શકશો.
અનાસક્તિની કુહાડીથી ઇચ્છાઓના વટવૃક્ષને કાપી નાખો એટલે તે સંપૂર્ણપણે અદૃશ્ય થઈ જશે. તે કેવળ એક ભ્રમણા જ છે. ‘જેનામાંથી નિરાશા અને ભ્રમ નાશ પામ્યાં છે અને સંગરૂપી અનિષ્ટ પર જેણે વિજય મેળવ્યો છે, તે જ મુક્ત છે.’
કોઈને પણ અંગત રીતે ચાહવું તે બંધન છે. સૌને એકસરખી રીતે ચાહો, એટલે બધી ઇચ્છાઓ ટળી જશે.
‘સર્વનો ભક્ષક’ કાળ આવે છે અને બધાંને જવું પડે છે. દુનિયાને સુધારવાનો કે પતંગિયાને ચીતરવાનો શા માટે પ્રયાસ કરવો? અંતે તો તે બધાંનો નાશ થવાનો જ છે. રોજ કામ કરનારા પણ કદાપિ કંઈ પરિણામ નહીં લાવનારા માત્ર ચક્રાવામાં ભમ્યા કરતા સફેદ ઉંદરો જેવા ન બનો. દરેકે દરેક ઇચ્છા અનિષ્ટથી ભરેલી છે; પછી ભલે તે ઇચ્છા પોતે સારી હોય કે ખરાબ. એ તો નિરંતર દૂર રહ્યા કરતા એક માંસના ટુકડા માટે કૂદકો માર્યા કરતા કૂતરા જેવું અને છેવટે કૂતરાને મોતે મરવા જેવું છે; એના જેવા ન બનો. આશામાત્રનો ત્યાગ કરો.
* * *
પરમાત્મા માયાના સ્વામીરૂપે ઈશ્વર છે; પરમાત્મા માયાને આધીનરૂપે જીવ છે. અભિવ્યક્તિનો કુલ સરવાળો માયા છે અને તે સંપૂર્ણ રીતે અદૃશ્ય થઈ જશે.
વૃક્ષપણું એ માયા છે; વસ્તુતઃ તો એ માયાના આવરણ નીચે રહેલા ઈશ્વરને આપણે જોઈએ છીએ. કોઈ પણ બાબતનું ‘શા માટે’ (કારણ) માયામાં જ છે. માયા શા માટે આવી એ પ્રશ્ન જ નિરર્થક છે, કારણ કે માયામાં રહીને તે પ્રશ્નનો ઉત્તર કદી પણ આપી ન શકાય; અને માયાથી પર ગયા પછી તે પ્રશ્ન કોણ પૂછે? ‘શા માટે’ એટલે કે કારણને ઉત્પન્ન કરનારાં છે અનિષ્ટ, નહીં કે ‘શા માટે.’ એટલે કારણ અનિષ્ટને ઉત્પન્ન કરે છે અને અનિષ્ટ જ બધાં વિશે ‘શા માટે’ એવો સવાલ પૂછે છે. ભ્રમણા ભ્રમણાનો નાશ કરે છે. તર્ક વિરોધની ભૂમિકા ઉપર રચાયેલો હોવાથી તે પોતે જ એક વર્તુળ જેવો છે અને તેણે જ પોતાનો નાશ કરવો પડે છે. ઇંદ્રિયજન્ય જ્ઞાન પોતે એક અનુમાન છે અને છતાં બધાં અનુમાન ઇંદ્રિયજન્ય જ્ઞાનમાંથી જ આવે છે.
ઈશ્વરના પ્રકાશને પ્રતિબિંબિત કરવાને લીધે અજ્ઞાન દેખાય છે, પણ પોતાને સ્વરૂપે તે શૂન્ય છે. સૂર્યનો પ્રકાશ પડતો ન હોય તો વાદળું ન દેખાય.
ચાર મુસાફરો એક ઊંચી દીવાલ પાસે આવ્યા. પહેલો મુશ્કેલીથી તેની ઉપર ચડી ગયો અને પાછું જોયા વિના બીજી બાજુએ કૂદી પડ્યો. બીજો માંડ માંડ દીવાલ ઉપર ચડી ગયો, આજુબાજુ જોયું અને પછી આનંદની બૂમ મારીને દીવાલની પાછળ અદૃશ્ય થયો. ત્રીજો પણ ઉપર ચડ્યો; પોતાના આગલા સાથીદારો ક્યાં ગયા તે જોયું અને આનંદથી ખડખડાટ હસ્યો તથા તેમની પાછળ ગયો. પણ ચોથો પોતાના સાથીદારનું શું થયું તે કહેવા માટે પાછો આવ્યો. માયાની દીવાલ ઓળંગીને પેલે પાર ગયેલા મહાનુભાવો પાસેથી આવતું હાસ્ય એ માયાની દીવાલને પેલે પાર કંઈક છે તેની આપણને મળતી નિશાની છે.
* * *
નિર્વિશેષથી આપણી જાતને અલગ પાડવી તથા તેનામાં ગુણોનું આરોપણ કરવું, એ ક્રિયા આપણને ઈશ્વર આપે છે. એ આપણા મન દ્વારા દેખાતું વિશ્વનું સત્ય છે. શેતાન એ વહેમી માણસોના મન દ્વારા દેખાતું જગતનું દુઃખ છે.
આ પુસ્તક ઓનલાઇન ખરીદો



