
વિચાર અને જડ પદાર્થ વચ્ચેના સુમેળનું કારણ એ છે કે તેઓ બંને क्ष નામની એક જ ચીજની બે બાજુઓ છે, જે બાહ્ય અને આંતર એમ બે વિભાગમાં વહેંચાઈ જાય છે.
અંગ્રેજી શબ્દ ‘પેરેડાઈઝ’ (Paradise) સંસ્કૃત શબ્દ પરદેશમાંથી આવે છે; આ ‘परदेश’ શબ્દ પર્શિયન ભાષામાં લેવાયો, જેનો એ ભાષામાં અક્ષરશઃ અર્થ ‘પરભૂમિ’ અગર પરલોક એવો થાય છે. પ્રાચીન આર્યો હંમેશાં આત્મામાં માનતા; મનુષ્ય શરીર છે તેમ કદી ન માનતા. તેમનાં સ્વર્ગ અને નરક બધાં અલ્પકાલીન હતાં; કેમ કે કોઈપણ કાર્ય તેના કારણથી વધારે લાંબું ના ટકી શકે અને કોઈ પણ સનાતન નથી; માટે સઘળાં કાર્યોનો અંત લાવવો જ જોઈએ.
સમગ્ર વેદાંત ફિલસૂફીનો સાર નીચેની વાર્તામાં આવી જાય છેઃ સુવર્ણરંગી પીછાંવાળાં બે પક્ષીઓ એક જ વૃક્ષ ઉપર બેઠાં હતાં. ઉપરનું પક્ષી ગંભીર, ભવ્ય અને પોતાના મહિમામાં મગ્ન હતું, જ્યારે બીજું નીચેનું અસ્વસ્થ હતું અને વૃક્ષનાં ક્યારેક મીઠાં તો ક્યારેક કડવાં ફળો ખાવામાં મગ્ન હતું. એક વખતે તેણે એક અસાધારણ કડવું ફળ ખાધું અને જરા દુઃખી થઈને, અટકીને, તેણે પેલા ઉપરના ભવ્ય પક્ષી તરફ જોયું; પણ પાછું તરત તે આ ઉપલા પક્ષીને ભૂલી ગયું અને અગાઉની માફક ઝાડનાં ફળ ખાવા લાગી ગયું. વળી પાછું તેણે એક કડવું ફળ ખાધું અને આ વખતે થોડી ઉપરની ડાળીએ કૂદીને ટોચ ઉપર બેઠેલા પક્ષીની નજીક તે ગયું. આમ ઘણી વાર બન્યું. છેવટે તે નીચેનું પક્ષી ઉપરના પક્ષીની જગ્યાએ જ આવ્યું અને તે ઉપરના પક્ષીની અંદર સમાઈ ગયું. તરત જ તેને જણાયું કે પક્ષીઓ બે નહોતાં જ; પોતે બધો વખત પેલું ગંભીર, ભવ્ય અને પોતાની પ્રતિભામાં મગ્ન એવું ઉપરનું પક્ષી જ હતું.
આ પુસ્તક ઓનલાઇન ખરીદો



