
સંસારત્યાગની ભાવનાને હઠાવી લઈને તેને બદલે માર્ટિન લ્યૂથરે જ્યારે એકલી નીતિનો જ પ્રચાર કર્યો ત્યારે તેણે ખ્રિસ્તી ધર્મના કફનમાં જ ખીલો ઠોકયો. નિરીશ્વરવાદીઓ અને જડવાદીઓ નીતિને માની શકે; પણ ધર્મ તો ઈશ્વરમાં માનનારા પાસે જ હોય.
મહાન આત્માની પવિત્રતાની કિંમત દુષ્ટ લોકો ચૂકવે છે. જ્યારે તમે કોઈ દુષ્ટ માણસને જુઓ ત્યારે તેનો જ ખ્યાલ કરજો. જેવી રીતે શ્રીમંતોના મોજશોખની કિંમત ગરીબોની મજૂરીથી ચૂકવાય છે, તે પ્રમાણે આધ્યાત્મિક રાજ્યમાં છે. બુદ્ધ, મીરાંબાઈ વગેરે મહાન આત્માઓને જન્મ આપવા માટેની કિંમત ભારતની જનતાની ભીષણ અધોગતિરૂપે કુદરત ચૂકવી રહી છે. (જેવી રીતે એક કિલ્લો સર કરવા માટે સોમાંથી નેવું સિપાઈઓ ખપી જાય કે જેથી બાકીના દસ જીતે, તેમ અતિશય ઉચ્ચ આદર્શોવાળા સમાજમાં જ આવા મહાન આત્માઓ જન્મ લે છે; પરંતુ સામાન્ય જનતા એ આદર્શ અનુસાર જીવન જીવી ન શકતાં નીચી ઊતરી જાય છે.)
* * *
‘પવિત્ર વસ્તુઓમાંની પવિત્રતા હું છું.’ (ગીતા) હું મૂળ છું; દરેક પોતાની રીતે તેનો ઉપયોગ કરે છે, પણ બધું હું જ છું. ‘બધું જ હું કરું છું; તમે માત્ર એક નિમિત્ત જ છો.’
બહુ વાતો ન કરો પણ તમારામાંના ચૈતન્યનો અનુભવ કરો; ત્યારે તમે જ્ઞાની કહેવાશો. આનું નામ જ્ઞાન છે, બીજું બધું અજ્ઞાન છે. જાણવા યોગ્ય જે કંઈ છે તે બ્રહ્મ છે; તે જ સર્વસ્વ છે.
* * *
સુખ અને જ્ઞાનની શોધ દ્વારા સત્ત્વગુણ આપણને બાંધે છે, ઇચ્છા દ્વારા રજોગુણ બાંધે છે, ભૂલ ભરેલાં સંવેદન અને આળસ દ્વારા તમોગુણ આપણને બાંધે છે. નીચેના બેઉને એટલે કે તમોગુણ અને રજોગુણને સત્ત્વગુણથી જીતો, પછી બધું ઈશ્વરને અર્પણ કરો અને મુક્ત બનો.
ભક્તિયોગી બ્રહ્મને બહુ જલદી પામે છે અને ત્રણે ગુણથી પર જાય છે. (શ્રીમદ્ ભગવદ્ગીતા; અ. ૧૨.)
ઇચ્છાશક્તિ, ચેતના, ઇંદ્રિયો, ઇચ્છાઓ, વાસનાઓ વગેરે બધાં મળીને જેને આપણે ‘જીવ’ કહીએ છીએ, તે બનાવે છે.
પ્રથમ છે આ દેખાતો આત્મા (સ્થૂળ દેહ); અંદર બીજું છે મનોમય શરીર કે જે સ્થૂળ દેહને પોતારૂપે માની લેવાની ભૂલ કરે છે (એટલે કે માયાબદ્ધ શુદ્ધ આત્મા); ત્રીજો છે આત્મા કે જે સર્વદા પવિત્ર અને સ્વતંત્ર છે. આંશિક દૃષ્ટિએ જોઈએ તો તે જ આત્મા પ્રકૃતિ છે; પૂર્ણ રીતે જોઈએ તો સમસ્ત પ્રકૃતિ અદૃશ્ય થઈ જાય છે. તેની સ્મૃતિ સુદ્ધાં નાશ પામે છે. પ્રથમ છે પરિવર્તનશીલ (નાશવંત), પછી નિત્ય પરિવર્તનશીલ (પ્રકૃતિ) અને પછી છે પરિવર્તનરહિત (આત્મા).
* * *
સંપૂર્ણપણે આશાનો ત્યાગ કરો; સર્વોચ્ચ સ્થિતિ એ છે. આશા રાખવા જેવું છે શું? આશાનાં બંધનો તોડીને છિન્નભિન્ન કરી નાખો; તમારા આત્મામાં સ્થિર રહો; શાંત બનો; ભલે તમે ગમે તે કરતા હો પણ બધું ઈશ્વરને સોંપી દો અને તે વિશે દંભ નહીં રાખો.
* * *
‘પોતાના આત્મામાં સ્થિર રહેવું’ તે માટેનો સંસ્કૃત શબ્દ ‘स्वस्थ’ ભારતમાં લૌકિક વ્યવહારમાં ‘તમે સારા છો? તમે સુખી છો?’ એમ પૂછવામાં વપરાય છે અને જ્યારે હિંદુ એમ કહે કે ‘મેં એક વસ્તુ જોઈ’ ત્યારે ‘મેં એક પદાર્થ (પદ + અર્થ) જોયો’ તેમ કહે છે. આ વિશ્વ પણ એક પદાર્થ છે.
પૂર્ણ માનવનું શરીર યંત્રવત્ સાચું જ આચરણ કરે છે. તે માત્ર ભલું જ કરી શકે, કારણ કે તે પૂર્ણ રીતે વિશુદ્ધ બન્યું છે. જે પૂર્વ-વેગ શરીરરૂપી ચક્રને ચલાવે છે, તે બધું શુભ જ છે. બધી અશુભ વૃત્તિઓ બળી ગઈ છે.
* * *
તોફાનવાળો દિવસ ખરાબ નથી, પરંતુ જે દિવસે આપણે ઈશ્વરની કથાવાર્તા ન કરીએ તે દિવસ જ ખરેખર ખરાબ છે.
માત્ર પરમેશ્વર પ્રત્યેનો પ્રેમ જ સાચી ભક્તિ છે; બીજા કોઈપણ માણસ માટેનો પ્રેમ, પછી તે ભલે ગમે તેટલો મહાન હોય છતાં પણ તે ભક્તિ નથી, અહીં ‘પરમેશ્વર’ એટલે ઈશ્વર કે જેના વિશેની ભાવના તમે પશ્ચિમના લોકો વ્યક્તિરૂપ ઈશ્વરનો જે અર્થ કરો છો તેનાથી વિશેષ છે. ‘જેમાંથી આ વિશ્વ ઉત્પત્તિ પામે છે, જેમાં એ સ્થિતિ કરે છે અને જેની અંદર તે લય પામે છે તે ઈશ્વર છે. તે ઈશ્વર નિત્ય, પવિત્ર, સર્વ પ્રત્યે દયાળુ, સર્વશક્તિમાન અને નિત્ય મુક્ત, સર્વજ્ઞ, ગુરુઓનો ગુરુ અને પોતાને સ્વભાવે જ અનિર્વચનીય પ્રેમસ્વરૂપ છે.’
મનુષ્ય પોતાના ભેજામાંથી ઈશ્વરને બનાવતો નથી; તે પોતાની શક્તિ અનુસાર ઈશ્વરને જુએ છે અને જે કંઈ ઉત્તમોત્તમ પોતે જાણે છે તે બધાનું તેમાં આરોપણ કરે છે. પ્રત્યેક લક્ષણ સમગ્ર ઈશ્વર છે અને એક લક્ષણથી સમગ્રનું સૂચન કરવાની આ રીત તે વ્યક્તિરૂપ ઈશ્વરનો આધ્યાત્મિક ખુલાસો છે. ઈશ્વર આકારરહિત નિરાકાર છે, છતાંય બધા આકારો તેનામાં છે; તે ગુણરહિત નિર્ગુણ છે છતાંય તેનામાં બધા ગુણો છે. મનુષ્ય તરીકે આપણે – ઈશ્વર, માનવ અને પ્રકૃતિ – એ અસ્તિત્વની ત્રિપુટી જોવી જ રહી; એ સિવાય બીજું કંઈ કરી ન શકીએ.
પણ ભક્તને મન આ બધા તાત્ત્વિક ભેદો માત્ર નકામી વાતો જેવા છે. તે દલીલની પરવા કરતો નથી; તે તર્ક કરતો નથી, ‘અનુભવ લે છે, બધું પ્રત્યક્ષ કરે છે.’ ઈશ્વરના પવિત્ર પ્રેમમાં ભક્ત ડૂબી જવા માગે છે અને એવા ભક્તો પણ થયા છે જેઓ એમ કહે છે કે મુક્તિ કરતાંય આ પ્રેમ વિશેષ ઇચ્છવા યોગ્ય છે. તેઓ કહે છેઃ ‘મારે સાકર ‘થવું’ નથી; પણ મારે તો સાકરનો સ્વાદ લેવો છે’; મારે તો મારા પ્રિયતમ સાથે પ્રેમ કરવો છે અને તેનો આનંદ લેવો છે.’
ભક્તિયોગમાં પ્રથમ આવશ્યકતા છે સચ્ચાઈપૂર્વક અને આતુરતાથી ઈશ્વરની જરૂર જણાય એ. આપણે તો ઈશ્વર સિવાય બધું જોઈએ છે, કારણ કે આપણી સામાન્ય ઇચ્છાઓ બાહ્ય જગતથી સંતોષાય છે. જ્યાં સુધી આપણી જરૂરિયાતો આ ભૌતિક જગતની મર્યાદાની અંદર સમાઈ રહેલી છે, ત્યાં સુધી ઈશ્વરની આપણને કશી જ જરૂર લાગતી નથી; માત્ર જ્યારે આપણને આપણા જીવનમાં સખત પ્રહારો મળ્યા હોય અને આ દુનિયાની સઘળી વસ્તુઓથી નિરાશ થઈ બેઠા હોઈએ, ત્યારે જ કંઈક વધુ ઉચ્ચ વસ્તુની જરૂરિયાત આપણને જણાય છે અને ત્યારે આપણે ઈશ્વરને શોધીએ છીએ.
ભક્તિ વિનાશક નથી; તે આપણને એમ શીખવે છે કે આપણી બધી જ શક્તિઓ મુક્તિ મેળવવાનાં સાધનો બનવી જોઈએ, આપણે તે બધીને ઈશ્વરાભિમુખ કરવી જોઈએ; અને જે પ્રેમ ક્ષણિક ઇંદ્રિયભોગના વિષયો પાછળ વેડફી નાખવામાં આવે છે તે ઈશ્વર પ્રત્યે વાળવો જોઈએ.
ધર્મ વિશેનો તમારો પશ્ચિમનો ખ્યાલ અને ભક્તિ વચ્ચે આટલો તફાવત છે કે ભક્તિમાં ભયનું તત્ત્વ બિલકુલ સ્વીકારાતું નથી; ભક્તિમાં કોઈ એવું ‘સત્ત્વ’ સ્વીકારાતું નથી કે જેને શાંત કરવું કે રીઝવવું પડે. એવા પણ ભક્તો છે કે જેઓ ઈશ્વરને પોતાના બાળક તરીકે ભજે છે, જેથી આદરયુક્ત ભય કે સન્માનની લાગણી પણ ન રહે. સાચા પ્રેમમાં ભય કદી પણ ન જ હોય; અને જ્યાં સુધી જરા સરખો પણ ભય રહે ત્યાં સુધી ભક્તિનો આરંભ ન થાય. ભક્તિમાં ઈશ્વર પાસે માગણી કરવાની કે બદલો મેળવવાની વાતને કોઈ સ્થાન નથી. ઈશ્વર પાસે કંઈ પણ માગવું તે ભક્ત માટે ઈશ્વરાપરાધ છે. ભક્ત આરોગ્ય, લક્ષ્મી કે સ્વર્ગપ્રાપ્તિ માટે સુદ્ધાં પ્રાર્થના નહિ કરે.
જેણે ઈશ્વરને ચાહવો છે, જેણે ભક્ત થવું છે, તેણે આ બધી ઇચ્છાઓનું પોટલું બાંધીને દરવાજા બહાર મૂકી દેવું જોઈએ અને પછી જ ઈશ્વરના દરબારમાં દાખલ થવું જોઈએ. પ્રકાશના ક્ષેત્રમાં જે દાખલ થવા ઇચ્છે છે, તેણે પોતે દરવાજામાં દાખલ થાય તે પહેલાં ‘દુકાનદારીના ધર્મ’નું પોટલું વાળીને ફેંકી દેવું જોઈએ. એમ નથી કે તમે જેની પ્રાર્થના કરો તે ન મળે; મળે તો બધુંય. પણ આ માગવું એ પામર, હલકટ અને એક ભિખારીનો ધર્મ છે. ‘ગંગાકિનારે રહેવા છતાં જે પાણી માટે નાનો કૂવો ખોદે, તે મૂર્ખ છે. હીરાની ખાણ પાસે આવ્યા છતાં જે માણસ કાચના મણકાની શોધ કરે, તે પણ ખરેખર મૂર્ખ છે.’ આરોગ્ય, ધનસંપત્તિ અને ભૌતિક સુખો માટેની પ્રાર્થના તે ખરી ભક્તિ નથી; તે હલકામાં હલકા પ્રકારનાં કર્મો છે. ભક્તિ એથી વિશેષ ઉચ્ચ તત્ત્વ છે. આપણે રાજાધિરાજના દરબારમાં દાખલ થવાનો પ્રયાસ કરીએ છીએ; આપણે ભિખારીના વેશમાં ત્યાં જઈ ન શકીએ. કોઈ શહેનશાહની તહેનાતમાં આપણે હાજર થવું હોય તો ભિખારીનાં ચીંથરાં પહેરીને જઈ શકીશું? જરૂર નહીં. ચોકીદાર આપણને દરવાજા બહાર જ હાંકી કાઢે! ત્યારે આ તો શહેનશાહોનો શહેનશાહ છે, એટલે ભિખારીના વેશમાં તેની પાસે આપણે કદીય ન જઈ શકીએ. વેપારીઓને પણ ત્યાં કદીય દાખલ કરાતા નથી; ખરીદવેચાણ ત્યાં ચાલી ન શકે. બાઇબલમાં તો તમે વાંચો છો કે ઈશુએ દેવળમાંથી ખરીદવેચાણ કરનારાઓને તગડી મૂક્યા હતા.
તેથી વગર કહ્યે આટલું ચોક્કસ છે કે ભક્ત થવાની પહેલી શરત સ્વર્ગે જવું વગેરે બધી ઇચ્છાઓનો ત્યાગ કરવો એ છે. એવું સ્વર્ગ પણ આ સ્થળ જેવું, આ પૃથ્વી જેવું જ હોય; માત્ર થોડુંક વધારે સારું હોય. ખ્રિસ્તીઓનો સ્વર્ગનો ખ્યાલ ભારે આનંદના સ્થળનો છે. એવું સ્વર્ગ ઈશ્વર કેમ કરીને બની શકે? સ્વર્ગે જવાની આ બધી ઇચ્છા તો ભોગની ઇચ્છા છે; એને તો છોડી જ દેવી જોઈએ. ભક્તનો પ્રેમ સંપૂર્ણ રીતે પવિત્ર અને નિઃસ્વાર્થ હોવો જોઈએ; અહીં કે પરલોકમાં તે પોતા માટે કોઈ વસ્તુ ઇચ્છે નહીં.
‘સુખદુઃખના કે નફાનુકસાનના વિચારો છોડી દઈને દિવસરાત ઈશ્વરની ઉપાસના કરો; એક ક્ષણ પણ નિરર્થક જવા દેવાની નથી.’
‘બીજા બધા વિચારોનો ત્યાગ કરીને સમગ્ર મન રાતદિવસ ઈશ્વરની ભક્તિ કરે છે. આમ દિવસરાત તેની ભક્તિ કરવાથી ઈશ્વર પોતાને પ્રગટ કરે છે અને પોતાના ભક્તોને પોતાનો અનુભવ કરાવે છે.’
આ પુસ્તક ઓનલાઇન ખરીદો



