ખરો ગુરુ તે છે કે જેની દ્વારા આપણને આપણી આધ્યાત્મિક પરંપરા મળે છે. સાચો ગુરુ એક એવી નહેર છે કે જેની દ્વારા આધ્યાત્મિક પ્રવાહ આપણામાં વહેવા લાગે છે, જે સમગ્ર આધ્યાત્મિક જગત સાથે જોડનારી કડી સમાન છે. વ્યક્તિત્વમાં અતિશય શ્રદ્ધા રાખવામાં નિર્બળતા અને મૂર્તિપૂજાની વૃત્તિ પેદા કરવાનું વલણ રહેલું છે; પણ ગુરુ પ્રત્યેનો ગાઢ પ્રેમ ઝડપી વિકાસ શક્ય બનાવે છે, અંતરમાં રહેલા ગુરુ સાથે તે આપણને જોડે છે. જો તમારા ગુરુમાં ખરું સત્ય હોય, તો તેની તમે પૂજા કરજો; તે ગુરુભક્તિ તમને જલદી સર્વોચ્ચ સ્થિતિએ પહોંચાડશે.

શ્રીરામકૃષ્ણની પવિત્રતા બાળકના જેવી હતી. પોતાના જીવનમાં તેમણે કદી પૈસાનો સ્પર્શ કર્યો ન હતો; અને કામવાસનાનો તો તેમણે સમૂળગો નાશ કરી નાખ્યો હતો. ભૌતિક વિજ્ઞાન શીખવા માટે મહાન ધર્મોપદેશકો પાસે ન જશો; તેમની સમગ્ર શક્તિ આધ્યાત્મિક બાબતમાં રોકાઈ ગયેલી હોય છે. શ્રીરામકૃષ્ણમાં માનવી મરી ગયો હતો, અને માત્ર ઈશ્વર રહેલો હતો. તેઓમાં ખરેખર પાપદૃષ્ટિ જ ન હતી. તેઓ અક્ષરશઃ ‘પાપ જોવા કરતાં વધુ શુદ્ધ દૃષ્ટિવાળા હતા.’ આવા થોડા સાધુપુરુષોની પવિત્રતા જ આ દુનિયાને ટકાવી રાખે છે. જો તે બધા મરી જાય અને દુનિયાનો ત્યાગ કરે, તો દુનિયાનો નાશ થઈ જાય. તેઓ પોતાના અસ્તિત્વ માત્રથી જગતનું કલ્યાણ કરે છે. તેઓ પોતે તે જાણતા પણ નથી હોતા; તેઓ તો માત્ર જીવે છે એટલું જ…

* * *

ગ્રંથો આંતર્જ્યોતિના અસ્તિત્વનું સૂચન કરે છે અને તેને બહાર કાઢવાની રીત બતાવે છે. પણ આપણે પોતે જ્યારે આપણા આત્માનું જ્ઞાન મેળવ્યું હોય ત્યારે જ તેમને સમજી શકીએ. જ્યારે તમારામાં અંદરની જ્યોતિનો પ્રકાશ પથરાય ત્યારે પુસ્તકોને છોડી દો અને માત્ર અંદર જ જુઓ. તમારામાં સર્વ કંઈ રહેલું છે અને ગ્રંથોમાં છે તેથી હજારગણું વધારે રહેલું છે. તમે આત્મશ્રદ્ધા કદી પણ ન ગુમાવો; તમે આ જગતમાં ધારો તે કરી શકો. કદી પણ નિર્બળ ન બનો; તમારામાં બધી શક્તિ છે.

જો ધર્મ અને જીવન કોઈ ગ્રંથો કે પેગંબરના અસ્તિત્વ ઉપર આધાર રાખતાં હોય તો ભલે બધો ધર્મ અને બધા ગ્રંથો નાશ પામે! ધર્મ તો આપણી અંદર રહેલો છે; તે મેળવવામાં કોઈ પણ ગ્રંથ કે ગુરુ માત્ર સહાયભૂત બનવાથી વિશેષ કંઈ ન કરી શકે; અરે, તેમના વિના પણ આપણે અંદર રહેલું સર્વ સત્ય મેળવી શકીએ. છતાં પણ ગ્રંથો અને ગુરુઓ માટે કૃતજ્ઞતાની લાગણી રાખો; માત્ર તેમનાથી બંધાઓ નહીં. તમારા ગુરુને ઈશ્વર તરીકે પૂજો, પણ અંધશ્રદ્ધાપૂર્વક તેમનું કહેવું ન માનો; તેમના તરફ પૂર્ણ પ્રેમ ભલે રાખો, પણ વિચાર તો તમારી રીતે જ કરો. કોઈ પણ પ્રકારની અંધશ્રદ્ધા તમારો ઉદ્ધાર કરી નહીં શકે; તમારી મુક્તિ તમે જ સિદ્ધ કરો. ઈશ્વર માટેનો એકમાત્ર વિચાર રાખો કે તે નિત્ય મદદગાર છે.

મુક્તિ અને સર્વોચ્ચ પ્રેમ સાથે સાથે જ રહેવાં જોઈએ; ત્યારે બેમાંનું એક પણ બંધનરૂપ ન થઈ શકે. આપણે ઈશ્વરને કાંઈ પણ આપી ન શકીએ; એ જ આપણને બધું આપે છે. તે ગુરુઓના પણ ગુરુ છે. પછી આપણને પ્રતીત થાય છે કે ઈશ્વર આપણા ‘આત્માઓનો પણ આત્મા’ છે, ખુદ આપણો પોતાનો આત્મા છે. આપણે તેને ચાહીએ તેમાં કોઈ આશ્ચર્ય નથી, કારણ કે તે આપણા આત્માઓનોય આત્મા છે; તેના સિવાય બીજા કોને અગર બીજી કઈ વસ્તુને આપણે ચાહી શકીશું? આપણે પેલી ‘ઉષ્ણતાવિહોણી અને ધુમાડાવિહોણી સ્થિર જ્યોત’ થવું છે. જ્યારે તમે કેવળ ઈશ્વર જ જુઓ, ત્યારે તમે કોનું ભલું કરી શકો? ઈશ્વરનું તો તમે ભલું કરી જ ન શકો! બધા સંશયો દૂર થાય છે, બધું જ ‘સમત્વ’ છે. જો તમે કંઈ પણ ભલું કરો તો તે તમે તમારી જાતનું જ કરો છો. લેનાર ઉચ્ચ છે તેમ અનુભવો. તમે બીજાની સેવા કરો છો તેનું કારણ કે તેના કરતાં તમે નીચા છો, નહીં કે તે નીચો છે અને તમે ઊંચા છો. સુગંધ આપવી એ ગુલાબનો પોતાનો સ્વભાવ છે; ગુલાબ જેમ સુગંધ આપે છે તે પ્રકારે (દાન) આપો; તે સુગંધ આપે છે તેનું તેને જરાય ભાન પણ નથી.

આવી નિઃસ્વાર્થ સેવાનો અદ્ભુત દાખલો મહાન હિંદુ સુધારક રાજા રામમોહન રાય હતા. તેમણે પોતાનું આખું જીવન ભારતને સહાયભૂત થવામાં અર્પણ કર્યું હતું. સતીની પ્રથા તેમણે બંધ કરાવી. સામાન્યતઃ એમ મનાય છે કે આ સુધારો સંપૂર્ણ રીતે અંગ્રેજોએ કર્યો; પણ સતીના રિવાજ વિરુદ્ધની ચળવળ રાજા રામમોહન રાયે ઉપાડી હતી અને એ રિવાજને બંધ કરી દેવામાં સરકારની મદદ મેળવવામાં તેઓ સફળ થયા હતા. તેમણે આ ચળવળ શરૂ કરી ત્યાં સુધી અંગ્રેજોએ કંઈ જ કર્યું ન હતું. તેમણે બ્રાહ્મોસમાજ નામની અગત્યની હિંદુ સંસ્થા સ્થાપી અને એક વિદ્યાપીઠ (યુનિવર્સિટી) સ્થાપવા માટે એક લાખ ડોલરનો ફાળો ઉઘરાવ્યો હતો. પછીથી તેઓ તેમાંથી ખસી ગયા અને સંચાલકોને પોતાના વિના જ આગળ વધવાનું કહ્યું. તેમને પોતા માટે નામની કે અંગત લાભની કોઈ પરવા ન હતી.

આ પુસ્તક ઓનલાઇન ખરીદો

About the author : eshop

Leave A Comment

Related posts

Popular products

Product categories