
જે વ્યક્તિઓએ આ જીવનમાં મુક્તિ મેળવવી હોય, તેમણે એક જ જીવનમાં હજારો વર્ષોનું જીવન જીવવું પડે. તેમને પોતાના સમયથી આગળ જવું પડે, પણ જનતા તો માત્ર ધીરી ગતિએ જ ચાલે. ઈશુઓ અને બુદ્ધો આપણને આ રીતે મળ્યા છે…
* * *
એકવાર એક હિંદુ રાણી હતી. તેને એવી ઇચ્છા થઈ કે પોતાનાં બધાં જ સંતાનો આ જીવનમાં મુક્તિ મેળવે. આથી તે જાતે બધાંની સંભાળ લેવા લાગી. તેમને સુવડાવતી વખતે તે તેમની આગળ ‘तत्त्वमसि, तत्त्वमसि।’ તે તું છો, તે તું છો’નું હાલરડું ગાતી. તેમાંના ત્રણ સંન્યાસીઓ થયા, પણ ચોથાને ઉછેરવા માટે અન્ય સ્થળે લઈ જવામાં આવ્યો હતો, કારણ કે તેને રાજા બનાવવો હતો. જ્યારે તેને લઈ જતા હતા ત્યારે માતાએ તેને એક કાગળનો ટુકડો લખીને આપ્યો; એ કાગળ તેણે મોટો થાય ત્યારે વાંચવાનો હતો. આ કાગળની ચબરખી ઉપર લખ્યું હતુંઃ ‘ઈશ્વર એક જ સત્ય છે, બીજું બધું મિથ્યા છે. આત્મા કદીય હણાતો નથી કે હણતો નથી, કાં એકલો રહેજે અગર સાધુના સત્સંગમાં રહેજે.’ જ્યારે તે રાજકુમારે યુવાન થયા પછી તે વાંચ્યું ત્યારે તેણે પણ દુનિયાનો ત્યાગ કર્યો અને સંન્યાસી થઈ ગયો.
ત્યાગ કરો, દુનિયાને છોડો. આપણે અત્યારે રસોડામાં ઘૂસી ગયેલાં કૂતરાં જેવા છીએ. એક માંસનો ટુકડો ખાતા ખાતા ભયથી આમતેમ જોતા રહીએ છીએ કે રખેને કોઈ આવીને હાંકી કાઢે. એમ કરવા કરતાં રાજા બનો અને પૃથ્વીના અધિપતિ તમે જ છો એમ માનો. જ્યાં સુધી તમે દુનિયાને છોડી ન દો અને તે તમને બંધન કરતી બંધ થાય નહીં ત્યાં સુધી આ ભાવ કદીય આવે નહીં. શરીરથી નહીં તો મનથી ત્યાગ કરો; તમારા અંતઃકરણથી પૂરેપૂરો ત્યાગ કરો. વૈરાગ્ય લાવો.
આ જ ખરો યજ્ઞ છે અને તેના સિવાય આધ્યાત્મિકતા પ્રાપ્ત કરવી મુશ્કેલ છે. કોઈ વાતની ઇચ્છા ન રાખો કારણ કે તમે જે ઇચ્છો તે તમને મળશે અને તેની સાથે જ ભયંકર બંધન પણ આવશે. તે ‘આપણા ઉપર૧ નાક ઉગાડવા’ જેવું છે, બીજું કંઈ નહીં. એક માણસને ત્રણ વરદાન મળ્યાં હતાં, તેના જેવું એ છે. આપણે જ્યાં સુધી આત્મસંતુષ્ટ ન થઈએ ત્યાં સુધી આપણને મુક્તિ કદી નથી મળતી. ‘આત્મા જ આત્માનો ઉદ્ધારક છે, બીજો કોઈ નહીં.’
આપણે બધા એક છીએ તે જાણવા માટે બીજાનાં શરીરમાં પણ આત્મભાવ અનુભવતાં શીખો. બધી નિરર્થક વાતોને ફેંકી દો. સારાં કે ખરાબ કર્મોને થૂંકી કાઢો અને તેના વિશે વિચાર પણ ન કરો. જે થયું તે થયું. વહેમને દૂર કરો. મૃત્યુ સામે આવે ત્યારે પણ નિર્બળતા ન રાખો. પશ્ચાત્તાપ ન કરો, કૃતકર્મ માટે અફસોસ ન કરો તેમજ તમારાં સત્કર્મોને પણ યાદ કર્યા ન કરો. આઝાદ થાઓ. તમે નિર્બળ, ડરપોક અને અજ્ઞાની માણસો આત્માને કદીય પામશો નહીં. તમે કર્યું ન કર્યું નહીં કરી શકો; કર્મનું પરિણામ જરૂર આવશે; તેનો સામનો કરો અને ફરી વખતે તેમ નહીં કરવાની કાળજી રાખો. બધાં કર્મોનો ભાર ઈશ્વર ઉપર છોડી દો; સારું તથા ખરાબ, બધુંય આપી દો. સારું સારું રાખવું અને ખરાબ ખરાબ ઈશ્વરાર્પણ કરવું એમ ન કરો. જેઓ પોતાને સહાય ‘નથી’ કરતા, તેમને ઈશ્વર સહાય કરે છે.
‘તૃષ્ણાનો પ્યાલો પીને જગત ઘેલું બની જાય છે.’ દિવસ અને રાત એક સાથે કદીય નથી આવતાં, તેમ જ તૃષ્ણા અને ઈશ્વર બંને એકી સાથે કદીય ન આવે. તૃષ્ણાનો ત્યાગ કરો.
* * *
‘અન્ન, અન્ન’ એવો પોકાર કરવો અને અન્ન ખાવું તે બંને વચ્ચે, તેમ જ ‘પાણી, પાણી’ એમ કહેવું અને પાણી પીવું તે બંને વચ્ચે મોટો તફાવત છે. એ જ રીતે માત્ર ‘ઈશ્વર, ઈશ્વર’ એ શબ્દ જપ્યા કરવાથી આપણે સાક્ષાત્કારની આશા રાખી શકીએ નહીં. આપણે પ્રયત્ન કરવો જોઈએ, અભ્યાસ કરવો જોઈએ.
મોજું સાગરમાં પાછું પડે ત્યારે જ તે અફાટ સાગર બને છે; મોજા તરીકે તે કદીય સાગર ન બની શકે. મોજું સાગર બની ગયા પછી તરંગ બની શકે છે; અરે, પોતાને મનફાવે તેવું મહાન બની શકે છે. પ્રવાહ સાથેની તમારી એકતા તોડો અને જાણો કે તમે મુક્ત છો.
કેટલાંક સંવેદનોની વ્યવસ્થિત રીતે ગોઠવણી તેનું નામ ખરું તત્ત્વજ્ઞાન. બુદ્ધિનો જ્યાં અંત આવે છે, ત્યાં ધર્મની શરૂઆત થાય છે. પ્રેરણા તર્કથી ઘણી ઉચ્ચ છે, પણ પ્રેરણા બુદ્ધિનો વિરોધ કરે એમ બનવું ન જોઈએ. મુશ્કેલ કામ કરવા માટેનું જાડું હથિયાર તર્ક છે; પ્રેરણા એ સઘળા સત્યને દર્શાવનારો ઉજ્જવળ પ્રકાશ છે. અમુક એક વસ્તુ કરવાની પ્રબળ ઇચ્છા તે ખસૂસ પ્રેરણા જ હોય એવું નથી.
* * *
માયામાં પ્રગતિ તે એક વર્તુળ છે અને તે પાછું તમને આરંભના બિન્દુ ઉપર લાવે છે; પણ તમે શરૂઆત અજ્ઞાની તરીકે કરો છો અને અંતે પૂર્ણ જ્ઞાની બનો છો. ઈશ્વરની ઉપાસના, સંત મહાત્માઓની પૂજા, એકાગ્રતા અને ધ્યાન તથા નિઃસ્વાર્થ કર્મ આ બધાં માયાજાળ તોડીને નીકળવાના રસ્તા છે; પણ પ્રથમ આપણને મુક્ત થવાની તીવ્ર ઇચ્છા હોવી જોઈએ. આપણને અંધકારમાં અજવાળું આપનારો પ્રકાશ આપણી અંદર જ છે; આપણો સ્વભાવ જ જ્ઞાન છે – ‘જન્મસિદ્ધ હક્ક’ જેવું કંઈ છે જ નહિ, કારણ કે આપણો કદી જન્મ જ થયો નથી. આપણે જે કાંઈ કામ કરવાનું છે તે આ જ્ઞાનને ઢાંકનારાં વાદળોને હાંકી કાઢવાનું છે.
આ પૃથ્વી ઉપર કે સ્વર્ગમાં ભોગ મેળવવાની સઘળી ઇચ્છાને છોડી દો. ઇંદ્રિયોને કાબૂમાં રાખો અને મનોનિગ્રહ કરો. તમે દુઃખી છો એવો ખ્યાલ રાખ્યા સિવાય બધાં દુઃખો સહન કરો. મુક્તિ સિવાય બીજી કોઈ વાત ન કરો. ગુરુમાં, તેના ઉપદેશમાં અને તમે મુક્ત થઈ શકો તેવી ખાતરીમાં શ્રદ્ધા રાખો. ગમે તે થાય પણ ‘सोऽहम्, सोऽहम्’, બોલ્યા જ કરો. ખાતાંપીતાં, હરતાંફરતાં, દુઃખમાં પણ તમારી જાતને આ કહ્યા કરો. મનને આ નિરંતર કહોઃ ‘જે આપણે જોઈએ છીએ તે અસ્તિત્વ ધરાવતું જ નથી. માત્ર ‘હું’ જ છે.’ એક ચમકારો અને સ્વપ્ન ઊડી જશે! રાત ને દિવસ એવો જ વિચાર કર્યા કરો કે આ વિશ્વ શૂન્ય છે, માત્ર ઈશ્વર જ છે. મુક્ત થવા માટે તીવ્ર ઇચ્છા ધરાવો.
સંબંધીઓ અને મિત્રો બધા માત્ર પુરાણા ‘શુષ્ક કૂવાઓ’ જેવા છે; આપણે તેમાં પડીએ છીએ અને કર્તવ્ય અને બંધનોનાં સ્વપ્નાં સેવીએ છીએ અને એનો કોઈ અન્ત નથી. કોઈને ‘મદદ કરી’ને ભ્રમણા ઊભી ન કરો. એ તો વડના ઝાડ જેવું છે; તેની વડવાઈઓ દ્વારા એ વધતું ને વધતું જ જાય છે. જો તમે દ્વૈતવાદી હો તો ઈશ્વરને મદદ કરવાનો પ્રયત્ન કરવામાં તમે મૂર્ખ બનો છો; જો તમે અદ્વૈતવાદી હો તો તમે જાણો છો કે તમે ઈશ્વર છો અને તો પછી કર્તવ્યને ક્યાં સ્થાન છે? પતિ તરફ, સંતાન તરફ કે મિત્ર તરફ તમારે કશું જ કર્તવ્ય નથી. પરિસ્થિતિ જેમ આવે તેમ સ્વીકારો; નિષ્ક્રિય પડ્યા રહો અને જ્યારે તમારું શરીર તરવા માંડે ત્યારે જવા દો. ભરતી સાથે ઊંચે ચડો અને ઓટની સાથે નીચે પડો. શરીર ભલે મરી જાય. શરીરનો આ વિચાર તે જૂની પુરાણી થઈ ગયેલી વાત છે. ‘ક્રિયારહિત થાઓ અને જાણો કે તમે ઈશ્વર છો.’
વર્તમાનનું જ અસ્તિત્વ છે; ભૂત કે ભવિષ્ય વિચારમાં પણ નથી, કારણ કે ભૂતભવિષ્યનો વિચાર કરવા માટે તેમને વર્તમાન બનાવવા પડે છે. સઘળું છોડી દો અને તેને ઠીક પડે ત્યાં વહ્યે જવા દો. આ જગત આખું એક ભ્રમણા છે; તે ફરી તમને મૂર્ખ ન બનાવે તે જુઓ. તે જે નથી તે સ્વરૂપે તમે તેને જાણ્યું છે; હવે જે તે છે તે સ્વરૂપે તેને જાણો. શરીર જો ક્યાંય પણ ખેંચાય તો ખેંચાયે જવા દો; શરીર ક્યાં છે તેની પરવા કરવી છોડી દો. કર્તવ્યનો આ ત્રાસદાયક વિચાર એક કાતિલ ઝેર છે અને દુનિયાનો નાશ કરે છે.
એક વીણા મળે એની રાહ ન જોતાં તમે ધીરે ધીરે આરામ કરો. વીણા લઈને હમણાં તમે શરૂ જ શા માટે ન કરો? સ્વર્ગે જવાની વાટ શા માટે જુઓ છો? અહીં જ સ્વર્ગ બનાવો. સ્વર્ગમાં નથી પરણવાનું કે નથી પરણાવવાનું. તો પછી તરત જ શરૂઆત શા માટે ન કરવી અને અહીં જ કાં અપરિણીત ન રહેવું? સંન્યાસીનો ભગવો ઝભ્ભો મુક્તિનું ચિહ્ન છે. દુનિયાના ભિખારીનો વેશ છોડી દો; મુક્તિનો ધ્વજ, ભગવો ધારણ કરો.
(૧. એક ગરીબ માણસે એક દેવને પ્રસન્ન કર્યા. તે દેવે તેને પાસા આપીને ત્રણ વાર નાખવાથી ત્રણ વરદાન મળશે એમ કહ્યું. રાજી થઈને તે માણસે તે વાત તેની સ્ત્રીને કહી. સ્ત્રીએ પતિને પ્રથમ ધન માગવાનું કહ્યું; પણ પેલાએ કહ્યુંઃ ‘આપણાં નાક નાનાં અને કદરૂપાં છે તેથી લોકો આપણને હસે છે. માટે પહેલાં આપણે સુંદર વળાંકવાળાં નાક માગીએ.’ પણ સ્ત્રીને પ્રથમ ધન જોઈતું હતું, તેથી પતિ પાસો ન ફેંકે તે માટે તેણે તેનો હાથ પકડ્યો. ધણીએ ઝટકો મારી હાથને છોડાવી દીધો અને જલદી પાસો ફેંકીને માગ્યુંઃ ‘હે દેવ! અમને બંનેને સુંદર નાક જ આપ; બીજું કંઈ નહીં.’ તરત જ બંને જણાને આખે શરીરે ઘણાં બધાં સુંદર નાક ઊગી નીકળ્યાં, આથી તો બંનેને નવી ઉપાધિ થઈ, એટલે બીજી વાર પાસો ફેંકીને નાક પાછાં લઈ લેવાનું વરદાન માગવાનું નક્કી કર્યું. આવી માગણી સાથે તેણે પાસા નાખ્યા પણ તે સાથે તેમનાં પોતાનાં અસલ નાક પણ નવાં નાક સાથે ચાલ્યાં ગયાં! હવે શું થાય? હવે તો એક જ વરદાન માગવાનું બાકી રહ્યું હતું. નાક જવાથી તેઓ પહેલાં કરતાં વધારે કદરૂપાં દેખાતાં હતાં. તેમને બંનેને સુંદર નાક જોઈતાં હતાં ખરાં, પણ નવાં સુંદર નાક આવે તેથી તેઓ ડરતાં હતાં, કારણ કે લોકો તેમને પૂછે કે નવાં નાક ક્યાંથી થયાં? અને ખબર પડે ત્યારે ‘ત્રણ વરદાન મળ્યા છતાં સ્થિતિ સુધારી ન શક્યા?’ એમ કહીને તેની હાંસી કરે. તેથી બંનેએ પોતાના અસલનાં કદરૂપાં નાકો પાછાં મેળવવાનું નક્કી કર્યું અને છેલ્લો દાવ નાખીને પોતાનાં જૂનાં કદરૂપાં નાક પાછાં મેળવ્યાં! અને ત્રણે વરદાન આમ વપરાઈ ગયાં.)
આ પુસ્તક ઓનલાઇન ખરીદો



