
૧. શુભનો માર્ગ વિશ્વમાં ઘણો જ કઠિન અને આકરા ચઢાણવાળો છે. આટલા બધા સફળ થાય છે, તે જ આશ્ચર્ય છે. અનેક નિષ્ફળ જાય છે તેમાં કંંઈ આશ્ચર્ય નથી. હજારો ઠોકરો ખાઈને ચારિત્ર્યને દૃઢ કરવાનું છે.
૨. સત્કર્મ કર્યે જ જાઓ, નિરંતર પવિત્ર વિચારો કર્યે રાખો; હલકટ સંસ્કારોને દબાવવાનો એકમાત્ર ઉપાય એ જ છે. કદી પણ એમ નહીં કહેતા કે અમુક માણસ સુધરી નહીં જ શકે; કારણ કે એ વ્યક્તિ એટલે અમુક પ્રકારનું ચારિત્ર્ય, એક ટેવોનું પોટલું કે જે ટેવો નવી અને વધુ સારી ટેવો વડે કાબૂમાં લાવી શકાય. ચારિત્ર્ય એટલે પુનરાવર્તન પામેલી ટેવો, એટલે કેવળ પુનરાવર્તન પામેલી ટેવ જ ચારિત્ર્યને સુધારી શકે.
૩. તમારી જાતને શુદ્ધ કરો એટલે જગત પણ શુદ્ધ થવાનું.
૪. ચારિત્ર્યના ઘડતરમાં દુઃખ અને સુખ, શુભ અને અશુભ, બંને સરખો ભાગ ભજવે છે અને કેટલીક વાર તો સુખ કરતાં દુઃખ વધારે સારા શિક્ષકની ગરજ સારે છે.
૫. મહાન સંયોગો ક્ષુદ્રમાં ક્ષુદ્ર વ્યક્તિને પણ કોઈ પ્રકારની મહત્તા પ્રાપ્ત કરવા પ્રેરે છે, પણ એ જ ખરી મહાન વ્યક્તિ છે, જે હર કોઈ કાર્ય કરતી વખતે ચારિત્ર્યમાં એટલી જ મહાન રહે છે.
૬. જગતના ધર્માે નિર્જીવ અને હાંસી જેવા થઈ ગયા છે. દુનિયા ચારિત્ર્ય માગે છે. જેમનું જીવન એક નિઃસ્વાર્થ જ્વલંત પ્રેમરૂપ છે, તેવા પુરુષોની દુનિયાને જરૂર છે. એવા પ્રેમનો શબ્દ વજ્ર જેવી અસર કરશે.
૭. માત્ર ચારિત્ર્ય જ મુશ્કેલીઓની વજ્ર જેવી દીવાલો તોડીને તેમાંથી માર્ગ કાઢે છે.
આ પુસ્તક ઓનલાઇન ખરીદો



